મોરબી, કેશોદ, કંડોરણા, વીરપુર સહિત અનેક શહેરો સ્વૈચ્છિક બંધ

  • April 10, 2021 10:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શનિ, રવિ સંપૂર્ણ લોકડાઉન: મોરબીમાં ચાલુ દિવસોએ પણ બપોર બાદ બંધ: કેશોદમાં માઈક દ્વારા લોકોને જાણ કરાઈ

 


સૌરાષ્ટ્રમાં સંક્રમણ વધી જતા કોરોનાએ વિકરાળ સ્વપ ધારણ કર્યું છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થવા પામી છે તો ઓક્સિજનનો પુરવઠો પણ ગણતરીની મિનિટોમાં વપરાઈ જતો હોય દર્દીઐની હાલત કફોહી બની છે. ગુજરાત સરકારે શહેરમાં હાલ નાઈટ કરફ્યુ અમલી બનાવી સંતોષ માન્યો છે પરંતુ પરિસ્થિતિ કથળતા હવે મોરબી, કોડીનાર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગોંડલ, વીરપુર, કેશોદ, જામકંડોણામાં વેપારીઓ મંડળો ઉદ્યોગો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ વધી જતાં કોડીનાર ચેમ્બર્સ ઓફ કોમર્સ અને શહેરના તમામ આગેવાનોએ બજારો સાંજે 6 વાગ્યાથી બંધ રાખવાનો સ્વચ્છિક નિર્ણય લીધો હતો. જયારે આવશ્યક સેવાઓ જેવી કે મેડિકલ, દૂધ, હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીના વ્યવસાયો રાત્રે 10 વાગ્યા સુધીમાં બંધ કરવા નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત દરેક વેપારીઓએ તેમની દુકાનમાં ફરજિયાત માસ્ક પહેરવા, સેનેટાઈઝર રાખવું તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનો નિર્ણય લેવાયો હતો.
ગોંડલમાં પણ કોરોનાના કેસમાં સતત થઈ રહેલા વધારાને પગલે 7 દિવસ આંશિક લોકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં દુકાનો સવારે 7થી સાંજે 7 સુધી જ ખુલ્લી રહેશે. વેપારી એસોસિએશન અને સહકારી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 


સુરેન્દ્રનગરમાં એસટી બસોની 150 ટ્રીપ બંધ
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી, ચોટીલા તેમજ ધ્રાંગધ્રા ડેપોમાંથી 160થી વધુ એસટી બસો મુસાફરો માટે કાર્યરત છે. હાલની પરિસ્થિતિને પગલે સુરેન્દ્રનગર એસટી ડેપોમાંથી અમદાવાદ તરફની બપોર પછીની એસટી બસો તથા સિહોર (રાજસ્થાન) તરફ જતી બસ બંધ કરી દેવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારની બસો સદંતર બંધ કરી દેવામાં આવી છે. રાજકોટ વિભાગીય નિયામક વાય.કે.પટેલના જણાવ્યા પ્રમાણે 150 જેટલી એસટી બસોની ટ્રીપ બંધ કરવામાં આવી છે.


30 એપ્રિલ સુધી તુલસીશ્યામ મંદિર બંધ
તુલસી શ્યામ મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોનાની મહામારીને ધ્વાને લઈને 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે.

 


જામકંડોરણામાં રાત્રીના 8થી 6 સ્વૈચ્છિક લોકડાઉનનો વેપારીઓનો નિર્ણય
જામકંડોરણામાં વધતા જતા કોરોના સંક્રમણને કારણે જામકંડોરણા શહેરના  વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરેલ છે. આ અંગે મામલતદાર કચેરીએ શહેરના વેપારીઓની એક મિટિંગ મળી હતી જેમાં શહેરના વેપારી મંડળના હોદેદારો તેમજ વેપારીઓએ હાજર રહી આજે તા.10થી આવતી 18 તારીખ સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ધંધા-રોજગાર બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

 


જેતપુરના યાત્રાધામ વીરપુર વેપારી મંડળ દ્વારા ત્રણ દિવસ બંધ
જેતપુર તાલુકામાં આવેલા યાત્રાધામ વીરપુરમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય અને કોરોના સંક્રમણ અંકુશમાં લાવવા માટે શનિ, રવિ, સોમ ત્રણ દિવસ બપોરે 2 વાગ્યાથી તમામ રોજગાર ધંધાની દુકાનો બંધ રહેશે. યાત્રાધામમાં વેપારી મહામંડળનો શનિ, રવિ, સોમ ત્રણ દિવસ બપોરના 2 વાગ્યા પછી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS