અંબાણી ધમકી કેસની તપાસ સંભાળી લેતી એન.આઈ.એ.

  • March 09, 2021 12:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એન્ટિલિયા નજીક મળેલી વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો પ્રકરણે એનઆઈએએ ગુનો નોંધ્યો: મનસુખના મોતની તપાસ મુંબઈ પોલીસ હસ્તક

 દક્ષિણ મુંબઈના કારમાઈકલ રોડ પર આવેલા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના નિવાસસ્થાન નજીકથી વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો મળી આવ્યાના કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ હાથ ધરી હતી. આ મામલે એનઆઈએએ ગુનો નોંધ્યો હતો. અધિકારીના જણાવ્યા મુજબ ગૃહ વિભાગના આદેશ બાદ એનઆઈએએ તપાસ પોતાના હસ્તક લીધી હતી અને ફરી ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

 

 


ઉલ્લેખનીય છે કે એન્ટિલિયા નજીકથી 25 ફેબ્રુઆરીએ નધણિયાતી સ્કોર્પિયો મળી આવી હતી, જેમાંથી 20 જિલેટિન સ્ટિક્સ અને ધમકીભરી ચિઠ્ઠી મળી હતી. આ કેસની તપાસ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની સાથે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ને સોંપાઈ હતી. દરમિયાન સ્કોર્પિયો કાર જેના તાબામાં હતી તે થાણેના વેપારી મનસુખ હિરેનનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મુંબ્રાની ખાડીમાંથી મળી આવતાં આ કેસમાં નવો વળાંક આવ્યો હતો. હિરેનની હત્યા કરવામાં આવી હોવાની શંકા પરિવારજનોએ વ્યક્ત કરતાં મામલો ગરમાયો હતો. પરિણામે આ કેસની તપાસ એટીએસને સોંપાઈ હતી.

 


એટીએસે પણ ચોખવટ કરી હતી કે હસમુખ હિરેન મૃત્યુ કેસની તપાસ એટીએસ દ્વારા જ કરવામાં આવી રહી છે. માત્ર જિલેટિન સ્ટિક્સ સાથેની કારના કેસની તપાસ એનઆઈએએ પોતાના હસ્તક લીધી હતી.

 


મૃત્યુ પૂર્વે વેપારી મનસુખે પોલીસને આપેલા નિવેદન મુજબ 17 ફેબ્રુઆરીએ તે થાણેથી દક્ષિણ મુંબઈના ક્રાફર્ડ માર્કેટ આવી રહ્યો હતો ત્યારે ઐરોલી-મુલુંડ બ્રિજ નજીક તેની કારનું સ્ટિયરિંગ જામ થઈ ગયું હતું, જેને પગલે તેણે કાર સર્વિસ રોડને કિનારે પાર્ક કરી દીધી હતી. જોકે બીજે દિવસે તે કાર ગુમ હોવાનું જણાયું હતું. કારચોરીની ફરિયાદ તેણે વિક્રોલી પોલીસ સ્ટેશનમાં પણ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS