રાજકોટમાં ૩૦૧૭૫ નાગરિકોને કૂતરા કરડયા: હવે એજન્સી બદલાશે

  • June 02, 2021 04:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક કૂતરાના ઓપરેશન અને રસીકરણનો ખર્ચ રૂા.૨૬૮૮ થશે!: રાજકોટમાં શ્ર્વાન વ્યંધિકરણ અને કૂતરાને હડકવા વિરોધી રસી આપવા માટે નવી એજન્સીને કામગીરી સોંપવા દરખાસ્ત

 


રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૩૦૧૭૫ નાગરિકોને રખડતા કૂતરા કરડયા હોવાનું બહાર આવ્યું છે. ૨૦૧૮–૧૯માં ૧૧૮૪૬, ૨૦૧૯–૨૦માં ૯૮૨૯ અને ૨૦૨૦–૨૧માં ૮૫૦૦ સહિત છેલ્લા ત્રણ વર્ષમાં ૩૦૧૭૫ નાગરિકો ડોગ બાઈટનો ભોગ બન્યા હોવાનું ઓન રેકર્ડ નોંધાયું છે. દરમિયાન હવે શ્ર્વાન વ્યંધિકરણ અને રસીકરણની કામગીરી કરતી એજન્સી બદલવા નિર્ણય કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

 


રાજકોટ શહેરમાં અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ આવ્યા અને ગયા પરંતુ રખડતા કૂતરાની સમસ્યા કોઈ ઉકેલી શકયું નથી. ૨૦૦૮થી ૧૦ના સમયગાળામાં રાજકોટમાં ડોગ બાઈટના કેસમાં ચોંકાવનારો વધારો થતા તત્કાલિન સમયે મ્યુનિસિપલ કમિશનર ડો.દિનેશ બ્રહ્મભટ્ટે આ કામગીરી માટે એજન્સીની શોધખોળ શરૂ કરી હતી પરંતુ ત્રણ–ત્રણ વખત કરેલી ટેન્ડર પ્રક્રિયામાં નિષ્ફળતા મળ્યા બાદ બેંગ્લોર ખાતે એક એવોર્ડ ફંકશનમાં હાજરી આપવા ગયેલા બ્રહ્મભટ્ટને બેંગ્લોર મ્યુનિ.કમિશનર સાથે મુલાકાત થતા તેમણે તેમની સાથે ચર્ચા કરી બેંગ્લોરમાં રખડતા કૂતરાની સમસ્યા કઈ રીતે ઉકેલવામાં આવે છે અને કઈ એજન્સી કામગીરી કરી રહી છે તે અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ બેંગ્લોરમાં કાર્યરત એનિમલ રાઈટસ ફડં નામની એજન્સીને રાજકોટમાં કામગીરી કરવા માટે આમંત્રિત કરી હતી ત્યારથી લઈને આજ દિવસ સુધી આ જ એજન્સી રાજકોટ કાર્યરત છે. દરમિયાન હવે તાજેતરમાં કરેલી ટેન્ડર પ્રક્રિયામાં અન્ય એક એજન્સીએ પણ રસ દાખવતા તેને કામ આપવા દરખાસ્ત કરાઈ છે.

 


તાજેતરમાં બે એજન્સીના ટેન્ડર આવ્યા છે જેમાં એનિમલ રાઈટસ ફડં બેંગ્લોર અને ગોલ ફાઉન્ડેશન અમદાવાદનો સમાવેશ થાય છે. આ બન્ને ટેન્ડરમાં ગોલ ફાઉન્ડેશનના ભાવ ઓછા હોય તેને કામ આપવાનું વિચારાધિન છે. આ કામે બેંગ્લોરની એજન્સીએ ૬૫ ટકા ઓન ભાવ ભર્યા છે અને અમદાવાદની એજન્સીએ ૫૮ ટકા ઓન ભાવ ભર્યા છે. એક કૂતરાના વ્યંધિકરણ ઓપરેશનનો ખર્ચ રૂા.૨૨૫૦ તદઉપરાંત રસીકરણનો ખર્ચ વિગેરે મળીને કુલ રૂા.૨૬૮૮નો ભાવ ઓફર કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS