મવડીમાં ૪૦૦ લોકોને વેકિસન નહીં આપતા હોબાળો, કેમ્પ રદ

  • June 25, 2021 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના મેયરના વોર્ડ નં.૧૨ હેઠળના મવડી આરોગ્ય કેન્દ્રમાં આજે ૪૦૦ લોકોને વેકિસન આપ્યા વિના આરોગ્ય કેન્દ્રએથી રવાના કરી દેવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો. તદ ઉપરાંત મવડી વિસ્તારમાં વેકિસન કેમ્પની માગણી કરવામાં આવી હતી પરંતુ તે માગણી રદ કરી દેવાઈ હતી અને કેમ્પની અરજી સ્ટોકના અભાવે સ્થગિત કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. મવડી આરોગ્ય કેન્દ્રમાં સવારથી બપોર સુધીમાં અંદાજે ૪૦૦ જેટલા લોકોને વેકિસન આપ્યા વિના પરત મોકલાતા ભારે દેકારો બોલી ગયો હતો. મેસેજ કરીને જાણ કરવામાં આવી હતી તેમજ સ્થળ પર પહોંચ્યા બાદ ટોકન પણ અપાયા હતા પરંતુ વેકિસન અપાઈ ન હતી.

 

 

મવડી આરોગ્ય કેન્દ્રમાં ઉપરોકત પરિસ્થિતિનું નિર્માણ થતા આજે મેયરના વોર્ડના સાથી કોર્પેારેટર તેમજ અન્ય અમુક આગેવાનો અને કાર્યકરો આજે બપોરે આ મુદ્દે રજૂઆત કરવા માટે મેયર ચેમ્બરમાં આવી પહોંચ્યા હતા અને મેયર ડો.પ્રદીપ ડવને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. બનાવના અનુસંધાને મેયરે ચીફ હેલ્થ ઓફિસર ડો.લલિત વાંઝા અને નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડને તેમની ચેમ્બરમાં બોલાવ્યા હતા અને મવડીની ઘટના મામલે ઠપકો આપ્યો હોવાનું જાણવા મળે છે. જો કે આરોગ્ય અધિકારીઓએ આ મામલે મગનું નામ મરી પાડયું ન હતું.

 


મેયરના વોર્ડ નં.૧૨ના મવડી આરોગ્ય કેન્દ્રમાં આવી પરિસ્થિતિ જોવા મળી છે તો શહેરના અન્ય આરોગ્ય કેન્દ્રોની હાલત શું હશે ? તેનો વિચાર કરી મેયર આગબબૂલા થઈ ઉઠયા હતા અને આરોગ્ય શાખાના તમામ જવાબદાર અધિકારીઓને તેડું મોકલ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના અનેક આરોગ્ય કેન્દ્રોમાં આજે નાગરિકોને વેકિસન લીધા વિના પરત જવું પડયું હોવાની ઘટનાઓ બની છે. ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન શરૂ થયું ત્યારબાદથી ટોકન આપવાનું બધં કરવામાં આવ્યું હતું પરંતુ વેકિસનનો સ્ટોક ઘટી જતા હવે ફરી ટોકન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ટોકન સામે પણ નાગરિકોને કોઈ વાંધો નથી પરંતુ ટોકન આપ્યા બાદ લાંબો સમય સુધી રાહ જોવા છતા વેકિસન નહીં મળતા નાગરિકોમાં કચવાટ સાથે રોષની લાગણી પ્રસરી જવા પામી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application