જગલેશ્વરમાંથી સિટીમાં પલાયન: લોકડાઉન જરૂરી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના જગલેશ્વર વિસ્તારમાંથી કોરોનાનો પોઝિટિવ કેસ મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકથી જગલેશ્વર વિસ્તારમાં આરોગ્યલક્ષી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન આજે બપોરે એવી વિગતો બહાર આવી છે કે, જગલેશ્વર વિસ્તારના રહીશો તે વિસ્તાર મુકીને સિટીના અન્ય વિસ્તારોમાં અને ખાસ કરીને રૈયારોડ પરના નહે‚નગરમાં જવા લાગ્યા છે. જો જગલેશ્વર વિસ્તારને લોકડાઉન કરવો જરૂરી છે અને જો તેવું કરવામાં નહીં આવે તો રાજકોટમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે તેમ છે. રાજકોટમાં કોરોનાને વકરતો અટકાવવા માટે જગલેશ્વર લોકડાઉન થાય તે જરૂરી છે અન્યથા કોરોના સંક્રમિત વ્યક્તિ હજ્જારો લોકોને મળે તેવી આશંકા છે.


વિશેષમાં વિશ્ર્વસનિય સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ જગલેશ્વરમાંથી કોમ્યુનિટિ માઈગ્રેશન શરૂ થઈ ગયું છે. જગલેશ્વરનો રહીશ યુવાન હજ પઢીને વિદેશથી રાજકોટમાં આવ્યા બાદ તેને કોરોના લાગુ પડયો હતો અને ગઈકાલે તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારમાં આરોગ્ય તંત્રની ટૂકડીઓ ઉતરી પડી હતી. વિદેશથી આવ્યા બાદ ૧૮ દિવસ સુધી કોરોનાનો દર્દી રાજકોટના કયાં કયાં વિસ્તારમાં ફર્યો હતો અને કોને કોને મળ્યો હતો તે સહિતની વિગતોના લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. કોન્ટેકટ પર્સન અને કોન્ટેક એરિયાના લિસ્ટ બની રહ્યા છે. જગલેશ્વરના રહીશો કોરોનાના ભયથી જગલેશ્વર છોડીને સિટીના અન્ય વિસ્તારોમાં જવા લાગ્યા છે અને તેમાં પણ રૈયારોડ પરના નહેરૂનગરમાં વિશેષ જઈ રહ્યા હોય. શહેરના અન્ય વિસ્તારોમાં પણ હવે કોરોના ફેલાવાની સ્થિતિ વધુ ગંભીર બનવાની પ્રબળ આશંકા ઉપસ્થિત થઈ ગઈ છે જો જગલેશ્વર વિસ્તાર લોકડાઉન નહીં કરાય તો કલ્પનાતિત સ્થિતિ સર્જાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ખાસ કરીને જગલેશ્વરના ઉપરોકત દર્દીના પરિવારના અન્ય ચાર લોકોના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે જો તે દર્દીના પરિવારના ચારેય લોકોના કોરોના સેમ્પલ પોઝિટિવ આવશે તો તે લોકો કોને કોને મળ્યા હતા અને કયાં કયાં વિસ્તારોમાં ફર્યા હતા તે સહિતની વિગતો તૈયાર કરવી પડશે અને કોરોના સંક્રમિત એક દર્દીના બદલે જો પાંચ દર્દી નીકળે તો સેંકડો લોકોને કોરોનાનો ચેપ લગાડવામાં આવ્યો હતો તેવી સંભાવના સર્જાઈ છે. હાલ તો આરોગ્ય તંત્રનો સ્ટાફ પણ દર્દીના અન્ય ચાર સગાના રિપોર્ટ પોઝિટિવ ન આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.શહેરના ૧૪૪ની કલમ લાગુ કરવામાં આવી છે તેમ છતાં ચોમેર જાહેરમાં ઉભેલા ટોળા અને ચાની હોટલો તેમજ પાનના ગલ્લાઓ ઉપર લોકો એકત્રિત થતાં જોવા મળે છે. લોકોને સ્પર્શવાથી, હાથ મિલાવવાથી, જાહેરમાં થુંકવાથી, જાહેરમા મોં પર રૂમાલ રાખ્યા વિના કે છીંક અને ઉધરસ ખાવાથી પણ કોરોના લાગુ પડી શકે છે ત્યારે પોલીસ તંત્ર જાગે અને કોરોનાનો ફેલાવો અટકાવવા માટે લોકોને એકત્રિત થતાં અટકાવે તે સમયની માગ છે. જગલેશ્વર લોકડાઉન નહીં કરાય તો અભૂતપૂર્વ ભયંકર સ્થિતિ સર્જાશે તે કહેવામાં અતિશયોકતી નથી.હાલ તો એવી શંકા છે કે જગલેશ્વરમાંથી સ્થળાંતરિત થયેલા લોકો નહે‚નગરમાં જઈ રહ્યા છે. પરંતુ જો નહે‚નગર સિવાયના શહેરના અન્ય વિસ્તારોમાં રહેતા પરિચિતોને ત્યાં ગયા હશે તો તે વિસ્તારોમાં પણ કોરોના ફેલાય શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS