ચૂંટણી માટે પોલીસ તૈયાર: સાંજથી જ મતદાન મથકોએ બંદોબસ્ત

  • February 21, 2021 02:40 AM 

રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થનાર હોય મતદાન સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ તકેદારીના તમામ પગલા લઈ રહી છે.આજ સાંજથી જ ઇ.વી.એમ.ની સાથે મતદાન મથકોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.


શહેરમાં આવતીકાલે મતદાનના દિવસે એસઆરપી, સીઆરપીએફ અને ઘોડેસવાર સહિત ચાર હજારથી વધુ જવાનો બંદોબસ્તમાં તહેનાત રહેશે. મતદાનના દિવસે બલ્ક એસએમએસ અને સોશિયલ મીડિયાની દરેક હિલચાલ પર પણ ખાસ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં ઘોડેસવાર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. મતદાન મથકે કે શહેરમાં અન્ય કોઈપણ સ્થળે આવતીકાલે નાનું છમકલું બને તો પણ તુરંત જ પહોંચી શકાય તે માટે પોલીસ કમિશનર દ્વારા રિઝર્વ અને ક્યુઆરટી ફોર્સની ફાળવણી કરવામાં આવી છે.


પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મતદાનને લઈ પોલીસ બંદોબસ્તની વિગતો આપતા જણાવ્યું હતું કે, આવતીકાલે મતદાનના દિવસે રાજકોટમાં આવેલ 395 મતદાન મથકો ઉપર પોલીસ અધિકારી, કર્મચારીઓ, એસ.આર.પી., બી.એસ.એફ, સી.આર.પી.એફ., ઘોડેશ્વાર, હોમગાર્ડ મળી ચાર હજાર જેટલા અધિકારી,કર્મચારીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. તેમજ તમામ મતદાન મથકો ઉપર સેકટર પેટ્રોલીંગમાં પી.આઈ તેમજ ગૃપ પેટ્રોલીંગમાં પી.એસ.આઈનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ રાખવામાં આવશે. તેમજ સંવેદનશીલ વિસ્તારમાં ઘોડેશ્વાર દ્વારા સઘન પેટ્રોલીંગ રાખવામાં આવશે. મતદાન દરમ્યાન મતદાન બુથ ઉપર અથવા અન્ય જગ્યાઓ પર તાત્કાલીક પહોચવા માટે કંટ્રોલ રૂમમાં સીનીયર અધીકારી, રીઝર્વ ફોર્સ તથા પોલીસ સ્ટેશનમાં ક્યુ.આર.ટી ફોર્સ ફાળવવામાં આવી છે. તેમજ બલ્ક એસ.એમ.એસ. સોશ્યલ મીડીયા પર પણ સતત વોચ રાખવામાં આવી રહી છે.


કોવીડ-19 ની માર્ગદર્શીકાનુ પણ પાલન થાય તે માટે પણ પોલીસ નજર રાખશે. તેમજ ડ્રોન કેમેરા અને આઇ-વે પ્રોજેકટના કેમેરા તેમજ પ્રાઇવેટ કેમેરાનો પણ પોલીસ બંદોબસ્તમાં ઉપયોગ કરવામાં આવશે. અને જો કોઇ અસમાજીક પ્રવૃતિ આચરતા ઇસમો ચુંટણી પ્રક્રિયામાં ખલેલ પંહોયડાતા હોવાનું માલુમ પડશે તો તેવા શખસો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને વીડીયો ફુટેજ પણ પુરાવારૂપે રાખવામાં આવશે.

 

કલેકટર-પોલીસ કમિશનરે રૈયા રોડના સંવેદનશીલ બુથની મુલાકાત લીધી
આવતીકાલે યોજાનાર ચૂંટણીને લઈને પોલીસ અને કલેક્ટર તંત્ર તકેદારીના તમામ પગલા લઇ રહી છે. જેના ભાગરૂપે આજરોજ રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ રૈયા રોડ પર આવેલા ઝાકીર હુસેન વિદ્યાલયના સંવેદનશીલ મતદાન મથકની મુલાકાત લીધી હતી.આ દરમિયાન તેમણે સ્ટાફને જરૂરી સૂચનો કયર્િ હતા. આ સમયે અધિક કલેકટર પરિમલ પંડ્યા તેમજ ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા તેમજ અન્ય અધિકારીઓ પણ સાથે રહ્યા હતા. તસવીરમાં મતદાન મથકોની મુલાકાત આવેલા કલેકટર રેમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ નજરે પડે છે.

 

ચૂંટણી ફરજમાં રોકાયેલા 1400 પોલીસ અધિકારી-કર્મચારીઓએ મતદાન કર્યું
લોકશાહીના મહાપર્વ એવા સ્થાનિક સ્વરાજયની સામાન્ય ચુંટણીમાં મતદાનથી વંચીત ન રહી જાય તે માટે છેલ્લા બે દિવસમાં રાજકોટ શહેર પોલીસના આશરે 1400 પોલીસ અધિકારી-કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS