બોર્ડના પેપરની ચકાસણી અચોક્કસ મુદત માટે બંધ કરવા આદેશ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૦, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ પૂરી થયા બાદ પેપર ચકાસણીની કામગીરી સમગ્ર રાજ્યના ૨૨૦૦ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ચાલી રહી હતી અને તેમાં ૪૨ હજારથી વધુ શિક્ષકો પેપર ચકાસણીની કામગીરીમાં જોડાયા હતા. કોરોના વાયરસની સ્થિતિના કારણે થોડા સમય માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર માં ચાલતી કામગીરી સ્થગિત કરાયા બાદ હવે તે અનિશ્ચિત મુદત માટે બંધ કરવાનો નિર્ણય બોર્ડ દ્વારા લેવાયો છે.
બોર્ડના સચિવ ડી. એસ. પટેલે આ સંદર્ભે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ, બોર્ડના સંબંધિત અધિકારીઓ, પદાધિકારીઓ અને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના સંચાલકોને પત્ર પાઠવી જણાવ્યું છે કે જ્યાં સુધી બોર્ડ તરફથી બીજી સૂચના ન મળે ત્યાં સુધી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખોલવાના નથી અને પેપરની ચકાસણીની કામગીરી કરવાની રહેતી નથી.


તમામ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર આસપાસ અને અંદરના ભાગે પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાની સૂચના પણ બોર્ડ દ્વારા આપવામાં આવતા તેની અમલવારીની દિશામાં પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બોર્ડના જણાવ્યા મુજબ ઉત્તરવહીઓને પાણી, આગ કે શોર્ટ સર્કિટના કારણે નુકસાન ન થાય તે રીતે સાચવીને મૂકવાની રહેશે.બોર્ડની પરીક્ષાનો પ્રારંભ તારીખ ૫ માર્ચથી થયો હતો અને તારીખ ૧૭ માર્ચથી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં પેપર ચકાસવાની કામગીરી શરૂ થઈ ગઈ હતી. હવે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે અને તેના કારણે બોર્ડની પરીક્ષાના પરિણામો આ વખતે મોડા જાહેર થશે તે સ્પષ્ટ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application