જગન્નાથ મંદિરની રથયાત્રાને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું મહત્વનું નિવેદન

  • June 10, 2021 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં 11 જૂનથી લોકડાઉનના નિયમો હળવા થઈ રહ્યા છે અને સાથે ધાર્મિક સ્થળો પણ ભક્તો માટે ખુલશે ત્યારે લાખો ધર્મપ્રેમીઓમાં ખુશીની લહેર પ્રસરી ચૂકી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી જમાલપુર જગદીશ મંદિરનાં બંધ દ્વાર પણ શુક્રવારથી ખૂલી જતા ભગવાન જગન્નાથના દર્શન માટેનો દોર તો શરૂ થશે જ, સાથે જ જગદીશ મંદિરેથી દર અષાઢી બીજે નીકળતી રથયાત્રા આ વર્ષે પણ આગામી તા.12મી જુલાઈને અષાઢી બીજના દિવસે નીકળશે તેવી લાખો ધર્મપ્રેમીઓના હૃદયમાં આશા બંધાઈ છે.


 
આજે રથયાત્રા અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ રથયાત્રા અંગે જણાવ્યું હતું કે આગામી સમયમાં કોરોનાના કેસની સ્થિતિને ધ્યાનમાં રાખી અને આગામી સમયમાં રથયાત્રાને લઈને નિર્ણય લેવામાં આવશે. જો કે સરકાર મંજૂરી આપશે કે કેમ તે અંગે તો આગામી સમયમાં ખ્યાલ આવશે પરંતુ મંદિર  તરફથી તૈયારી શરુ કરવામાં આવી છે. 

 

દરમિયાન ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથને જળાભિષેક કરવાની વિધિ માટે સાબરમતી નદીમાંથી જળ લાવવા માટે આગામી તા.24મી જૂનના રોજ જગદીશ મંદિરથી જળયાત્રા માટે તૈયારીઓને આખરીરૂપ આપવામાં આવી રહ્યું છે. જેની બીજી તરફ શહેર ટ્રાફિક પોલીસની ટીમોએ પણ રથયાત્રા મંદિરથી શહેરના વિવિધ ભાગોમાંથી પસાર થયા છે તે રૂટો પર બંદોબસ્ત ગોઠવવાની પ્રક્રિયા માટે રાઉન્ડ લેવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે.


 
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિ હજી પૂરેપૂરી નિયંત્રિત ન થતા શહેરના જમાલપુર સ્થિત જગદીશ મંદિરેથી પ્રતિવર્ષ અષાઢી બીજના દિવસે પરંપરાગત નીકળતી 144મી રથયાત્રા આ વર્ષે આગામી તા. 12મી જુલાઈને અષાઢી બીજના દિવસે નીકળશે કે કેમ ? એ પ્રશ્ને ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 24મી જૂને જળયાત્રાની મંજૂરી મળશે કે કેમ તેની સાથે જ રથયાત્રાનો આખરી નિર્ણય લેવાશે.


 
દેખીતી રીતે જ ગત 2020ના વર્ષમાં પણ શહેરમાં કોરોના બેકાબૂ બન્યો હોવાથી શહેર પોલીસે મંજૂરી ન આપતા અષાઢી બીજના દિવસે જગદીશ મંદિરેથી રથયાત્રા શહેરની પરિકમ્માએ નીકળી ન હતી અને રથયાત્રાના ત્રણ રથ ભગવાન કૃષ્ણ કહો કે, જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ મંદિરના પ્રાંગણમાં જ રાખવામાં આવ્યા હતા. આમ છતાં દર્શન માટે ભારે ભીડ ઊમટી પડી હતી પરિણામે કોરોનાની ગાઇડલાઇન બાજુ પર હડસેલાઈ ગઈ હતી અને તે ભારે વિવાદ પણ સર્જાયો હતો.

 

દરમિયાન શહેર ટ્રાફિક પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓની ટીમે રથયાત્રાના પરંપરાગત રૂટ પરના ભયજનક મકાનો, તૂટેલા ફૂટેલા રસ્તાઓ અને ખાડાઓની સમીક્ષા કરવા સોમવારે રાઉન્ડ લીધો હતો. આ રાઉન્ડ એમ કહી રહ્યો હતો કે, રથયાત્રાની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS