કોરોના સામે નવો જંગ: હવે વેક્સિનેશન માટે કેમ્પ

  • March 27, 2021 02:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષસ્થાને સાંજે શહેરની તમામ એનજીઓ, જ્ઞાતિ સમાજની સંસ્થાઓ અને સેવાભાવી ટ્રસ્ટો સાથે મનપામાં બેઠક: કોરોના સામેની રસી આપવા હવે મંડળો-સંસ્થાઓને સાથે રાખી કેમ્પ


રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે આજે બપોરે કોરોના સામેના જંગમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વેક્સિનેશનથી જ કોરોનાને હરાવી શકાય તેમ હોય હવે વેક્સિનેશન વધારવા માટે શહેરની તમામ એનજીઓ, જ્ઞાતિ સમાજની સંસ્થાઓ અને સેવાભાવી ટ્રસ્ટોની મદદ લેવામાં આવશે. મંડળો અને સંસ્થાઓને સાથે રાખીને કેમ્પ યોજવામાં આવશે. આ માટેનું આયોજન ઘડવા માટે આજે સાંજે 4.30 કલાકે મહાપાલિકા કચેરીમાં એનજીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવનાર છે.

 


મેયર ડો. પ્રદીપ ડવે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ જે રીતે મા અમૃતમ કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ માટે કેમ્પ યોજવામાં આવ્યા હતા તે રીતે કોરોના સામેની રસી આપવા માટે પણ કેમ્પ યોજવામાં આવશે. તમામ એનજીઓ પાસેથી તેમજ વિવિધ જ્ઞાતિ સમાજની સંસ્થાઓ પાસેથી તેમનું આગોત પ્લાનીંગ માગી લેવામાં આવશે ત્યારબાદ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના મેડિકલ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા જે સ્થળ કે સંકુલ નિયત કરાયું હોય ત્યાં આગળ જઈને સ્થળ ચકાસણી કરાશે તેમજ કેટલા લોકોને વેક્સિન આપવાની છે ? તે મુજબની વિગતો મેળવી વ્યવસ્થા નિમર્ણિ કરાશે.

 

તેમણે ઉમેર્યું હતું કે, ગઈકાલે પટેલ સમાજ દ્વારા અને આવતીકાલે મોઢ વણિક જ્ઞાતિ દ્વારા વેક્સિનેશન માટે કેમ્પ યોજવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ અન્ય જ્ઞાતિ સમાજો પણ આ રીતે આગળ આવે તો વેક્સિનેશન વધુ ઝડપી થઈ શકશે. વેક્સિનેશન અંગે પ્રવર્તતી ગેરસમજો દુર કરીને લોકોને સાચી સમજણ આપવા પણ એનજીઓ આગળ આવે તે માટે અપીલ કરાશે.

 

સુપર સ્પ્રેડર્સને શોધવા માટે મંગળવારથી સર્ચ સર્વેલન્સ હાથ ધરવા મેયરનો આદેશ
રાજકોટ શહેરમાં દિવસ-દિવસે કોરોનાના કેસ વધી રહ્યા હોય હવે સુપર સ્પ્રેડર્સને શોધવા માટે મેયર ડો. પ્રદીપ ડવે આદેશ કર્યો છે. આ માટે આરોગ્ય શાખાની ટુકડીઓ મંગળવારથી સમગ્ર શહેરમાં સર્વેલન્સ હાથ ધરશે. ખાસ કરીને શાકભાજીના ફેરીયાઓ, રવિવારી અને મંગળવારી બજાર, હોકર્સ ઝોનમાં ઉભા રહેતા લારી-ગલ્લા ધારકો વિગેરેના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. મેયરે જણાવ્યું હતું કે, પુરતી માત્રામાં ટેસ્ટીંગ કિટ ઉપલબ્ધ હોય કોઈ ચિંતા નથી.

 


શહેરને આજે વેક્સિનના વધુ 14 હજાર ડોઝ  મળ્યા, પુરતો જથ્થો ઉપલબ્ધ: સ્ટે. ચેરમેન
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ ક્મીટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, અગાઉ 1.20 લાખ ડોઝ મળ્યા બાદ આજે રાજકોટ શહેર માટે વેક્સિનના વધુ 14 હજાર ડોઝ મળ્યા છે. આજે કુલ 2.11 લાખ ડોઝ આવ્યા હતા જેમાંથી સૌરાષ્ટ્રના અન્ય શહેરો માટેના ડોઝ પણ છે પરંતુ તે પૈકી રાજકોટ શહેરને 14 હજાર ડોઝની ફાળવણી કરવામાં આવી છે.

 

રાજકોટ ભાજપ્ના ત્રણ નેતાઓના પરિવારજનો કોરોનાથી સંક્રમિત થયા
પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજના પત્ની, પુત્ર અને ભત્રીજી, પૂર્વ શાસક નેતા રાજુભાઈ બોરીચાના પત્ની, પુત્ર અને ભાભી તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન બિપીન અઢીયાના ભાઈને કોરોના

 


રાજકોટ શહેર ભાજપના ત્રણ નેતાઓના પરિવારજનો કોરોના સંક્રમિત થતાં ભાજપ્ના વર્તુળોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ માર્ચ મહિનાથી કોરોનાનો ત્રીજો રાઉન્ડ શ થયો છે. જેમાં છેલ્લા એક સપ્તાહથી દરરોજ એકસોથી વધુ કેસ મળી રહ્યા છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ, શાસક પક્ષના પુર્વ નેતા રાજુભાઈ બોરીચા અને સ્ટેન્ડીંગ કમીટીના પુર્વ ચેરમેન બીપીન અઢીયાના પરિવારજનો કોરોના સંક્રમિત થયા હોવાનું મહાપાલિકાના વર્તુળોમાંથી જાણવા મળે છે.

 


વધુમાં મહાપાલિકાના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજના પરિવારમાં તેમના પત્ની વંદનાબેન, પુત્ર નિયંત અને ભત્રીજી અર્પિતાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જયારે નીતીનભાઈ અને તેમના નાના પુત્રનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. પરિવારમાં ત્રણ સભ્ય સંક્રમીત થતાં હાલ નીતીનભાઈ અને  તેમનો નાનો પુત્ર અન્યત્ર રહેવા ચાલ્યા ગયા છે. ભારદ્વાજ પરિવારના ત્રણેય સભ્યો તેમના નિવાસસ્થાને જ હોમ આઈસોલેટ થયા છે. નીતીનભાઈ ભારદ્વાજે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તમામની તબીયત સુધારા પર છે.

 


મહાપાલિકાના સુત્રોએ ઉમેર્યું હતું કે, આ ઉપરાંત મવડી વિસ્તારના ભાજપ્ના પુર્વ કોર્પોરેટર અને શાસક પક્ષના પુર્વ નેતા રાજુભાઈ બોરીચાના પરિવારમાં પણ કોરોનાના ત્રણ પોઝીટીવ કેસ મળ્યા છે. જેમાં તેમના પુત્ર વૈભવભાઈ બોરીચા, પત્ની મંજુલાબેન બોરીચા અને તેમના ભાભી મંછાબેન બોરીચાનો સમાવેશ થાય છે. આ ત્રણેયને હાલ મવડીના આનંદ બંગલા ચોકમાં આવેલી ડો. પ્રતિક બુધ્ધદેવની રઘુવીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીના પુર્વ ચેરમેન બીપીનભાઈ અઢીયાના વડિલબંધુ જીતેન્દ્રભાઈ અઢીયાને પણ કોરોના પોઝીટીવ હોવાનો રીપોર્ટ આવતા આજરોજ તેમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS