રાજકોટમાં કોરોનાનું મહાભયાનક સ્વરૂપ: ૩૦૨ કેસ

  • April 15, 2021 02:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાનગરપાલિકા તત્રં ઉંધા માથે: બેડ વધારવા માટે મેયરની દોડધામ: બપોર સુધીમાં જ ૩૦૨ કેસ મળતા કુલ કેસ ૨૪૦૦૦ નજીક પહોંચી ગયા: સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો હાઉસફૂલ: ઓકિસજન સાથેના બેડ અને વેન્ટિલેટરની તીવ્ર અછત

 


રાજકોટ શહેરમાં હવે કોરોનાનું મહાભયાનક સ્વરૂપ સામે આવ્યું છે. આજે બપોર સુધીમાં જ કોરોનાના ૩૦૨ કેસ મળતા હવે શહેરમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૪૦૦૦ નજીક પહોંચી ગઈ છે. સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો હાઉસફલ થઈ ગઈ છે. ઓકિસજન સાથેના બેડ અને વેન્ટિલેટરની તીવ્ર અછત જોવા મળી રહી છે. કોરોનાગ્રસ્તોની હાલત 'જાયે તો જાયે કહાં' જેવી થઈ ગઈ છે. હોસ્પિટલોમાં પણ ટપોટપ મોત થઈ રહ્યા હોય નાગરિકો હોસ્પિટલમાં જવાના બદલે હોમ આઈસોલેટ થવા લાગ્યા છે. રાજકોટમાં કોરોનાની સ્થિતિ એટલી હદે ભયંકર થઈ ગઈ છે કે હવે નાગરિકો અત્યતં જરૂરી કામકાજ વિના ઘર બહાર નીકળવાનું ટાળે તે જ તેમના અને તેમના પરિવારજનોના હિતમાં છે. મહાપાલિકાએ આજે બપોરે જાહેર કરેલા સત્તાવાર કોવિડ બૂલેટિન અનુસાર આજે બપોર સુધીમાં શહેરમાં કોરોનાના ૩૦૨ કેસ પોઝિટિવ કેસ નોંધાતા આ સાથે કુલ કેસ ૨૩૯૭૦ થયા છે.

 

 

આજ સુધીમાં કુલ ૨૦૨૧૮ દર્દીઓ સાજા થયા છે અને રિકવરી રેઈટ ૮૫.૪૨ ટકા રહ્યો છે. આજ સુધીમાં કુલ ૭,૯૫,૫૨૫ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાં પોઝિટિવિટી રેઈટ ૨.૯૮ ટકા રહ્યો છે. ગઈકાલે તા.૧૩ને મંગળવારના રોજ ૧૨૧૫૭ નાગરિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી ૫૨૯ નાગરિકો પોઝિટિવ મળી આવ્યા હતા. સમગ્ર શહેરમાં ફરી કોવિડ ટેસ્ટિંગ રથ, ધનવંતરી રથ, સંજીવની રથ દોડવા લાગ્યા છે અને તેની ફ્રિકવન્સી વધારવામાં આવી છે. કોરોના ટેસ્ટિંગની સાથે સાથે વેકિસનેશન પણ વધારવામાં આવ્યું છે. આજે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કોઠારિયા વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટરની વિઝિટ કરી હતી અને વેકિસનેશન કામગીરી નિહાળી હતી તેમજ નાગરિકો સાથે સંવાદ કર્યેા હતો. રાજકોટ શહેરમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા હોય હવે રજાના દિવસે પણ મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, શાસકપક્ષના નેતા તેમજ આરોગ્ય શાખાનો સંપૂર્ણ સ્ટાફ અને મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં સવારથી સાંજ સુધી ઉપસ્થિત રહેવા લાગ્યા છે. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી હોય તાત્કાલીક અસરથી વધારાના બેડ ઉપલબ્ધ કરાવવા માટે મેયર ડો.પ્રદીપ ડવ દોડધામ કરી રહ્યા છે.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS