૨૦૨૨ સુધીમાં રાજ્યના તમામ ગામડાઓને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લઇ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પડાશે : ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલ

  • March 10, 2021 08:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઊર્જામંત્રી  સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી   વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી   નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી સરકાર આગળ વધી રહી છે. આ સંકલ્પને સાકાર કરવા માટે આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ગામડાઓને આવરી લઇને ખેડૂતોને દિવસે વીજળી પુરી પડાશે. પ્રથમ તબક્કામાં રાજ્ય સરકારે રૂ.૩૫૦૦ કરોડના ખર્ચે આ યોજના હેઠળ ૪૦૦૦ ગામોને વીજળી પૂરી પાડી દીધી છે. 

 


આજે વિધાનસભા ખાતે ધારાસભ્ય   ભરતભાઇ પટેલના કિસાન સૂર્યોદય યોજનાના બિનસરકારી સંકલ્પને આવકારતા ઊર્જા મંત્રી   પટેલે ઉમેર્યુ કે, તત્કાલીન મુખ્યમંત્રી  અને દેશના વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદીના ઊર્જા ક્ષેત્રના દૃષ્ટિવંત આયોજનના પરિણામે જ આજે ઊર્જા ક્ષેત્રે ગુજરાત દેશભરમાં સરપ્લસ રાજ્ય છે. ભૂતકાળની સરકારોએ ૨૨૦૦ કરોડનું નુકસાન અમને આપ્યું હતું. ટ્રાન્સફોર્મર ખરીદવા પૈસા નહોતા તથા કર્મચારીઓના પગાર માટે ફાંફા પડતા હતા. તેવા સંજોગોમાં અમે સત્તા સંભાળી ત્યારથી પુનર્ગઠન અને વિભાજન કર્યું ત્યારથી ગામડાઓ અને શહેરોને ગુણવત્તાલક્ષી વીજળી આપવાનો નિર્ધાર કરી જ્યોતિગ્રામ યોજના કાર્યાન્વિત કરી અને પરિપૂર્ણ કરીને આજે ૨૪ કલાક થ્રી-ફેઇઝ ગુણવત્તાયુક્ત વીજળી ગામડાઓ સુધી પહોંચાડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે. અમે આજે ખેડૂતોના વીજ કનેક્શનોનો બેકલોક દૂર કર્યો છે અને ખેડૂતોને જરૂરિયાત મુજબ વીજ કનેક્શન આપી રહ્યા છીએ.

 


ઊર્જા મંત્રી એ ઉમેર્યું કે ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવી ખૂબ જ અઘરું કામ હતું. પરંતુ કિસાન સૂર્યોદય યોજના દ્વારા અમે એ સાકાર કરી બતાવ્યું. અમારી ભાજપા સરકાર અઘરા કામને સરળ કરી જનહિતની સુવિધાઓ પુરી પાડવા સક્ષમ છે. આ કામ અમે હાથ ધર્યું અને આજે ૪૦૦૦ ગામડાઓને દિવસે વીજળી પૂરી પાડવામાં આવી રહી છે અને આગામી બે વર્ષમાં તમામ ગામડાઓને આવરી લેવાનું આયોજન છે. આ માટે વીજળી ક્યાંથી લાવી અને કેવી રીતે પહોંચાડવી એ માટે સંપૂર્ણ આયોજન કરી દીધું છે. ૫૦૦-૫૦૦ મેગાવોટના ૧૨ ટેન્ડરો બહાર પાડી દીધા છે. જેમાંથી ૧૦ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમાંથી ૩૯૫૨ મેગાવોટ વીજળી રૂ.૧.૯૨ પૈસાથી રૂ.૨.૬૦ પૈસા લેખે ખરીદવામાં આવશે. જે આગામી ૧૨ થી ૧૫ માસમાં મળશે. એ જ રીતે હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી ૩૦૦૦ થી ૩૫૦૦ મેગાવોટ, સોલાર રૂફ ટોપ યોજનામાંથી ૧૫૦૦ થી ૨૦૦૦ મેગાવોટ વીજળી મળશે. આમ જરૂરિયાત મુજબ વીજ ઉત્પાદન અને ખરીદી કરીને કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને વીજળી પૂરી પડાશે.

 

તેમણે ઉમેર્યું કે અમે જે કહીએ છીએ તે કરીએ જ છીએ એટલે જ અમે મક્કમ નિર્ધાર કર્યો છે કે ખેડૂતોને દિવસે વીજળી આપવી જ છે અને આપશું જ. આ યોજના રાજ્યભરમાં અમલી થઇ જશે ત્યારે ગામડાઓનું અર્થતંત્ર વધુ સમૃદ્ધ થશે અને ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું સાકાર થશે. ધારાસભ્ય  ભરતભાઈ પટેલે સંકલ્પ રજૂ કરતાં કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ અર્થતંત્ર ધબકતુ કરવા તેમજ ગ્રામજનોના જીવનમાં સામાજિક-આર્થિક પરિવર્તન લાવવા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તે જ રીતે રાજ્યના ખેડૂતોને દિવસના સમયમાં ખેતી માટે વીજળી ઉપલબ્ધ થાય તે અર્થે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી છે. પાણી અને વીજળી એ ખેડૂતોની પ્રાથમિક જરૂરીયાત છે. કિસાન સૂર્યોદય યોજના એ જ્યોતિગ્રામ યોજના પછીની સૌથી મોટી યોજના છે જે થકી ખેડૂતોને દિવસના સમયમાં ગુણવત્તાયુક્ત વીજપુરવઠો ઉપલબ્ધ થશે. 

 


રૂ.૩૫૦૦ કરોડની આ યોજના હેઠળ ગુજરાતનાં અંદાજે ૪૦૦૦ જેટલા ગામોને લાભ મળવાનો શરૂ થયો છે. એટલું જ નહિ વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજ્યના તમામ ગામોને આ યોજના હેઠળ આવરી લેવા રાજ્ય સરકાર કટીબધ્ધ છે. આ યોજનાના અમલીકરણથી ખેડૂતોને હવે રાતને બદલે દિવસે ખેતી કરવાની સવલત મળતાં પાક ઉત્પાદનમાં વધારો થશે. ઉપજની આવક વધતાં કિસાન પરિવારોમાં સમૃધ્ધિનો સૂરજ ઉગશે. રાજ્યના ખેડૂતો માટે આશીર્વાદરૂપ કિસાન સૂર્યોદય યોજનાનો સમગ્ર રાજ્યમાં વહેલી તકે સંપૂર્ણ અમલ થાય તે માટે જરૂરી પગલાં ભરવા આ સભાગૃહ રાજ્ય સરકારને અનુરોધ કરે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS