ગુજરાતમાં ખેતરોના ટુકડા થઇ રહ્યાં છે, ખેડૂત કરતાં ખેતમજૂર વધી રહ્યાં છે

  • March 26, 2021 08:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં એક ચોંકાવનારા એગ્રીકલ્ચર સર્વેમાં જોવા મળ્યું છે કે ગામડાઓમાં ખેતરોના ટુકડા થઇ રહ્યાં છે અને ખેતમજૂરો વધી રહ્યાં છે. રાજ્યમાં ખેડૂત ખાતેદારોની સંખ્યા 48 લાખ છે જે પૈકી અંદાજે 30 લાખ જેટલા ખેડૂતો નાના અને સીમાંત છે. બીજી તરફ જમીનના ટુકડા થતાં મોટા અને મધ્યમ ખેડૂતોની સંખ્યા ઓછી થઇ રહી છે.

 


કૃષિ વિભાગના એક અધિકારીએ ચોંકાવનારૂં તારણ આપતાં કહ્યું હતું કે નાના અને સીમાંત ખેડૂતો વધવાનું કારણ રાજ્યમાં વધુ પડતું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન છે. મોટા અને મધ્યમ ખેડૂતો તેમની જમીન વેચી રહ્યાં છે અથવા તો જમીનના ભાગ પડી રહ્યાં છે. રાજ્યમાં મોટા ખેડૂતો ઓછા છે એટલું જ નહીં નાના અને મધ્યમ ખેડૂતોની જમીન છીનવાઇ રહી છે તેથી ખેડૂતો કરતાં ખેતમજૂરોની સંખ્યા વધી રહી છે.

 


ગુજરાતમાં ખેતમજૂરોની સંખ્યા 30 લાખ જેટલી થવા જાય છે જે નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા જેટલી છે. ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં નાના અને સિમાંત ખેડૂતોના ખેતરો વેચાઇ જતાં ખેતમજૂરોની સંખ્યામાં ચોંકાવનારો વધારો થયો છે. એગ્રીકલ્ચર સેન્સસની ગણતરી પ્રમાણે ગુજરાતમાં નાના ખેડૂતો વધી રહ્યા છે.

 


આ સેન્સસ પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 2.30 લાખ સીમાંત ખેડુતોનો વધારો થયો છે, જ્યારે મધ્યમ ખેડૂતોની સંખ્યામાં 70 હજાર જેટલો ઘટાડો નોંધાયો છે. આ બાબત દશર્વિે છે કે જમીનના ટુકડા વધી રહ્યા છે અને નાના-સીમાંત ખાતેદારો પણ સાથે સાથે વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ 2.18 લાખ ખેતમજૂરો આણંદ જિલ્લામાં હતા, જ્યારે સૌથી ઓછા 32 હજાર પોરબંદર જિલ્લામાં નોંધાયા હતા. રાજ્યના 12 જિલ્લાઓ એવા છે કે જ્યાં એક લાખથી વધુ પ્રમાણમાં ખેત મજૂરો નોંધાયેલા છે.

 


એક રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં મોટા ખેડૂતોની સંખ્યા 11 લાખ થવા જાય છે જ્યારે મધ્યમ ખેડૂતોની સંખ્યા 5.12 લાખ, સીમાંત ખેડૂતોની સંખ્યા 18.15 લાખ અને નાના ખેડૂતોની સંખ્યા 14 લાખ થવા જાય છે. રાજ્યના ખેડુતો તેમના ખેતરો તો વહેંચી નાંખે છે અને રૂપિયા પણ કમાય છે પરંતુ રૂપિયાનું બરાબર બચત પ્લાનિંગ નહી થતાં ખેડુત પરિવારો જયાં હતા ત્યાં આવી જાય છે, અને રોજગારી મેળવવા માટે ખેતરોમાં કામ શરૂ કરે છે.

 


ગુજરાતમાં જમીનને બીનખેતીમાં ફેરવવા માટે સરકારે સરળતા કરી આપી હોવાથી ખેડુતો રૂપિયાની લાલચમાં આવીને તેમના વર્ષો પુરાણા ખેતીના વ્યવસાયને દૂર કરી રહ્યા છે. સરકાર ખુદ તેના પ્રોજેક્ટોમાં ખેડુતોની જમીન એક્વાયર કરી રહી છે. એટલું જ નહીં નવા પ્રોજેક્ટોમાં ખાનગી કંપ્નીઓને સામેલ કરતાં આ કંપ્નીઓ પણ બિનખેતીની જમીન એક્વાયર કરી રહ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS