ઓનલાઈન અભ્યાસ,3 ભાંડુ વચ્ચે એક મોબાઇલ બન્યો કિશોરીના મોતનું કારણ

  • March 17, 2021 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણ ભાઈ બહેન વચ્ચે એક મોબાઇલમાં ઓનલાઈન અભ્યાસ મુશ્કેલ બનતા કિશોરીનો ઝેર પી આપઘાત કરી લીધો: માલધારી સોસાયટીનો બનાવ:પાન-બીડીનો ગલ્લો ચલાવનાર પિતાની આર્થિક હાલત સારી ન હોઈ સંતાનોને બીજો મોબાઇલ આપવા સક્ષમ ન હતા

 


કોરોનાકાળ વચ્ચે ઓનલાઇન અભ્યાસને લીધે અને છાત્રો તેમજ તેમના પરિવારો નાની-મોટી અનેક સમસ્યાઓથી પરેશાન થઈ રહ્યા છે. કેટલાક છાત્રોએ ઓનલાઇન અભ્યાસની ચિંતામાં આપઘાત જેવા આઘાતજનક પગલાં પણ ભરી લીધા છે. ત્યારે ઓનલાઇન અભ્યાસને લીધે વધુ એક છાત્રાએ જીવનનો અકાળે અંત આવી ગયો છે.
રાજકોટના માલધારી સોસાયટી વિસ્તારમાં એક કરુણ બનાવ બનવા પામ્યો છે.અહીં રહેતા કોળી પરિવારની 16 વર્ષની સગીર દીકરીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.આપઘાત પાછળનું કારણ ચોંકાવનારું છે, પરિવારના મોભીને પાન બીડીનો ગલ્લો હોય આર્થિક હાલત સારી ન હોવાથી ઘરમાં માત્ર એક જ મોબાઈલ હોય તેમાં ત્રણ સંતાનો વચ્ચે ઓનલાઈન અભ્યાસ મુશ્કેલ બનતાં ધો.11 માં અભ્યાસ કરતી કિશોરીએ આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસના અંતે જાણવા મળ્યું છે.

 


આપઘાતના બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના માલધારી સોસાયટી શેરી નંબર 3 માં રહેતી પ્રિયા ગોરધનભાઈ દેગામા (ઉ.વ 16) નામની સગીરાએ તારીખ 15/2 ના પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.મહિનાની સારવાર બાદ સગીરાએ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતા બી.ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

 


પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી હતી કે, ધો.11 માં અભ્યાસ કરતી 16 વર્ષીય પ્રિયાના પિતા ગોવર્ધનભાઈ પાન બીડીનો ગલ્લો ધરાવે છે સગીરા બે બહેન એક ભાઈના પરિવારમાં મોટી હતી. હાલમાં ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો હોય ત્રણેય ભાઈબહેન એક મોબાઈલમાં ઓનલાઇન અભ્યાસ કરતા હતા. પરંતુ મોબાઈલ એક હોવાના લીધે ઓનલાઇન અભ્યાસમાં મુશ્કેલી પડતી હતી.સગીરાને રાત સુધી અભ્યાસ કરવાની ફરજ પડતી હતી. બીજી તરફ પિતાની આર્થિક સ્થિતિથી વાકેફ સગીરા પિતા પાસે બીજા મોબાઈલનો આગ્રહ પણ રાખી શકે તેમ નહોતી આવી સ્થિતિમાં ઓનલાઈન અભ્યાસની ચિંતામાં ઝેરી દવા પી જીવનનો અંત આણી લીધાનું જાણવા મળ્યું છે .બનાવના પગલે કોળી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો બનાવની વધુ તપાસ બી.ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ પી.એ.ગોહેલ ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS