કરોડોના ખર્ચે બનેલા એસટી બસપોર્ટમાંથી પોલીસ ચોકી જ ગાયબ

  • June 15, 2021 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ રોજિંદા હજારો મુસાફરો અસલામતિનો અનુભવ કરે છે
બસપોર્ટમાં જગ્યા ન ફાળવતા અર્થહીન રીતે ઓન પેપર કાર્યરત ચોકીના સ્ટાફને પણ ભારે મુસીબત: એસટી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ મૌન સેવ્યું

 


એસટીની સવારી સુરક્ષિત સલામત સવારી આ રૂપકડુ સૂત્ર ભલે એસટી બસો પર કે બસ સ્ટેશનો પર લખાયેલું રહેતું હોય પરંતુ રાજકોટમાં કરોડોના ખર્ચે બનેલા એસટીના નવા બસપોર્ટમાં રોજિંદા પરિવન કરતા હજારો મુસાફરોની સલામતિ ભયમાં છે ભલે બસમાં સુરક્ષા મળે પરંતુ એસટી બસ પોર્ટમાં તો પોલીસ ચોકી જ હટાવી નખાતા કે ગાયબ કરી દેવાતા સુરક્ષા મુદ્દે સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો ઘાટ છે.

 


સૌરાષ્ટ્ર્રનું પાટનગર કે બદી રીતે સેન્ટર ગણાતા રાજકોટ શહેરને સરકારે ભલે સરકારના કહેવા મુજબ અધતન બસ પોર્ટની ભેટ આપી પરંતુ સવાલ એ ઉઠે કે શું સરકારી તત્રં દ્રારા જ નવા બસપોર્ટમાં પોલીસ ચોકીને ફાળવવાની જગ્યા ભૂલાઈ કે પછી લાખોની કિંમતની જગ્યા થતી હોવાથી એસટી પોલીસ ચોકીનો ઉલાળિયો કેમ કરી દેવાયો.
બસ સ્ટેશનમાં પોલીસ ચોકી રાખવાનો સીધોસાદો અર્થ એ થાય કે બહારગામથી આવતા કે અહીંથી અન્યત્ર જતા રોજિંદા હજારો મુસાફરોની જાન, માલનું રક્ષણ સરળતાથી થઈ શકે. અગાઉ જૂના બસ સ્ટેશનમાં પોલીસ ચોકી કાર્યરત હતી એ સમયે અનેક વખત પોલીસે ખિસ્સા કાતરુઓ, લુખ્ખાઓ, લફંગાઓને રંગેહાથ પકડયા હતા અને મુસાપરોને આવા તત્વોનો ભોગ બને એ પૂર્વે સુરક્ષિત રખાયા હતા.

 


બસ સ્ટેશનમાં પોલીસ ચોકી હોવાથી પોલીસ અધિકારી, સ્ટાફ પણ બસ સ્ટેશશ્રમાં સતત રાઉન્ડમાં કાર્યરત રહેતા હતા જેથી પોલીસની સતત હાજરીને લઈને ગુનેગારો પણ બસ સ્ટેશશ્રમાં પગથીયુ ચઢતા પહેલા ખચકાતા હતા અને જો કોઈ ઘટના બની હોય તો મુસાફરો બસ સટેશનમાં જ પોલીસ ચોકીએ દોડી જતાં હતા અને પોલીસ પણ તુરતં જ એકશનમાં આવી ગુના આચરનારાઓને પકડી પાડતી હતી. લગેજ ચોરાવાના, મુસાફરના સ્વાંગમાં ફરી ખિસ્સા કાપવા, ચીલઝડપ કરવી આવા બનાવો અટકતા હતા અને મુસાફરો સલામતિ અનુભવતા હતા.

 


હાલના કરોડોની કિંમતે નવા બસ સ્ટેશન (બસપોર્ટ)માં પોલીસ ચોકી જ નથી. પોલીસ ચોકી ન હોવા સંદર્ભે પીએસઆઈ પરમારના કહેવા મુજબ ચોકી અગાઉ હતી. પરંતુ નવા બસપોર્ટમાં જગ્યા ફાળવાઈ નથી જેથી હાલ પોલીસ સ્ટાફ કરણપરા ચોકીમાં પેરોલ–ફર્લેાની ટીમ સાથે બેસે છે. જગ્યાની માગણી તો કરાઈ હતી. કરણપરા ચોકી સામે પણ વીજ સબ સ્ટેશનનો ખતરો છે. એસટી ચોકી હાલ તો એ ડિવિઝન પોલીસ મથકના ચોપડે ઓન પેપર કાર્યરત છે એક પીએસઆઈ, જમાદાર, કોન્સ્ટેબલના સ્ટાફની પણ ફાળવણી છે પરંતુ એસટી ચોકીના સ્ટાફ માટે મુસીબત છે કે બેસવા જગ્યા જ નથી માટે બસપોર્ટથી અર્ધેા કિલોમીટર દૂર અન્ય ચોકીમાં જઈને બેસવુ પડે છે. આવા કારણોસર પણ નવા બસપોર્ટમાં ગુનેગારોને મોકળુ મેદાન મળ્યું ગણાય.

 

 

એસટી બસોને નડતરરૂપ બને છે ઓટો રિક્ષાઓ
રાજકોટના ઢેબર રોડ બસપોર્ટની બહાર ઉભી રહેતી ઓટો રિક્ષાઓના ચાલકો પેસેન્જર મેળવવા માટે સતત એન્ટ્રી અને એકિઝટ ગેઈટ બહાર જ રિક્ષા રાખતા હોય બસપોર્ટમાં આવતી–જતી બસોને આ રિક્ષાઓ ખુબજ નડતરરૂપ બને છે અને અકસ્માત થવાની શકયતા પણ રહે છે. આ અંગે એસટી વિભાગે પણ ભૂતકાળમાં અનેક વખત રજૂઆતો કરી છે.

 


રોજ ૧૨૦૦ બસ–૫૦ હજાર મુસાફરોની અવરજવર
ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના સૌથી મોટા બસ સ્ટેશનોમાં રાજકોટ બસપોર્ટનું સ્થાન છે. દરરોજ ૧૨૦૦ બસ અને ૫૦ હજાર મુસાફરોની અવરજવર ધરાવતા બસપોર્ટમાં પોલીસ ચોકીનું અસ્તિત્વ જ રહ્યું ન હોય રિક્ષાચાલકો, રોમિયાઓ, આવાર–અસામાજિક તત્વો અને ખિસ્સા કાતરૂઓને મોકળુ મેદાન મળી ગયું છે.

 

 

જો જગ્યા ફાળવાય તો મુસાફરો સાથે વેપારીઓને પણ સુરક્ષા મળે
નવા બસપોર્ટની અંદર અનેક શોરૂમ્સ, દુકાનો છે આ વેપારીઓ માટે પણ સુરક્ષા સંદર્ભે સવાલો છે. બસપોર્ટમાં લુખ્ખાઓ, ટપોરીઓ કે આવા તત્વો ચક્કરો કાપતા રહે છે જો કોઈ વેપારી કે મુસાફરો ટપારે તો સીધા ઝઘડા પર ઉતરી આવે છે. મુસાફરોની સલામતિ સાથે જ વેપારીઓ, ધંધાર્થીઓને દુકાનો વેચી તેમની સુરક્ષા અર્થે પણ નવા બસ પોર્ટમાં એસટી પોલીસ ચોકી માટે જગ્યા ફાળવવી હિતાવહ છે તો જ ત્યાં ખરીદદારો વધશે અને વેપાર ધંધા વધશે નહીં તો લાખોનું રોકાણ કરનારા વેપારીઓ માટે પણ રોકાણ પર પાણી ફર્યા જેવું છે.

 

 


શાસ્ત્રી મેદાનમાં પણ જગ્યા અપાઈ હતી તો નવા બસપોર્ટમાં કેમ નહીં?
બસ સ્ટેશનોમાં મુસાફરોની જાન, માલની સુરક્ષા માટે પોલીસ ચોકીઓ હોય જ છે પરંતુ નવા શરૂ થયેલા શિરસ્તામાં આધુનિકતાના નામે મુસાફરોની સુરક્ષાનો જ છેદ ઉડાડી દેવાયો હોય તેમ પોલીસ માટે જગ્યા ફાળવાઈ નથી. અગાઉ હાલ નવા બસપોર્ટની જગ્યા પર જૂના બસ સ્ટેશનમાં પોલીસ ચોકીની જગ્યા હતી. ત્યાંથી શાક્રીમેદાનમાં પણ સ્થળાંતરીત થયેલા બસ સ્ટેશનમાં પણ ચોકીની જગ્યા અપાઈ હતી તો નવા બસપોર્ટમાં કેમ નહીં? તેવો મુસાફરો સાથે ત્યાંના વેપારીઓ ખરીદદારોમાં પણ સવાલ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application