રાજકોટમાં દોઢ ઈંચ: ૩૫ વૃક્ષો ધરાશાયી: ૨૫૦૭નું સ્થળાંતર

  • May 18, 2021 03:58 PM 

પચ્છિમ રાજકોટમાં સૌથી વધુ દોઢ ઈંચ, સેન્ટ્રલ રાજકોટમાં ૩૭ મીમી અને પૂર્વ રાજકોટમાં ૩૨ મીમી વરસાદ નોંધાયો: શહેરને પાણી પું પાડતા જળાશયોની સપાટી યથાવત: સ્થળાંતરિત કરાયેલા નાગરિકોને હજુ ૨૪ કલાક શાળાઓમાં જ રખાશે, રાહત રસોડા શરૂ કરાયા

 


રાજકોટ શહેરમાં તાઉતે વાવાઝોડાની અસરે તાંડવ મચાવી દીધું હતું. તોફાની પવન ફંકાવા સાથે મધરાતથી વરસાદ શરૂ થયો હતો જે આજે બપોર સુધી ચાલુ રહ્યો છે. દરમિયાન રાત્રીથી આજે બપોર સુધીમાં શહેરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે અને ૩૫ વૃક્ષો ધરાશાયી થયા છે. ગઈકાલે આજી નદી કાંઠાના વિસ્તારોમાંથી ૧૦૮૦ નાગરિકોનું સ્થળાંતર કરાયું હતું ત્યારબાદ ગત મોડીસાંજથી રાત્રી સુધીમાં વધુ ૧૪૨૭ નાગરિકોનું વિવિધ ઝૂપડપટ્ટીઓ, મફતીયાપરાઓ તેમજ આવાસ યોજનાઓના કવાર્ટર્સ તેમજ જર્જરિત ઈમારતોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ મુજબ સમગ્ર શહેરમાં કુલ ૨૫૦૭ નાગરિકોનું મહાપાલિકાની શાળાઓ અને જ્ઞાતિ–સમાજની વાડીઓમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને તેમના ભોજન માટે રાહત રસોડા શરૂ કરાયા હતા. રાજકોટ હવામાન ખાતાની કચેરીના જણાવ્યા મુજબ આજે બપોર સુધીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. ફાયર બ્રિગેડ મુજબ વેસ્ટઝોન અને સેન્ટ્રલ ઝોનમાં દોઢ ઈંચ અને ઈસ્ટઝોનમાં સવા ઈંચ પાણી વરસ્યું છે.

 


મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટે.કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, રાતભર મહાપાલિકા તત્રં હાઈએલર્ટ પર રહ્યું હતું અને પરિસ્થિતિ પર નજર રાખી હતી. મહાપાલિકાના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓએ કનક રોડ ફાયર સ્ટેશન ખાતે કેમ્પ કર્યેા હતો અને ફરિયાદ આવતાની સાથે તુરતં જ  નિકાલ કરાવવામાં આવ્યો હતો. સમગ્ર શહેરમાં જાનમાલને નુકસાની પહોંચ્યાનો એક પણ કિસ્સો આજે બપોર સુધીમાં સામે આવ્યો નથી. ભારે પવનના કારણે કુલ ૩૫ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે. જોખમી હોડિગ્સ, કિયોસ્ક તેમજ અન્ય બોર્ડ અને બેનર્સ સમયસર ઉતરાવી લેવામાં આવ્યા હોય હોડિગ બોર્ડ તૂટી પડવાની કોઈ ઘટના સામે આવી નથી. છેલ્લે એલઆઈસી, રેલવે અને એસટી નિગમના સંકૂલોના હોડિગ બોર્ડ પણ મોડીરાત્રે દૂર કરાવાયા હતા. વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે તેમજ ફલોટિંગ પમ્પ ડેમના પાણીમાં ડૂબી જવાના કારણે આજે સવારથી અમુક વિસ્તારોમાં પાણી વિતરણ ૨થી ૪ કલાક વહેલા મોડું ચાલી રહ્યું છે. મુખ્યત્વે મવડી, ચંદ્રેશનગર અને મધ્ય રાજકોટના વિસ્તારોમાં વિતરણ વહેલા–મોડું થયું છે પરંતુ એક પણ વિસ્તારમાં પાણી ન મળ્યું હોય તેવું બન્યું નથી.

 


વિશેષમાં મહાપાલિકાના પાર્ક ડાયરેકટર ડો.કે.ડી. હાપલિયાએ જણાવ્યું હતું કે, ગતરાત્રીથી આજે વહેલી સવાર સુધીમાં અમિન માર્ગ, રેસકોર્સ રિંગરોડ, ગાંધીગ્રામની વિતરાગ સોસાયટી, રૈયા ટેલિફોન એકસચેન્જ પાસેનું ગુણાતીતનગર તેમજ ગોંડલ રોડ, મવડી, ઢેબર રોડ, રૈયારોડ, ૧૫૦ ફટ રિંગરોડ, જામનગર રોડ, ઉપલાકાંઠા વિસ્તાર, ટાગોર રોડ, ૮૦ ફટ રોડ, મોરબી રોડ, ભગવતીપરા, અટિકા પાર્ક, બાલમુકુંદ સોસાયટી, એચસીજી હોસ્પિટલ, રોયલ પાર્ક, જગન્નાથ પાર્ક, શ્રી કોલોની, કોટેચાનગર શેરી નં.૬, નહેરૂનગર, આજી ડેમ, સંતકબીર રોડ, કુવાડવા રોડ, અંકુરનગર સહિતના વિસ્તારોમાં કુલ ૩૫ વૃક્ષો ધરાશાયી થયા હતા. તે રસ્તા પરથી દૂર કરાવવા માટે ગાર્ડન શાખા અને ફાયરબ્રિગેડ શાખાની ત્રણ ટૂકડીઓ કામે લાગી છે.

 


ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી પણ વહેલી રાત્રીથી સવાર સુધી કનક રોડ ફાયર સ્ટેશનના કન્ટ્રોલરૂમ પર બેસી રહ્યા હતા અને ફરિયાદોનું સતત ફોલોઅપ લીધું હતું. દરમિયાન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, વાવાઝોડું ચાલ્યું જતા આફત ટળી ગઈ છે તેમ છતા સલામતીના ભાગરૂપે જે ૨૫૦૭ નાગરિકોને સ્થળાંતરિત કરાયા છે તેમને હજુ યાં આગળ સ્થળાંતરિત કરાયા છે ત્યાં જ ૨૪ કલાક સુધી રાખવામાં આવશે અને તેમના માટે રાહત રસોડા શરૂ કરી ભોજનની પુરી વ્યવસ્થા કરવામાં આવી છે.

 


રાજકોટના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપચં મોરચાના પ્રમુખ ઉદય કાનગડ અને તેમના મિત્રોએ સ્વખર્ચે સ્થળાંતરિત કરાયેલા નાગરિકો માટે રાહત રસોડા શરૂ કરાવી રાત્રે તેમને જમાડયા હતા. હજુ આજે બપોરે અને રાત્રે પણ રાહત રસોડા ચાલુ રહેશે. આ ઉપરાંત બોલબાલા ટ્રસ્ટ દ્રારા પણ રાહત રસોડા શરૂ કરાવી સ્થળાંતરિત નાગરિકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS