વેક્સિન લીધા પછી શરીરનું ચુંબકીય બની જવું વૈજ્ઞાનિક રીતે અશક્ય

  • June 15, 2021 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત દેશમાં હાલ કોરોનાનું વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે જો કે દેશના અમુક ખૂણે કોરોનાની વેક્સિન લેનાર વ્યક્તિના શરીર પર વિવિધ ચીજ વસ્તુઓ ચિપકી જતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. એટલું જ નહીં આવી ઘટનાઓના અનેક વીડિયો અને ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સુરેન્દ્રનગર નગરના મૂળી અને ધ્રાંગધ્રા તાલુકામાં પણ આવા બનાવો સામે આવતાં લોકોમાં અચંબામાં મૂકાયા છે તો અનેક લોકોએ આવી ઘટનાને પગલે રસીથી દૂર રહેવાનું મન બનાવી લીધાનું પણ સામે આવી રહ્યું છે. 

 

'મનની અગાધ શક્તિ જવાબદાર હોય શકે છે' - ડૉ.યોગેશ જોગસણ, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

 

'શરીરમાં ચુંબકીય બનવા પાછળ વેક્સિન જવાબદાર હોય તેવું લગભગ અશક્ય છે જો કે માણસની મનની શક્તિ અગાધ હોય છે. ઘણા માનસશાસ્ત્રીઓનું કહેવું છે કે મન ધારે તે પોતાના શરીરમાં ડેવલોપ કરી શકે છે. અમેરિકન મનોવૈજ્ઞાનિકોનો એક પ્રયોગ જગ જાહેર છે. જેમાં એક કેદીને ફાંસીની સજા કરવામાં આવી હતી. મનોવૈજ્ઞાનિકોએ તે આ કેદી પર પ્રયોગ કરવાની સરકાર પાસે મંજૂરી લીધી. મનોવૈજ્ઞાનિકોએ કેદીને કહ્યું કે તારા ભોજનમાં ઝેર ભેળવી દીધું છે તું હવે મરી જઈશ. કેદીને આટલું કહ્યા પછી મનોવૈજ્ઞાનિકો જતા રહ્યા. સાચે જ તે કેદી તરફડીને મૃત્યુ પામ્યો. તેનું પોસ્ટમોર્ટમ કરતાં મનોવૈજ્ઞાનિકોને તેના શરીરમાં ઝેરની હાજરી હોવાનું માલૂમ પડ્યું. હકીકતમાં તેના ભોજનમાં કોઈ ઝેર મેળવવામાં આવ્યું ન હતું. 

 

આના ઉપરથી એ સાબિત થયું કે મન ધારે તે ઉતપન્ન કરી શકે છે. દિવસોથી શરીરમાં ચુંબકીય બની ગયાની જે વાતો ફરતી થઇ છે તેમાં ક્યાંકને ક્યાંક રૂપાંતરિત વિકૃતિ જવાબદાર હોઈ શકે.  ઘણી વખત લોકો પોતાના આવેગોને દબાવીને રાખતાં હોય છે. તેઓમાં આવા પ્રકારની વસ્તુઓ વધુ જોવા મળતી હોય છે. આમ પણ વ્યક્તિ જેવું વિચારે એ પ્રકારે શરીર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે.' 

 

'મેડિકલ સાયન્સમાં આ શક્ય નથી' : ડૉ.નચિકેત મહેતા, સાઈકીયાટ્રિસ્ટ 

 

'વેક્સિનેશનનો કાર્યક્રમ સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યો છે જો હકીકતમાં વેક્સિનથી શરીરમાં ચુંબકીય તત્વ ઉત્પન્ન થતું હોય તો આવી ઘટના સમગ્ર વિશ્વમાં પણ થવી જોઈએ. પરંતુ આ ઘટના ભારતના અમુક વિસ્તારોમાં જ તમે આવી રહી છે. મેડિકલ સાયન્સમાં આવો કયાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આવું વૈજ્ઞાનિક રીતે શક્ય નથી ઘણી વખત અજ્ઞાનતા પણ આના માટે જવાબદાર હોઈ શકે છે. વેકસીન લીધા પછી સાઇડ ઇફેક્ટ તરીકે તાવ, શરીરમાં દુઃખાવો, હાઇડ્રેશન જેવી સમસ્યા સર્જાતી હોય છે. પરંતુ આવું થવું શક્ય નથી. અગાઉ ચોટી કપાવાની ઘટના તથા મૂર્તિ દૂધ પીતી હોવાની ઘટનાની જેમ આ પણ માસ હિસ્ટેરિયા હોય શકે છે. હાલમાં કોરોનાને લઈને લોકોમાં વિવિધ પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે વેક્સિનેશનમાં પણ આ પ્રકારનો ભય જવાબદાર હોઈ શકે છે.'

 

'આ એક અંધશ્રદ્ધા સિવાય કશું જ નથી' : ડૉ.પંકજ રાઠોડ, ડેપ્યુટી હેલ્થ ઓફિસર

 

'રાજકોટ શહેરમાં આ પ્રકારનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી. આ એક માત્ર હંબગ જ કહી શકાય. વેક્સિન લેવાથી મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય એ લગભગ અશક્ય છે. આ પાછળ સાયકોલોજીકલ કારણો જવાબદાર હોય શકે છે.'


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021