ભારત-પાક. વચ્ચે શાંતિ માટે યુએઇના શેખની મધ્યસ્થી: આજે બેઠક યોજાશે

  • March 23, 2021 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત-પાક. વચ્ચે વાતચીત શરૂ: સિન્ધુ મુદ્દે આજે બેઠક: સંબંધોમાં કડવાશ ઓછી કરવા યુએઈનો પ્રયાસ


ભારત અને પાકિસ્તાનની વચ્ચેના સંબંધો પર વર્ષોથી જામેલો બરફ હવે પીગળવા લાગ્યો છે. ભારત અને પાકિસ્તાન બંને દેશોના નેતા હવે શાંતિની વાતો કરવા લાગ્યા છે. એટલું જ નહીં, પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન કોરોના સંક્રમિત થયા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરી ખબરઅંતર પૂછ્યા હતા. આ દરમિયાન સમાચાર એજન્સી બ્લૂમબર્ગે દાવો કર્યો છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે દોસ્તીનો આ રસ્તો સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)નો શાહી પરિવાર તૈયાર કરી રહ્યું છે.

 

દરમિયાનમાં આજે ભારત અને પાકિસ્તાન અઢી વર્ષ બાદ વાતચીતના મેજ પર આવી ગયા છે અને સિન્ધુના મુદ્દા પર આજે બેઠક મળી રહી છે. પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ગઇકાલે જ ભારત પહોંચી ગયુ હતુ.

 


એજન્સીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, ભારત અને પાકિસ્તાનની સેના દ્વારા સીઝફાયરને પ્રભાવી રીતે લાગુ કરવાના અચાનક અપાયેલા નિવેદનથી દુનિયા ચોંકી ગઈ છે. તેના બરાબર 24 કલાક પછી યુએઈના વિદેશ મંત્રી એક દિવસના પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા હતા. યુએઈ  તરફથી સ્ટેટમેન્ટમાં પાકિસ્તાનને લઈને થયેલી વાતચીત વિશે સંકેત અપાયો હતો. તેમાં કહેવાયું હતું કે, વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન જાયદે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પરસ્પર હિતના બધા ક્ષેત્રીય અને આંતરાષ્ટ્રીય મુદ્દા પર ચચર્િ કરી છે અને વિચારોની આપ-લે કરી છે.

 


યુએઈના અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે સીઝફાયરને લઈને થયેલી સંમતિ ગુપ્ત રીતે ચાલી રહેલી વાતચીતમાં મહત્વનો પડાવ હતી. આ વાતચીત યુએઈની મધ્યસ્થતાથી થઈ રહી છે. એક અધિકારીએ કહ્યું કે, બંને પાડોશી દેશો વચ્ચે શાંતિની દિશામાં સીઝફાયર બસ માત્ર એક શરૂઆત છે. આ બંને પાડોશી દેશ પરમાણુ હથિયારોથી સજ્જ છે અને અવાર-નવાર ક્ષેત્રીય વિવાદને લઈને લડતા રહે છે.

 


અધિકારીએ કહ્યું કે, આ શાંતિ પ્રક્રિયામાં આગામી પગલું એ હશે કે બંને દેશ એકબીજાને ત્યાં પોતાના રાજદૂતને પાછા મોકલશે. પાકિસ્તાને વર્ષ 2019માં કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચવાના વિરોધમાં પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા હતા. તે પછી બંને દેશો વચ્ચે કાશ્મીર પર થશે. જોકે, અધિકારીઓએ હજુ ઘણી ઓછી આશા છે કે રાજદૂતોને પાછા બોલાવવા અને વેપાર પર વાતચીત ફરી શરૂ થવા ઉપરાંત બીજી કોઈ સફળતા આગળ મળશે.

 


યુએઈની ભૂમિકા વિશે પાકિસ્તાન કે ભારત બંનેમાંથી કોઈના વિદેશ મંત્રાલયે કોઈ ટિપ્પણી કરી નથી. સંયુક્ત આરબ અમીરાતનો ભારત અને પાકિસ્તાન સાથે ઐતિહાસિક વેપારી અને રાજદ્વારી સંબંધ રહ્યો છે. હાલના દિવસોમાં યુએઈના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન આંતરાષ્ટ્રીય બાબતોમાં આક્રમક બનીને પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓ એશિયામાં વૈશ્વિક રાજદ્વારી અને વૈશ્વિક વેપાર સંબંધ ઊભા કરવામાં લાગેલા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021