નવી હોસ્પિટલ કરતાં મોટી હોસ્પિટલોને 100 ટકા કોવિડ સેન્ટરમાં ફેરવી નાંખવી જોઇએ

  • April 14, 2021 08:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ, સુરત અને વડોદરામાં કોવિડ હોસ્પિટલો બનાવવામાં આવી રહી છે, નાની હોસ્પિટલોમાં સ્ટાફ અને ઓક્સિજનનો અભાવ હોય છે



ગુજરાતમાં કોરોના સંક્રમણ હાહાકાર મચાવી રહ્યું છે અને પ્રતિદિન 6000થી વધુ દર્દીઓ પોઝિટીવ બની રહ્યાં છે ત્યારે રાજ્ય સરકાર નવી હોસ્પિટલો ઉભી કરવાના કાર્યમાં આગળ વધી રહી છે. બેડની તંગી નિવારવા નવી કોવિડ હોસ્પિટલો બનાવવામાં આવે તે ઉત્તમ પગલું છે પરંતુ રાજ્યમાં સરકારી કે ખાનગી ક્ષેત્રની જે મોટી હોસ્પિટલો છે તેને 100 ટકા કોવિડ સેન્ટરમાં ફેરવી નાંખવામાં આવે તો સમસ્યાનો હલ આવી શકે છે, કારણ કે નાની હોસ્પિટલોમાં સ્ટાફ અને ઓક્સિજનનો અભાવ હોય છે.

 


વધતા જતા કોરોના પોઝિટીવ કેસોને ધ્યાને લઇને રાજ્ય સરકારે અમદાવાદ, સુરત અને વડોદરામાં નવી કોવિડ હોસ્પિટલની વ્યવસ્થા શરૂ કરી છે. અમદાવાદના જીએમડીસીમાં 900 બેડ અને સુરતમાં સરસાણા ચેમ્બર ઓફ કોમર્સના ક્ધવેશન હોલમાં 544 બેડની કોવિડ હોસ્પિટલ બની રહી છે.

 


આ સાથે સુરતના બારડોલીમાં માલિબા કેમ્પસમાં પણ 211 બેડનું કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવનાર છે. વડોદરામાં ત્રણ દિવસમાં 3000 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. યજ્ઞપુરૂષ કોવિડ કેર સેન્ટરમાં આ હોસ્પિટલ બનાવવામાં આવી છે જેમાં આઇસીયુ, ઓક્સિજન સહિતની સુવિધા રાખવામાં આવી છે.

 


નવી હોસ્પિટલો ઉભી કરવાની વ્યવસ્થા સાથે અમદાવાદના એક તબીબ ડો. વસંત પટેલે કહ્યું છે કે રાજ્યમાં જે મોટી હોસ્પિટલો છે તેને બે મહિના માટે 100 ટકા કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરવી જોઇએ, અમદાવાદની શારદાબેન, વીએસ, નારાયણી, ઝાયડસ, એપોલો જેવી મોટી હોસ્પિટલો રૂપાંતરિત થઇ શકે તેમ છે, કારણ કે તેમની પાસે આરોગ્યના તમામ સાધનો અને બહોળો સ્ટાફ મોજૂદ હોય છે.

 


રાજ્ય સરકાર વિકાસના તમામ કામો અને યોજનાઓ બાજુએ મૂકીને અત્યારે કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવાના પગલાં લઇ રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અત્યારે કોરોના સંક્રમણના દર્દીઓ વધતાં હોસ્પિટલના બેડ વધારવા માટે તેમજ દર્દીઓને જરૂરી દવા અને ઇન્જેક્શન મળી રહે તે માટે પ્રયાસ કરી રહ્યાં છે.
આરોગ્યના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે આરોગ્યના મર્યિદિત સ્ત્રોત અને સાધનોથી બહોળા દર્દી સમુદાયને સુવિધા આપવાની થાય છે તેથી મુશ્કેલી પડી રહી છે.

 

માત્ર ગુજરાતમાં જ નહીં, દેશના અન્ય રાજ્યો કે જ્યાં કેસોની સંખ્યા વધી રહી છે ત્યાં ગુજરાત કરતાં બદતર હાલત છે. જો કે કોરોના સંક્રમણના કુલ કેસો પૈકી 80 ટકા કેસ આઇસોલેશનમાં છે જ્યારે 15 ટકા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે અને પાંચ ટકા દર્દીઓને આઇસીયુની જરૂરિયાત ઉભી થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS