ભારતીય વિચારધારાને લગતા સંશોધન વધે તે માટે કાલે સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા એમઓયુ

  • March 11, 2021 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય શિક્ષણ મંડલ (સૌરાષ્ટ્ર પ્રાંત) દ્વારા આયોજીત રીસર્ચ ફોર રીસર્જન ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર યુનિ. સાથે કુલપતિ ડો.નીતિનભાઇ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઇ દેશાણીના માર્ગદર્શન હેઠળ તા.12ને શુક્રવારના રોજ સવારે 11 કલાકે સૌરાષ્ટ્ર યુનિ. પરિસર ખાતે સંશોધનને વેગ આપવામાં માટે એમઓયુ કરવામાં આવશે સાથે સાથે નીતિ આયોગના સહયોગથી ભારતીય શિક્ષણ મંડલ દ્વારા રોલ ઓફ ટીચર્સ ઇન એનઇપી ઇમ્પલીમેન્ટેશન વિષય પરના રાષ્ટ્રીય સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. આ રાષ્ટ્રીય સેમિનારમાં ભારતીય શિક્ષણ મંડલના રાષ્ટ્રીય મહામંત્રી ડો.ઉમાશંકર પચૌરીજી કી-નોટ સ્પીકર તરીકે માર્ગદર્શન આપશે. આ એમઓયુ કાર્યક્રમમાં ભારતીય શિક્ષણ મંડલના રાષ્ટ્રીય મહામંત્રી અને શિક્ષણવિદ ડો.ઉમાશંકર પચૌરીજી, ભારતીય શિક્ષણ મંડલના ગુકુલ પ્રકલ્પ્ના રાષ્ટ્રીય સંયોજક અને પશુપતીનાથ મંદિર-નેપાળના ટ્રસ્ટી, આચાર્ય ડો.દીપજી કોઇરાલા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સહ વ્યવસ્થા પ્રમુખ અને ભારતીય શિક્ષણ મંડલના વાલી નરેન્દ્રભાઇ દવે, ભારતીય શિક્ષણ મંડલના સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ સુરેશ નહાટા ઉપસ્થિત રહેશે.

 


એમઓયુ અંગે વાત કરતાં સિન્ડીકેટ સભ્ય અને શિક્ષણશાસ્ત્રી ભવનના અધ્યક્ષ ડો.ભરતભાઇ રામાનુજના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભારતીય વિચારધારાને લગતા સંશોધનો વધે તથા અભ્યાસ ક્રમમાં પણ ભારતીય વિચારધારાને સમાવવા અંગેના એમઓયુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ડો.ઉમાશંકર પચૌરી ભારતીય શિક્ષણ મંડલના રાષ્ટ્રીય મહામંત્રી છે. મધ્યપ્રદેશના ગ્વાલીયર ખાતે સિવિલ સર્વિસીસની પરીક્ષાઓના માર્ગદર્શક, હિન્દી સાહિત્યના અધ્યાપક છે. તેઓ વેદ-ઉપનિષદોના જ્ઞાતા છે સાથે સાથે છેલ્લા 20થી વધારે વર્ષોથી સંશોધન, લેખન અને શિક્ષણના ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે. તેમને ભારત વિકાસ પરીષદ અને મધ્ય ભારત હિન્દી સાહિત્ય સભા દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જયારે આચાર્ય ડો.દીપ કોઇરાલા ભારતીય શિક્ષણ મંડલના ગુકુલ પ્રકલ્પ્ના રાષ્ટ્રીય સહ સંયોજક છે. વર્તમાનમાં અમદાવાદ ખાતે સાબરમતી ગુકુલમાં પ્રધાનાચાર્ય તરીકે કાર્યરત છે.

 


આ ઉપરાંત ભારતીય શિક્ષણ મંડલ એ રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણના ક્ષેત્રે 1969થી કાર્ય કરતી સંસ્થા છે. આ સંસ્થાના અધ્યક્ષ તરીકે કુશાભાઉ યુનિ.ના પૂર્વ કુલપતિ પ્રો.સચ્ચિદાનંદ જોશી કાર્યરત છે. ભારતીય શિક્ષણ મંડલની પેટા સંસ્થા રીસર્ચ ફોર રીસર્જન ફાઉન્ડેશન અત્યાર સુધીમાં દેશની 112 જેટલી યુનિવસિટીઓ સાથે આ પ્રકારનો એમઓયુ કરી ચુકયું છે. તેનું સર્વર દિલ્હીની જવાહરલાલ નહે યુનિવર્સિટી ખાતે આવેલું છે. જેના બહોળા ડેટાબેઝનો લાભ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળશે. આ તમામ યુનિવર્સિટીઓના રીસર્ચ સ્કોલર સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જ્ઞાનની આપ-લે કરી શકશે. તેમજ યુનિવર્સિટી ઈચ્છે તો એકસચેન્જ પ્રોગ્રામમાં પોતાના વિદ્યાર્થીઓને મોકલી શકશે. સંશોધકોનું રીસર્ચ વધુ સુદ્રઢ, ભારતીય દ્રષ્ટિગોણવાળુ તેમજ રાષ્ટ્ર ઉપયોગી રીસર્ચ બને તેના માટે દેશના ઉત્કૃષ્ટ પ્રોફેસરોનું માર્ગદર્શન મળી રહે તેવી જોગવાઈઓ એમઓયુમાં કરવામાં આવેલ છે. આ સેમિનારના સંયોજક તરીકે સિન્ડિકેટ સભ્ય અને શિક્ષણશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.ભરતભાઈ રામાનુજ તથા સહસંયોજક તરીકે ફાર્મસી ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ધવલભાઈ વ્યાસ કાર્યરત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS