Happy mother's day 2021 : "મારું બાળક સ્કૂલની પરીક્ષામાં પાછળ રહે તો ચાલશે, પરંતુ જીવનની પરીક્ષામાં તો અવ્વલ જ જોઈએ" : આવા સંકલ્પ સાથે ઈશ્વરે આપેલા પથ્થરને પારસમણિ બનાવતી રાજકોટના “મંત્ર”ની માતા : બીજલ હરખાણી

  • May 09, 2021 10:58 PM 

એક સ્ત્રી જન્મની સાથે જ માતા હોય છે. એ લાગણી, સ્નેહ અને હુંફનું ઝરણું ધીમે ધીમે વહેવાનું શરૂ કરે છે અને એક સમયે ધોધ બનીને રહે છે. એક સ્ત્રી જ્યારે બાલ્યાવસ્થામાં હોય છે ને ત્યારથી એ પોતાની ઢીંગલીને પણ સુંદર રીતે સાચવતી હોય છે, તેના ઉપર હેત વરસાવતી હોય છે. ઢીંગલીના બદલે પોતાના અંશને પોતાનામાં જ જ્યારે સ્ત્રી મહેસૂસ કરે છે એટલે કે માતૃત્વ ધારણ કરતાં જ સ્ત્રી પોતાના બાળક માટે કેટકેટલાં સપનાં સજાવવા લાગે છે. સ્ત્રી જયારે માતા બને છે ત્યારે તે પોતાના તમામ સપના છોડીને માત્ર પોતાના બાળક માટેના જ સપના સેવે છે. એક અલ્લડતા છૂટી જાય છે અને તે માતા બની જાય છે. તેના બાળકોને દુનિયામાં સર્વશ્રેષ્ઠ બનાવનારી માતાઓ ઇતિહાસમાં અમર થઇ છે. તો આવી અનેક સ્ત્રીઓ આજે પણ આપણી સાથે આપણી આજુબાજુ રહીને નવો ઇતિહાસ રચી રહી છે.

 

 

પોતાના બાળક માટે ઝેરનો કડવો ઘુંટડો પી શકતી, સમાજ અને દુનિયા સામે લડી શકતી, અરે પોતાનું અસ્તિત્વ ભૂલી શકતી માતાઓને ઇતિહાસના પાનામાં શોધવાની જરૂર નથી. રાજકોટમાં રહેતા બીજલ હરખાણી પણ એવો જ ઈતિહાસ વર્તમાનમાં રચી રહ્યાં છે. ત્યારે બીજલની ઉંમર 23 વર્ષની હતી. જ્યારે પહેલી વાર તેના ખોળામાં તેના બાળકે પહેલી કિલકારી કરી અને ત્યારે બીજલની ખુશીઓનો પાર નહોતો. પરંતુ આ ખુશીઓ વધુ ટકી નહીં. પોતાના બાળક માટે અનેક સપના સેવતા બીજલ હરખાણીના માથે જાણે આભ જ તુટી પડ્યું હતું, જ્યારે તેને ખબર પડી કે તેનું બાળક ડાઉન સિડ્રોમથી પીડાય છે. પોતાના બાળકની આ પીડા બીજલે તેના ઉપર લઈ લીધી અને સમાજને એક એવી માતા મળી જે આજે 100થી વધુ સ્પેશિયલ કિડ્સની સુપર મોમ બની ગઈ છે.

 

 

મંત્રની માતા બીજલ હરખાણીએ આજકાલ સાથે કરેલી સ્પેશિયલ વાતચીત દરમિયાન તેની સંઘર્ષગાથા જણાવી હતી. માતા બીજલના તે દરેક શબ્દો અહીં આલેખાયા છે. બીજલે આજકાલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘મારો મંત્ર જન્મની સાથે જ ડાઉન સિંડ્રોમથી પીડાતો હતો. તે સમયે હું જાણતી હતી કે, તેનો બુદ્ધિઆંક જીવનપર્યંત 50 ટકા જ રહેશે. શારીરિક તથા માનસિક વિકાસ અન્ય બાળકોની સરખામણીએ ઘણો ઓછો રહેશે. હવે આજીવન મારે મંત્રની તાકાત બનવાનું છે એવું હું મારી જાતને જ આશ્વાસન આપતી હતી. ઘણીવખત મારા લાડલાને મલકાતો જોઈને કુદરતને પૂછતી કે, હું જ શા માટે? મારા બાળકને જ આવી તકલીફ કેમ? ઈશ્વર પાસે તો કોઈ જવાબ મળતો નહીં, પરંતુ મારા બાળકની પીડા અને નિર્દોષતા મને મજબુત બનાવતા ગયા. મનમાં સંકલ્પ કર્યો અને ઈશ્વરને પણ કહ્યું હતું કે, તને તારા નિર્ણય ઉપર અફસોસ થશે. હું મારા બાળકનો ઉછેરે રીતે કરીશ કે તે સ્વમાનભેર તેનું જીવન જીવી શકશે. હું મારા બાળકને પારસમણિ બનાવીશ અને આજે વાસ્તવમાં આવું થયું પણ છે. મારું સ્પેશિયલ બાળક આજે એટલું સ્પેશિયલ બની ગયું છે કે તે મને સ્પેશિયલ ફીલ કરાવે છે. મંત્રની માતા તરીકે જ્યારે લોકો મને ઓળખે છે, મળવા આવે છે ત્યારે મને મારા મંત્ર ઉપર ગર્વ થાય છે.’

 

 

બીજલ હરખાણી એ વધુ વાત કરતાં કહ્યું હતું કે, “ચોક્કસપણે આ સફર અત્યંત મુશ્કેલ રહી છે. સમાજ તરફથી અનેકવાર કડવા અનુભવો સહન કરવા પડ્યા છે. મેં મારી નોકરી, મિત્રો, શોખ અને સપનાઓ બધું છોડ્યું અને માત્ર અને માત્ર મારા બાળકને અપનાવ્યું. જ્યારે તમે દિવ્યાંગ કે મનોદિવ્યાંગ બાળકના માતા-પિતા હોય ત્યારે તમારી જવાબદારી અનેકગણી વધી જાય છે. મંત્રને સફળ બનાવવા માટે, મંત્રને પોતાના પગભર બનાવવા માટે મેં નાનપણથી જ એક એક મિનિટ નિશ્ચિત કરી દીધી હતી. હું મારા પિયર પણ રોકાવા જતી નહીં. કારણકે જો હું મારા પિયર રોકાવા જાઉ તો મારા બાળકનું શેડ્યુલ ખરાબ થાય અને મારા બાળપણના ભોગે તો કોઈ ચીજ મને મંજુર નહોતી. પરિવારના સાથથી આજે મંત્ર નોર્મલ સ્કૂલમાં સામાન્ય બાળકો સાથે ભણ્યો છે. હિન્દી, ઇંગલિશ અને ગુજરાતી ભાષા લખી-વાંચી અને સમજી શકે છે. સ્વિમિંગમાં બે વખત ગોલ્ડ મેડલ મેળવીને દેશનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે. પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર એવોર્ડ મંત્રએ જીત્યો છે. મંત્ર સ્વિમિંગ, યોગા, ડાન્સ બધું જ કરી શકે છે. મોટાઓને માન આપવું નાનાઓને પ્રેમ એ વાત બરાબર સમજે છે. તે તેના દરેક વાત અને કામમાં પરફેક્ટ છે. અને તેનું કારણ છે મેં નાનપણથી તેની કરેલી કેળવણી. નિયમિતતા મારા મંત્રનો જીવનમંત્ર છે. આથી જ તે અઢાર વર્ષની ઉંમરે આજ એક અમૂલ પાર્લર ચલાવી રહ્યો છે. જ્યાં તેને વસ્તુની લેવડ દેવડ અને હિસાબ બધું જ સારી રીતે સંભાળી રહ્યો છે. આજે મારો મંત્ર મનોદિવ્યાંગ હોવા છતાં પણ આત્મનિર્ભર છે. તે સમાજ ઉપર બોજ નથી. પરંતુ હા એક સમય હતો જ્યારે મંત્રને લોકો પસંદ નહોતા કરતા. આપણા સમાજમાં દિવ્યાંગ બાળકો માટે દયા ભાવ છે પણ સહાનુભૂતિ નથી અને જ્યાં સુધી સહાનુભૂતિ નહીં થાય, ત્યાં સુધી સ્પેશિયલ બાળકોને આત્મનિર્ભર બનાવી શકાશે નહીં. સરકાર અને સમાજ બંને સાથે મળીને સ્પેશિયલ બાળકો પર કામ કરશે ત્યારે દરેક બાળકને આત્મનિર્ભર બનાવી શકશે.

 

 

મેં એમએસસી માઇક્રોબાયોલોજીની ડીગ્રી મેળવી હતી અને વિદેશમાં સ્થાયી થવાની હતી. પરંતુ મંત્રના જન્મ બાદ તેનું જીવન ઘડતર કરવા માટે સ્પેશીયલ બીએડ (એમ.આર) કર્યું. મંત્રને અમે આત્મનિર્ભર બનાવ્યો પરંતુ તેના જેવા અનેક બાળકો છે જેનું યોગ્ય ઘડતર જરૂરી છે અને આથી જ જીનીયસ સ્કુલમાં દિવ્યાંગ બાળકો માટે વૈજ્ઞાનિક ઢબે એક કાર્યલક્ષી અભ્યાસક્રમની શરૂઆત કરી. જ્યાં એક જ સ્થળે દિવ્યાંગ બાળકને તેની જરૂરિયાત અનુસાર લખતા, વાંચતા અને સમજતા, સ્વિમિંગ, ડાન્સિંગ, યોગા સહિતનું જ્ઞાન આપી અને તેનો વિકાસ કરવાની કોશિશ કરીએ છીએ. હું દરેક માતા-પિતાને એટલું જ કહીશ કે તમારું બાળક દિવ્યાંગ હોય તો તેને સમજીને તેની જરૂરિયાત અનુસાર તેનું ઘડતર કરો. ચોક્કસ પણે તે તમારો ગર્વ બનશે. આજે મેં દિવ્યાંગ બાળકો માટે મંત્ર નામથી મંત્ર ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી છે. જ્યાં શિક્ષણમાં મુશ્કેલી અનુભવતા બાળકોને અને દિવ્યાંગ બાળકોના ઘડતરમાં તેના માતાપિતાને માર્ગદર્શન અને તાલીમ આપું છું. મને એ વાતની પણ અનહદ ખૂશી છે કે, આજે હું માત્ર મારા મંત્રની માતા નથી રહી પરંતુ સો જેટલા મારા એ બાળકોની પણ માતા બની ચૂકી છે. મારી પાસે તાલીમ લઇ રહ્યા છે અને હું હંમેશા એટલું જ કહું છું કે ઈશ્વરે મને જે આપ્યું છે તેનું સવાયું કરીને ઈશ્વરને પાછું આપીશ.”

 

 

ખરેખર જો એક માતા ધારે તો શું કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે બીજલ હરખાણી. મંત્રની માતા આજે ‘સુપર મોમ’ બનીને સમાજના અનેક બાળકોની પ્રેરણા અને તાકાત બની રહ્યા છે. સ્પેશિયલ બાળકો સમાજનો જ હિસ્સો છે. તેને તોડવાથી કે  તિરસ્કાર કરવા કરતા તેનો યોગ્ય ઉછેર જરૂરી છે, અને એ આપણી ફરજ પણ છે. આજે મધર્સ ડેના દિવસે  https://www.aajkaaldaily.com/ બિજલ હરખાણી અને તેના જેવી તમામ માતાઓને #happymothersday મમતાદિવસની શુભેચ્છા સાથે સો સો સલામ કરે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS