હનીટ્રેપમાં પકડાયેલા બન્ને આરોપીઓના બે દિવસના રિમાન્ડ પર: બેની શોધખોળ

  • March 13, 2021 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિક્યુરિટી એજન્સી સંચાલકને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા અઢી લાખની માંગણી કરવાના પ્રકરણમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે. પકડાયેલા બંને આરોપીઓને આજે કોર્ટ સમક્ષ રજૂ કરતા બંનેના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. પકડાયેલા આ બન્ને આરોપીઓએ અગાઉ હનીટ્રેપ સહિતના એકથી વધુ ગુનામાં સંડોવાયેલા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું.

હનીટ્રેપના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,મુળ બિહારના અને હાલ માધાપર પાસે વિનાયક વાટીકા સામે અવધ રેસિડેન્સી એ-વિંગ બ્લોક નં. જી-૨માં રહેતાં ગ્રુપ થ્રી નામથી સિકયુરીટી એજન્સી ચલાવતાં રમણજી ચંદ્રેશ્વરપ્રસાદ યાદવ (ઉ.વ.૩૧)એ આ મામલે ગઈકાલ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યું હતું કે, એક યુવતિએ ફોન કરી ’હું મનિષા બોલુછું, ફ્રેન્ડશીપ કરવી છે?’ કહી મળવા બોલાવ્યા બાદ મોરબી બાયપાસ તરફ લઇ જઇ બીજા સાગ્રીતો સાથે મળી તેને ધમકાવી પોલીસમાં પકડાવી દેવાની ધમકી દઇ અઢી લાખની ખંડણી માંગી હતી. આ ગુનામાં પોલીસે બે આરોપીઓ અનિલ હમીરભાઇ સારેસા (ઉ.વ.૨૭-રહે. મોરબી રોડ, ઓમ પાર્ક શેરી નં. ૩) તથા જીજ્ઞેશ ઉર્ફ દિલીપ ઉર્ફ દિલો હમીરભાઇ સારેસા (ઉ.વ.૩૫-રહે. ભગવતીપરા ૨૫ વારીયા કવાર્ટર ઝમઝમ બેકરી સામે, શિવમ્ પાર્ક-૧ પાસે)ને પકડી લીધા છે. આ બંનેની પુછતાછમાં મુખ્ય સુત્રધાર અશ્વિન નામનો શખ્સ હોવાનું અને યુવતિ પણ તેની પરિચિત હોવાનું ખુલતાં આ બંને આરોપીની શોધખોળ થઇ રહી છે.

પોલીસની તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે અનિલ વિરૂધ્ધ અગાઉ કુવાડવા પોલીસમાં અને બી-ડિવીઝનમાં મારામારીના બે ગુના નોંધાઇ ચુકયા છે. જ્યારે જીજ્ઞેશ ઉર્ફ દિલીપ ઉર્ફ દિલો વિરૂધ્ધ હનીટ્રેપ,ચોરી, બળજબરી, મારામારી, દારૂના ૧૦ ગુના નોંધાઇ ચુકયા છે.

હનીટ્રેપના આ બનાવમાં ફરાર અશ્વિન અને અજાણી યુવતીને ઝડપી લેવા તેમજ આ ટોળકીએ અન્ય કોઈને શિકાર બનાવ્યા છે કે કેમ? સહિતની બાબતો અંગે તપાસ કરવા માટે પકડાયેલા બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે બંનેના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
હનીટ્રેપના આ બનાવની ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઈ કે.એ.વાળાની રાહબરીમાં પી.એસ.આઇ જે. જી.રાણા તથા ટીમ તપાસ ચલાવી રહી છે. પોલીસ દ્વારા એવી અપીલ પણ કરવામાં આવી છે કે, આ ટોળકીના કૃત્યનો ભોગ બનનાર વ્યક્તિઓએ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન આવે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS