ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ પોંડીચેરીના ઓરોવિલા ફાઉન્ડેશનના સેક્રેટરી બને તેવી સંભાવના

  • March 16, 2021 11:25 AM 

કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાતમાં કરેલી કામગીરી સરાહનિય રહી છે, ડો. જ્યંતિ રવિ મૂળ તામિલનાડુના વતની છે અને ડેપ્યુટેશન પર નવી જગ્યાએ જઇ રહ્યાં છે


 

ગુજરાત કેડરના 1991 બેચના મહિલા આઇએએસ ઓફિસર ડો. જ્યંતિ રવિને પોંડીચેરીમાં મોકલવામાં આવે તેવી સંભાવના છે. તેઓ હાલ ગુજરાત સરકારમાં આરોગ્ય વિભાગના અગ્રસચિવ તરીકે કામગીરી કરી રહ્યાં છે. કોરોના સંક્રમણના સમયમાં જ્યંતિ રવિએ ઉત્તમ કામગીરી કરી છે અને તેની સરાહના ગુજરાત સરકારે કરી છે. હવે તેઓ ડેપ્યુટેશન પર જઇ રહ્યાં છે.

 


સચિવાલયના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આરોગ્ય અને પરિવાર કલ્યાણના મહિલા આઇએએસ અધિકારીનું મૂળ વતન તામિલનાડુ છે. જ્યંતિ રવિને પોંડીચેરીના વિખ્યાત ઓરોવિલા ફાઉન્ડેશનના સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે.

 


ઓરોવિલા ફાઉન્ડેશન એ આઝાદીના લડવૈયા મહર્ષિ અરવિંદ દ્વારા સ્થપાયેલા ઐતિહાસિક આશ્રમનું સંચાલન કરે છે. 17મી ઓગષ્ટ 1967માં જન્મેલા જ્યંતિ રવિએ રાજ્યના આરોગ્ય વિભાગનો હવાલો સપ્ટેમ્બર 2019માં સંભાળ્યો હતો. તેમણે ઇ-ગવર્નન્સમાં પીએચડી કર્યું છે. ન્યૂકિલિયર ફિઝિક્સમાં તેમણે એમએસસી (માસ્ટર ઓફ સાયન્સ)ની પદવી મેળવી છે.

 


માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી કર્યું છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી તેમણે લિડરશીપ પ્રોગ્રામ કર્યો છે. ન્યૂકિલિયર ફિઝિક્સમાં માસ્ટર કરનારા જ્યંતિ રવિએ સાયન્સિસ્ટ તરીકે દિલ્હીમાં બે વર્ષ સુધી કામગીરી કરી છે.

 


જ્યંતિ રવિએ સાબરકાંઠા તાલુકા વિકાસ અધિકારી તરીકે સરકારી નોકરીની શરૂઆત કરી હતી. તેઓ પંચમહાલના જિલ્લા કલેક્ટર પણ રહી ચૂક્યાં છે. તેમણે લેબર કમિશનર તેમજ હાયર એજ્યુકેશન કમિશનરનો ચાર્જ પણ સંભાળ્યો છે. તેમણે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કર્યું છે.

 


ઓરોવિલા આશ્રમ પોંડીચેરીમાં આવેલો છે. આ એક વૈશ્વિક શહેર છે જે મહર્ષિ અરવિંદ અને મધરના માનવ એકતાના મૂળ સિદ્ધાંત પર આધારિત છે. પોંડીચેરીમાં 1926માં અરવિંદના હાથે ઓરોવિલા આશ્રમની સ્થાપ્ના થઇ હતી. આ આશ્રમમાં માનવ કલ્યાણની અનેક પ્રવૃત્તિ કરવામાં આવે છે. ઓરોવિલા શબ્દનું મૂળ ફ્રેન્ચ ભાષામાં પડ્યું છે. ઓરો એટલે સવારનો પહોર અને વિલે એટલે શહેર. તેનું નામકરણ પણ મહર્ષિ અરવિંદ તરફથી કરવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS