વૈભવ જિનિંગ અને વર્લ્ડ ગિફટ મોલમાં આવકવેરાનો સર્વે

  • October 28, 2020 11:34 AM 

રાજકોટ આવકવેરા વિભાગ દ્રારા આજે એક સાથે ૩ જેટલા સ્થળો પર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. બપોરે ૧૧–૦૦ વાગ્યા બાદ ૫ ટીમ એડવાન્સ ટેકસ માટે મેદાનમાં ઉતરતા કરચોરોમાં ફફડાટ ફેલાયો છે. જેમાં સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર ગોંડલના બીલીયાળામાં આવેલી  વૈભવ જિનિંગ એન્ડ સ્પીનિંગ મીલ તેમજ રાજકોટમાં અમીન માર્ગ પર આવેલ વર્લ્ડ ગીફટ મોલ પર સર્વે હાથ ધરવામાં આવ્યો છે.


આ અંગેની વધુમાં મળતી વિગત મુજબ આઇટીની રેન્જ–૧–૧ અને રેન્જ–૧–૨ની ટીમ દ્રારા રાજકોટ તેમજ ગોંડલ સહિત ૩ જગ્યાએ આ સર્વે હાથ ધરાયો હતો. જેમાં બીલીયાળામાં આવેલ વૈભવ જિનિંગ એન્ડ સ્પીનિંગ મીલમાં સર્વે દરમિયાન દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. રેન્જ–૧,૨ના ડેપ્યુટી કમિશનર મનીષ અજુડીયાની ટીમ દ્રારા તપાસ ચાલી રહી છે. દેશ વિદેશમાં કોટન યાર્નનું એકસપોર્ટ કરતી આ વૈભવ જિનિંગ મીલમાં એડવાન્સ ટેકસ માટે તપાસ ચાલી રહી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. આ મીલના ડીરેકટર મહેશ વેકરીયા, મેહુલ વેકરીયા, નિરવ રાદડીયા અને લલીત રાદડીયા છે. આ કંપની કોટન યાર્નમાં મેન્યુફેકચરીંગનું કામ કરે છે અને કંપની દ્રારા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે એડવાન્સ ટેકસ ઓછો ભરાયો હોય જેને પગલે આ સર્વે કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.


જયારે રાજકોટમાં અમીન માર્ગ પર મેગા ગીફટ મોલ એવા વર્લ્ડ ગીફટ શો–રૂમમાં આઇકરની ટીમ દ્રારા તપાસ હાથ ધરાઇ છે. અમીન માર્ગ પર ૩ માળનો વર્લ્ડ  ગીફટ અને આજ વિસ્તારમાં વર્લ્ડ  આર્ટ નામનો શો–રૂમ પણ આવેલો છે. બપોર બાદ શરૂ થયેલી તપાસ હજુ મોડી રાત્રી સુધી ચાલે તેવી શકયતા છે. જોઇન્ટ કમિશનર કાબરાના માર્ગદર્શન હેઠળ જુદી–જુદી આવકવેરા અધિકારીઓની ટીમ દ્રારા ૩ જેટલા સ્થળોએ સર્વેની કાર્યવાહી હાથ ધરી કરદાતાઓના સાહિત્યની ચકાસણી ચાલી રહી છે.


 અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે આવકવેરા વિભાગની તિજોરીમાં મોટું ગાબડું પડયું છે ત્યારે કરચોરો સામે તવાઇ ઉતારી ટેકસ વસુલવા માટે સીબીડીટીમાંથી નિર્દેશ મળ્યો છે

 

  • પોરબંદરમાં ફિશનું ઈમ્પોર્ટ એકસપોર્ટ કરતી સિલ્વર સી ફૂડમાં દરોડા

રાજકોટ સાથે પોરબંદરમાં પણ ઈન્કમ ટેકસની ટીમે તવાઈ ઉતારી છે. જાણવા મળતી વિગત મુજબ જામનગર ઈન્કમ ટેકસ દ્રારા પોરબંદરમાં આવેલી સિલ્વર સી ફડમાં તપાસનો ધમધમાટ શરૂ કરતાં ફફડાટ ફેલાયો છે. આજે વહેલી સવારે જામનગરની ટીમ ત્રાટકી હતી અને માછલીઓનું ઈમ્પોર્ટ–એકસપોર્ટ કરતી પેઢી સિલ્વર સી ફડમાં તપાસ શરૂ કરી હતી. ફિશ એકસ્પોટર્સને ત્યાં તપાસને પગલે ફિશરમેન ચિંતામાં આવી ગયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application