ગુજરાતમાં છ જગ્યાએ હેલિપોર્ટનું આયોજન, પ્રત્યેક માટે 20 કરોડનો ખર્ચ થશે

  • April 02, 2021 08:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યાત્રાધામ તેમજ પ્રવાસન ધામને આવરી લેતી આ યોજનામાં ખૂબ ઓછી જમીન જોઇએ અને માળખાકીય સુવિધાનો ખર્ચ પણ ઓછો આવે છેગુજરાતના પ્રત્યેક તાલુકામથકે હેલિપેડ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે રાજ્યમાં એવા છ સ્થળો છે કે જ્યાં સરકાર હેલિપોર્ટ તરીકે તેને ડેવલપ કરી રહી છે. આ સ્થળોમાં યાત્રાધામ અને પ્રવાસન મથકોને આવરી લેવામાં આવ્યા છે. પ્રત્યેક હેલિપોર્ટ પાછળ સરકાર 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. ગયા વર્ષથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે.

 


નાગરિક ઉડ્ડયન વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે હેલિપોર્ટ અથવા તો હેલિડ્રોમ એ એક એવી સુવિધા છે જે હેલિકોપ્ટર અને કેટલાક અન્ય વર્ટિકલ લિફ્ટ પ્લેટફોર્મના ઉપયોગ માટે યોગ્ય છે. દૂરના વિસ્તારો, શહેરની વચ્ચે અવરજવર, પર્યટન, કાયદાનું અમલીકરણ, આપત્તિ સહાય, શોધ તેમજ બચાવ અને મેડીકલ ઇમરજન્સીમાં તાત્કાલિક હવાઇ જોડાણ પુરૂં પાડવા માટે સામાન્ય રીતે હેલિકોપ્ટર મુખ્ય ભૂમિકા નિભાવે છે.

 


નાગરિક ઉડ્ડયન વિભાગે કુલ છ સ્થળોએ હેલિપોર્ટની સુવિધા ઉભી કરવાનું નક્કી કર્યું  છે જેમાં અમદાવાદ, સોમનાથ, દ્વારકા, અંબાજી, સાપુતારા અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. હેલિપોર્ટ બનાવવા માટે ખૂબ ઓછી જમીનની આવશ્યકતા હોય છે. એક હેલિપોર્ટ આઠ એકર જમીનમાં બને છે અને તેનો આંતરમાળખાકીય ખર્ચ પણ ઓછો આવે છે.

 


હેલિપોર્ટ તમામ હેલિકોપ્ટર સુવિધાઓ પુરી પાડી શકે છે જેવી કે એમઆરઓ સેવા, સ્મોલ ટર્મિનલ બિલ્ડીંગ, એટીસી ટાવર, ઓપરેશનલ એરિયા, પાર્કિંગ, ફાયર એન્ડ એમ્બ્યુલન્સ, ફ્લુઅલિંગ જેવી યુટિલિટી સેવાઓનો સમાવેશ થાય છે. પ્રત્યેક હેલિપોર્ટ માટેનો ખર્ચ 20 લાખ રૂપિયા થાય છે અને મહેસૂલી ખર્ચ પ્રતિવર્ષ ત્રણ કરોડ જેટલો આવતો હોય છે.

 


હેલિપોર્ટની કામગીરી અને સંચાલન માટે રેગ્યુલેટરી મંજૂરીની આવશ્યકતા રહે છે. જેમ કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પયર્વિરણ અને વન મંત્રાલયની પરમિશન જરૂરી છે. આ હેલિપોર્ટને ચાર્ટર ઉપયોગ માટે અથવા પાર્કિંગ માટે જરૂરી હોય ત્યારે નોન શિડ્યુઅલ ઓપરેટર્સ પરમિટ ધારકોને સંચાલન માટે પરવાનગી આપવામાં આવશે અને આવક પેદા કરવામાં આવશે.

 


પ્રથમ વર્ષે અમદાવાદ, સોમનાથ અને અંબાજીમાં સેવા શરૂ કરવામાં આવશે. આ સ્થળો પ્રવાસન સ્થળ તરીકે મહત્વપૂર્ણ ગોવાથી અને સુવિધા ઉભી કરવામાં આવેલી હોઇ તેનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવશે. આ છ સ્થળોએ કામગીરી પૂર્ણ થયા પછી રાજ્યના બીજા પ્રવાસન સ્થળોએ આ પ્રકારના હેલિપોર્ટ ઉભા કરવાની દરખાસ્ત કેન્દ્ર સમક્ષ કરવામાં આવશે તેવું નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીએ જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS