ચૂંટણી પૂરી થતા જ અશાંતધારો થઈ ગયો શાંત: મિલકતોની લે-વેચમાં છૂટછાટ

  • March 04, 2021 07:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૂંટણીઓના થોડા સમય અગાઉ રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 માં અશાંત ધારો જાહેર કરાયા બાદ મિલકતની ખરીદી અને વેચાણ ને લગતા અનેક ટ્રાન્જેક્શન અટકી ગયા હતા ચૂંટણી પૂરી થતાંની સાથે જ હવે સરકારે આમાં છૂટછાટ જાહેર કરી છે. જિલ્લા કલેકટર રમ્યા મોહન ના જણાવ્યા મુજબ એક જ કોમ્યુનિટીના લોકો મિલકતની ખરીદી કે વેચાણ માં હશે તો તેવા કિસ્સામાં રૂબરૂ નિવેદન લીધા બાદ છૂટછાટ આપવામાં આવશે.

 

 

અત્યાર સુધી અશાંતધારા વિસ્તારમાં મિલકતોની ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. જો ખાસ કિસ્સામાં મિલકતનું વેચાણ કરવાનું થાય તો તે માટે જિલ્લા કલેકટર તંત્રને અરજી બાદ જે તે વિસતારના મામલતદાર તલાટી અને પોલીસ અધિકારીના અભિપ્રાય તે સાથે જોડવાના રહેતા હતા આ ઉપરાંત આસપાસના લોકોના નો- ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાના થતા હતા.

 


આજથી અમલમાં આવેલી નવી વ્યવસ્થા બાબતે બોલતા જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે હવે જો કોઈ એક કોમ્યુનિટીના લોકો પોતાની જ કોમ્યુનિટીના લોકોને મિલકત વેચવા માંગતા હોય કે તેની પાસેથી ખરીદવા માગતા હોય તો બંને પક્ષકારોને રૂબરૂ બોલાવીને ચીટનીસ સમક્ષ તેનું નિવેદન લેવામાં આવશે અને ત્યારબાદ મિલકતની ખરીદી કે વેચાણ માટે મંજૂરી આપવામાં આવશે. મામલતદાર તલાટી પોલીસ કે તેવા કોઈ ઓથોરિટીના અભિપ્રાયની જરૂર રહેતી નથી.

 


ગુજરાત સરકારના ગૃહ વિભાગના આદેશ મુજબ રાજકોટ જિલ્લા કલેકટર રૈમ્યા મોહને જાહેરનામુ પ્રસિધ્ધ કરીને રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.2ની વસુંધરા સોસાયટી, છોટુનગર, જસાણી પાર્ક, શ્રેયસ સોસાયટી, નહેનગર, અલ્કાપુરી, વિમાનગર, સુભાષનગર સહિતની 23 સોસાયટી અને તેની બોર્ડર પર 500 મીટર વિસ્તારમાં આવેલી મિલકતોને અશાંતધારામાં મુકી દીધી હતી. અશાંતધારો લાગુ પડતાની સાથે જ આ વિસ્તારની મિલકતોના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મુકી દેવાયો હતો. અશાંતધારો લાગુ પડયો તે અગાઉ 30 જેટલા આસામીઓએ પોતાની મિલકતના વેચાણ અને ખરીદીને લગતી પ્રક્રિયા કરી દીધી હતી પરંતુ જિલ્લા રજીસ્ટ્રાર કચેરી તરફથી દસ્તાવેજોની નોંધણી બંધ કરી દેવાતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

 


ખરી કઠણાઈ તો દસ્તાવેજની નોંધણી માટે સ્ટેમ્પ ડયુટી ભરવાની થાય છે અને તે પેટે લાખો પિયાની સ્ટેમ્પ જે તે વ્યકિત દ્વારા ખરીદવામાં આવી હતી. સ્ટેમ્પ ખરીદીના નવા કાયદા મુજબ સ્ટેમ્પ્ની ખરીદીના 60 દિવસથી સમય મયર્દિામાં તેનો ઉપયોગ ન થાય તો આવો સ્ટેમ્પ આપોઆપ રદ થાય છે અને રદ્દી કાગળ બની જાય છે. અનેક અરજદારોએ સ્ટેમ્પ્ના નાણાં પરત આપો અથવા તો દસ્તાવેજ નોંધણીને મંજુરી આપો તેવી માગણી કરી હતી પરંતુ તે બહેરા કાને અથડાતા અનેક લોકોએ લાખો પિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. સ્ટેમ્પ ખરીદયા બાદ તેના નાણાં પણ પાછા મળતા ન હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા.

 


રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.2ની 23 સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરાયા બાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ ધારાની જોગવાઈ લાગુ પડશે તેવી અફવા જોરદાર રીતે શ થઈ ગઈ હતી. જો કે, વોર્ડ નં.2ના મુદ્દે અમુક નાગરિકોએ રાજ્યની વડી અદાલતમાં ધા નાખી હતી અને હાઈકોર્ટે નવા વિસ્તારોમાં અશાંતધારો લાગુ પાડવા સામે મનાઈ હક્મ આપ્યો હતો. જો કે, અગાઉ જે વિસ્તારમાં આ ધારો લાગુ પાડી દેવાયો હતો તે વિસ્તારમાં યથાવત સ્થિતિ રાખવામાં આવી હતી.

 


અશાંતધારાના કારણે મિલકતોના લે-વેચની પ્રક્રિયા અટકાવી દેવાતા અનેક લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. ગઈકાલે આ મામલે સરકારમાંથી સુચના આવતા એક કોમ્યુનીટીના લોકો પોતાની જ કોમ્યુનીટીના લોકો સાથે મિલકતોની ખરીદ-વેચાણનો વ્યવહાર કરી શકશે તેવી છૂટ આપવામાં આવી છે. જો કે, આમ કરતા પહેલા કલેકટર તંત્રની મંજુરી લેવાનું હજુ યથાવત રખાયું છે.

 


મિલકત વેચાણની 30 અરજી: એક મંજૂર
અશાંત ધારો લાગુ પડ્યા બાદ મિલકતની વેચાણને લગતી 30 અરજીઓ મંજૂરી માટે આવી છે અને તે પૈકી એક અરજીમાં મંજૂરી આપવામાં આવી છે તેમ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવી ઉમેર્યું હતું કે જે કિસ્સામાં મંજૂરી આપવામાં આવી છે તે કિસ્સામાં પિતા પોતાની પુત્રીને પોતાની મિલકત ગિફ્ટમાં આપવા માગતા હોવાથી એ અરજી મંજૂર કરવામાં આવી છે.

 


છૂટછાટ બાબતે તમામ અરજદારોને મેસેજ કરી દેવાયા
અશાંતધારા વિસ્તારમાં આવેલી મિલકતોના વેચાણ માટે આજથી જે છૂટછાટો જાહેર કરવામાં આવી છે તેની જાણ તમામ અરજદારોને મેસેજ દ્વારા કરી દેવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application