દેવભૂમિ દ્વારકા જિલ્લામાં "તૌકતે" વાવાઝોડા સામે સાવચેતીના પગલારૂપે તંત્ર દ્વારા એક્શન પ્લાન

  • May 16, 2021 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે હાલાર પંથક ઉપરાંત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આગામી ત્રણેક દિવસમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. પ્રાથમિક આગાહી મુજબ સંભવિત રીતે નુકશાનકારક સાબિત થનાર "તૌકતે" વાવાઝોડા સામે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સરકારી તંત્ર- પોલીસ તંત્ર દ્વારા વિવિધ પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભવિત રીતે આગામી તારીખ 18 તથા 19 મે ના રોજ "તૌકતે" વાવાઝોડું ત્રાટકે તેવું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તે સામે અહીંના જિલ્લા કલેક્ટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીના તથા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા વિવિધ પ્રકારના નક્કર પગલાં લેવામાં આવ્યા છે.

 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા દ્વારકા તાલુકાના અનેક ગામો દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા છે. તેથી વાવાઝોડાના પગલે દરિયા કિનારાના વિસ્તારોમાં નુકશાની ન થાય તે માટે તંત્ર દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. 

 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા તાલુકાના મહત્વના એવા સલાયા, વાડીનાર, ઉપરાંત આસોટા, બેહ વિગેરે ગામના મોટા ભાગના વિસ્તારો દરિયાકાંઠે આવેલા છે. વાવાઝોડા દરમિયાન અહીં ખાના-ખરાબી ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સ્થાનિકોના સલામત સ્થળે શિફ્ટિંગ સહિતના પગલાઓ લેવામાં આવ્યા છે. આ માટે સ્થાનિક કક્ષાએ શાળા કે સમાજ વાડી ખાતે શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. વાવાઝોડા દરમિયાન અહીં લોકોને ખસેડવા તથા જમવાની અને પાણીની વ્યવસ્થા માટે જરૂરી કામગીરી કરવામાં આવી છે.

 

ઓખામંડળના દ્વારકા પંથકમાં અનેક લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીં આશરે 5200 જેટલી બોટો સરકારમાં રજીસ્ટર્ડ થયેલી છે. છેલ્લા દિવસોમાં આશરે 750 જેટલી બોટો દરિયામાં ગઈ હતી. તેને ગઈકાલથી ફિશરીઝ વિભાગ તથા સ્થાનિક તંત્ર દ્વારા પરત બોલવાની કામગીરી કરવામાં આવી હતી. જે મહદ્અંશે સંપન્ન થઈ ગઈ છે. હાલ આશરે બે ડઝન જેટલી બોટ દરિયામાં હોય, તે પણ ટૂંક સમયમાં પરત આવી જશે તેમ પણ જાણવા મળેલ છે. 

 

દ્વારકા તાલુકાના અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા જુદા જુદા ગામોમાં શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. તેની જવાબદારી સ્થાનિક તલાટીને સોંપવામાં આવી છે. અહીં ફૂડ પેકેટ અને પાણી પણ જરૂર પડ્યે ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા પણ સુદ્રઢ કરવામાં આવી હોવાનું દ્વારકાના પ્રાંત અધિકારી નિહાર ભેટારીયાએ જણાવ્યું હતું.

 

જિલ્લામાં કંટ્રોલરૂમ શરૂ કરાયા: કર્મચારીઓની રજા રદ

"તૌકતે" વાવાઝોડાની આગાહીના પગલે જિલ્લાના જુદાજુદા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, અહીં ચોક્કસ સ્ટાફને ફરજ પણ સોંપી દેવામાં આવી છે. આ સાથે સરકારી કર્મચારીઓની રજા રદ કરી, અને હેડ ક્વાર્ટરમાં રિપોર્ટિંગ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ વાવાઝોડા સામે બાથ ભીડવા બોટ સાથે એન.ડી.આર.એફ. ના જવાનોનું પણ જરૂર પડ્યે અત્રે આગમન થનાર છે. હાલ કોરોના મહામારીમાં આ વાવાઝોડાની સંભાવના વચ્ચે સરકારી તંત્ર દ્વારા આશ્રિતો વિગેરેમાં કોરોના ગાઈડ લાઈનનું પણ ચુસ્તપણે પાલન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS