વિદેશથી પચાસ હજાર મેટ્રિક ટન ઓક્સિજન આયાત થશે

  • April 16, 2021 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોને પૂરતો જથ્થો મળશે
12 રાજ્યોને સૌથી વધુ જરૂરિયાત છે અને તેમને સૌપ્રથમ ઓક્સિજન પૂરો પડાશે



દેશમાં કોરોનાવાયરસ મહામારીએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે અને ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ઓક્સિજન ની જોરદાર ખેંચ ઊભી થઈ છે ત્યારે કેન્દ્ર સરકારે એવો નિર્ણય લીધો છે કે વિદેશથી પચાસ હજાર મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજન આયાત કરવામાં આવશે.

 


ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના બાર જેટલા રાજ્યોને ઓક્સિજનની સૌથી વધુ જરૂરિયાત રહી છે ત્યારે આ તમામ રાજ્યોને સૌપ્રથમ પૂરતો જથ્થો ફાળવવામાં આવશે. કેન્દ્ર સરકારના એમ્પાવર્ડ ગ્રુપ દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે અને ગઈકાલે ઓક્સિજન અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી અને ત્યાર બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.

 


કેન્દ્ર સરકાર દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે વિદેશથી પચાસ હજાર મેટ્રિક ટન ઓક્સિજન મંગાવવા માટે ટૂંક સમયમાં જ ટેન્ડર બહાર પાડવામાં આવશે અને જેમ બને તેમ જલ્દી ઓક્સિજનનો જથ્થો મંગાવવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા આ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

 


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક બયાન જારી કરવામાં આવ્યું છે અને તેમાં એવો ઉલ્લેખ છે કે આ સંબંધમાં મંત્રાલય દ્વારા આદેશ જારી થઈ રહ્યો છે અને તેને ગૃહ મંત્રાલય દ્વારા અધિ સૂચિત કરવામાં આવશે. બેઠકમાં એવો નિર્ણય પણ લેવાયો છે કે સૌપ્રથમ 12 જેટલા રાજ્યોને વિદેશથી આવનાર જથ્થો પૂરો પાડવામાં આવશે.

 


12 રાજ્યોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ દિલ્હી છત્તીસગઢ કણર્ટિક કેરળ તમિલનાડુ પંજાબ હરિયાણા અને રાજસ્થાન નો સમાવેશ થાય છે. આ બધા જ રાજ્યો માંથી એવી ફરિયાદ આવી છે કે તેમને ત્યાં ઓક્સીજન ખલાસ થયું છે. મહારાષ્ટ્ર સરકારે એમ કહ્યું છે કે અમારી હાલત વધુ ખરાબ છે અને અમારે ત્યાં હવે ઓક્સિજન ઉપલબ્ધ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS