શિક્ષકનું એક જ રટણ અમે તો નાણા વ્યાજે લીધા હતા, પોલીસે માગ્યા પુરાવા

  • June 19, 2021 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના કાલાવડ રોડ પર પ્રધુમન વિલામાં રહેતા શિક્ષક વિજય ગોરધનભાઈ મકવાણા પત્ની અને ૧૧ વર્ષની પુત્રી સાથે છ દિવસ પહેલા ગત રવિવારના રોજ સામૂહિક આત્મહત્યા કરવા જાય છે કહી લાપતા બન્યા બાદ શિક્ષક પરિવારને ક્રાઈમ બ્રાંચે અમદાવાદથી શોધી તો કાઢયો પરંતુ શિક્ષક વિજયભાઈ પોલીસ સમક્ષ એવું જ રટણ કરી રહ્યા છે કે, અમે જે.પી.જાડેજા પાસેથી વ્યાજે નાણા લીધા હતા. મિલકત કબજે લઈ લેતા આપઘાતનો નિર્ણય લીધો હતો. પોલીસે વ્યાજ સંદર્ભે પુરાવાઓ માગતા પોતે રજૂ કરશે તેવી ખાતરી પોલીસ સમક્ષ આપી હતી. હાલ પોલીસ પુરાવાની રાહમાં છે જો પુરાવા રજૂ થશે તો જે.પી. સામે વ્યાજખોરીનો ગુનો નોંધાવવાની વકી છે.

 


શિક્ષક વિજય મકવાણાએ ઘર છોડતા પહેલા બે ચિઠ્ઠીઓ લખી હતી જેમાં જે.પી.એ ૨.૫૦ કરોડ વ્યાજે આપી તથા બેન્કની લોનની ૬.૮૦ કરોડની રકમ ભરપાઈ કરી પોતાના કેકેવી સર્કલ નજીકના બિલ્ડિંગનો છળકપટથી દસ્તાવેજ કરાવી લીધો હતો. બિલ્ડિંગની વધારાની ચાર કરોડની રકમ આપી નહતી જેથી આપઘાત સિવાય માર્ગ ન હોવાના આક્ષેપો સાથે પોલીસ કમિશનર અને જે.પી.જાડેજા બન્નેને સંબોધી બે નોટ લકીને ગત રવિવારે ગુમ થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાંચ બે દિવસ પહેલા ગુરૂવારે વિજય અને તેની પત્ની પુત્રીને હેમખેમ અમદાવાદથી શોધી લાવી હતી.

 


પોલીસે હાથ ધરેલી પૂછતાછમાં શિક્ષક વિજયે જે.પી.જાડેજા પાસેથી વ્યાજે નાણા લીધા હોવાનું કથન કયુ હતું. પોલીસે આક્ષેપો, વ્યાજે નાણા સંબંધી કોઈ લેખિત પુરાવાઓ હોય તો રજૂ કરવા કહ્યું. લેખિત કરારો કે મોબાઈલમાં નાણા સંબંધી વ્યાજની રકમની ઉઘરાણીની ચેટ કે કોઈ કોલ રેકોડિગ હોય તો આપવા જણાવ્યું હતું. શિક્ષક વિજયે પોતાની પાસે પુરાવા છે થોડો સમય આપો શોધીને રજુ કરશેની વાત કરી હવે પોતે આત્મહત્યા કે આવું કોઈ પગલું નહીં ભરેની ખાતરી આપી હતી. પોલીસે પણ જો પુરાવા રજૂ કરાશે તો પોલીસ જે.પી.(જયોતિભાઈ) સામે કાયદેસર કાર્યવાહી કરશેની બાહેધરી પીઆઈ ભુક્કણ દ્રારા અપાઈ હતી.

 

 

નહીં તો પોતે આપઘાત કરશેની નોટ શિક્ષકે પોતે જ જે.પી.ના ઘરે મુકી હતી
લાપતા બનતા પહેલા વિજયે પહેલી નોટ તા.૧૦ અને બીજી નોટ તા.૧૧ના લખી હતી નોટ લખ્યા બાદ પોતે જ જે.પી.જાડેજાના ઘરે લેટર બોકસમાં નોટ નાખી આવ્યો હતોનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. જે નોટ જે.પી.ને લેટર બોકસ ચેક કરનાર સિકયુરિટી ગાર્ડે આપતા જે.પી. પોતે નોટ લઈને માલવિયાનગર પોલીસ સમક્ષ પહોંચ્યા હતા.

 

 

પોલીસને પણ તપાસમાં મુંઝવી રહેલા કેટલાંક મુદ્દાઓ
વિજયના કથન મુજબ પોતાની જાણ બહાર છળકપટથી સહીઓ લઈ દસ્તાવેજ કરાવી લીધો હતો જે ઘટના ૨૦૧૯ની હતી તો શિક્ષક બે વર્ષ સુધી કેમ કશું ન બોલ્યા, પોલીસને જાણ ન કરી કે મિલકત સંબંધી કોઈ દાવો ન કર્યેા? ખોટી રીતે સહીઓ કરાવ્યા અંગે બન્ને ભાઈઓ એમએસસી સુધી અભ્યાસ કરેલો છે તો આવી રીતે સહીઓ કરી આપે ખરા? શું જે.પી. કઈં છુપાવી રહ્યા છે કે બન્ને ભાઈઓ? તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

 

 

અગાઉથી અમદાવાદમાં મિત્રના ફલેટની ચાવી લઈ લીધી હતી
લાપતા બનેલા શિક્ષક પરિવારની શોધમાં ક્રાઈમ બ્રાંચની ટીમ અમદાવાદ પહોંચી હતી વિજય અમદાવાદ કારગીલ સર્કલ નજીક ફલેટમાં હોવાની માહિતી આધારે ત્યાંથી શોધી કાઢયા હતા. પોલીસને એવી વિગતો મળી હતી કે વિજયની માફક એયુકેશન લાઈન સાથે સંકળાયેલા સંતોષ નામના અમદાવાદ સ્થિત મિત્રને તેણે પોતે ત્રણ–ચાર દિવસ માટે અમદાવાદ આવે છે અને રોકાણ માટે ફલેટની ચાવી જોઈએ છે કહેતા મિત્રએ ફલેટની ચાવી ત્યાં ફલેટના સિકયુરિટીને આપી હતી જે લઈને વિજય ત્યાં પત્ની, પુત્રી સાથે રોકાયો હતો. વિજયના મિત્ર સંતોષની પણ સંભવીત પૂછતાછ કરાશે કે તેને ખ્યાલ હતો કે નહીં? વિજય આવી રીતે ગુમ થઈને નોટ લખીને ઘરેથી પત્ની, પુત્રી સાથે નીકળી ગયો છે!


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS