દક્ષિણ રાજકોટમાંથી આવાસ માટે અને પૂર્વ રાજકોટમાંથી પાણી પ્રશ્ને: મનપામાં ટોળાં ધસી આવ્યા

  • July 16, 2021 07:53 PM 

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા તાજેતરમાં સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૧૩માં ગોંડલ રોડ ઉપર એસ.ટી. વર્કશોપ નજીક આવેલા ખોડિયારપરા વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરી કોઠારિયા ટીપી સ્કીમ નં.૧૩ના ત્રણ ટીપી રસ્તાઓ પર અડચણરૂપ રીતે ઉભેલા ૮૧ મકાનો પર બૂલડોઝર ફેરવી દઈ રસ્તા ખુલ્લા કરાવવામાં આવ્યા હતા. દરમિયાન આજે આ ડિમોલિશનના અસરગ્રસ્તોનું ટોળું મહાપાલિકા કચેરીએ ધસી આવ્યું હતું અને મ્યુનિસિપલ કમિશનર તેમજ પદાધિકારીઓને વૈકલ્પિક આવાસ આપવા માટે માગણી કરી હતી.

 


વિશેષમાં ડિમોલિશનના અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે, શહેરના અન્ય વિસ્તારોમાં ડિમોલિશન થાય છે ત્યારે અસરગ્રસ્તોને મહાપાલિકાની આવાસ યોજનામાં કવાર્ટરની ફાળવણી કરવામાં આવતી હોય છે પરંતુ ખોડિયારપરાના રહીશોને વૈકલ્પિક આવાસ આપવાની વાત તો દૂર રહી પરંતુ આવાસ આપવાની ખાતરી પણ આપવામાં આવતી નથી જેથી આજે અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી.

 

 

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૪ હેઠળના મોરબી રોડ પરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પ્રદૂષિત પાણીનું વિતરણ થતું હોય આ મામલે રજૂઆત કરવા માટે આજે મોરબી રોડ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાંથી ટોળું ધસી આવ્યું હતું અને ગંદા પાણીની બોટલો સાથે લાવીને અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરી હતી.

 


મોરબી રોડ પર ૨૫ વારિયા તેમજ ઈન્દ્રપ્રસ્થ, રામપાર્ક, રાધા–મિરા, વૈદિક વિહાર, ચિંતન પાર્ક, શિવરંજની, કુવાડવા રોડ, રઘુવીર પાર્ક સહિતની સોસાયટીઓમાં ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની તેમજ પ્રદૂષિત પાણી આવતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં પ્રદૂષિત પાણીનું વિતરણ બધં થયું ન હોય આજે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમજ આવેદનપત્રની નકલ પણ ઈનવર્ડ કરાવવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS