સરકારી શાળાના આચાર્યએ પુસ્તકો બાળકોના ઘરે પહોંચાડી વાંચન પ્રત્યે પ્રેરીત કર્યા

  • June 30, 2021 11:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના કારણે શાળામાં બાળકોનો અભ્યાસ બંધ થયો, તો મોટા ગુંદાળાની શાળાના આચાર્યએ બાળકોને વાંચનાભિમુખ બનાવવા હાથ ધર્યુ અભિનવ અભિયાન બાળકો શાળાની લાયબ્રેરીમાં આવી ન શકતા સરકારી શાળાના HTAT આચાર્ય સંજય વેકરીયાએ પુસ્તકો બાળકોના ઘર સુધી પહોંચાડી તેમને વાંચન પ્રત્યે પ્રેરીત કર્યા


કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષ કરતાં પણ વધુ સમયથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, અને બાળકો - વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ દ્વારા તેમનો અભ્યાસ કરી રહયાં છે. તેવા સમયમાં શાળામાં અભ્યાસ કરતાં ધોરણ ૧ થી ૮ ના બાળકો ઓનલાઈન શિક્ષણની સાથે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરી રહયાં છે. આવા બાળકો વાંચનની ટેવ ભૂલી ન જાય તે માટે જેતપુર તાલુકાના મોટી ગુંદાળા ગામની સરકારી શાળાના HTAT આચાર્ય સંજય વેકરીયાએ એક અભિનવ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનની વિગતો આપતાં HTAT આચાર્ય સંજયભાઈ કહે છે કે, કોરોનાના આ કપરા સમયમાં શાળાઓ બંધ છે, જેને કારણે વિદ્યાર્થીઓ લાયબ્રેરીમાં આવી શકતા નથી. શાળાઓ બંધ હોવા છતાં પણ શિક્ષણકાર્ય બંધ નથી. હાલના સમયમાં ઓનલાઈન એજ્યુકેશનની સાથે મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે બાળકો વાંચનની ટેવ ન ભૂલી જાય, સાથો સાથ કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં બાળકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે શાળાની સહ અભ્યાસ પ્રવૃત્તિ અન્વયે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી તેમને ટેકસ બુક બહારનું શિક્ષણ મળે તે માટે તેમને પુસ્તક વાંચન તરફ વાળવા મે ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓને પુસ્તક આપવાનું શરૂ કર્યું. 

આ માટે શાળાની લાયબ્રેરીમાં રહેલા ૩૦૦૦ જેટલા પુસ્તકો બાળકો વચ્ચે ખુલ્લા મુકયા. ડોર ટુ ડોર જઈને બાળકોને તેમને ગમતા પુસ્તકો આપ્યા. એટલું જ નહી પરંતુ બાળકને પુસ્તક વાંચન બાદ તેમાં તેને શું ગમ્યુ ? પુસ્તકના વાંચનથી શું શીખ મળી ? જેવી બાબતોનો મોબાઈલમાં વિડીયો બનાવી મોકલવા પણ જણાવ્યું. 
  
શાળાના આચાર્યશ્રીએ શરૂ કરેલા આ વાંચન અભિયાનનો બાળકોની સાથે તેમના વાલીઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો. વિદ્યાર્થીઓ પોતે જે પુસ્તક વાંચ્યું હોય એનો ટૂંક સારનો વિડીયો બનાવી આચાર્યશ્રીએ શરૂ કરેલા શાળાના વોટ્સએપ ગ્રૂપમાં મોકલતા થયા. શાળામાં ધોરણ - ૭ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મનસ્વી અગ્રાવત કહે છે કે, કોરોનાના કારણે જ્યારે અમારી શાળા બંધ હતી ત્યારે અમારી શાળાના આચાર્યશ્રીએ અમારું શિક્ષણ કાર્ય અટકે નહી તે માટે અમને પુસ્તકો વાંચવા માટે આપે છે. મને ગણિત વધુ ગમે છે એટલે સાહેબે મને ગાણિતીક કોયડાને લગતુ ‘‘ક્વીઝ ટાઈમ - ૩’’ નામનું પુસ્તક વાંચવા માટે આપ્યું હતુ. આ પુસ્તક વાંચ્યા બાદ મને ગણિતના અઘરા લાગતા દાખલાઓ હવે સમજાવા લાગ્યા છે. 

આ જ શાળામાં અભ્યાસ કરતો જેનીલ બાંભરોલીયા કહે છે કે, મને આચાર્ય સાહેબે ‘‘રાષ્ટ્રના તેજોવંત ઘડવૈયા’’ પુસ્તક મને વાંચવા આપ્યું હતુ. આ પુસ્તકમાં દેશના મહાન વ્યક્તિઓ જેવા કે, રાણી લક્ષ્મીબાઈ, સરદાર પટેલ, ચંદ્રશેખર આઝાદ અને વિર ભગતસિંહ જેવા મહાપુરૂષોનું જીવન ચરિત્ર લખાયેલું હતુ. જે વાંચીને મને આ મહાપુરૂષોના જીવન વિશે વધુ સારૂ જાણવા મળ્યું છે.  અન્ય એક વિદ્યાર્થીની ચેત્વી કાકડીયાએ ‘‘ગાંધીજીની વાતો’’ પુસ્તકનું વાંચન કર્યું હતુ તેના પ્રસંગો વર્ણાવતા ચેત્વી કહે છે કે, આ પુસ્તકમાં મહાત્મા ગાંધીજી શાળામાં ભણતા હતા તે સમયની અનેક વાતો હતી, જે મે વાંચી ત્યારે ખબર પડી કે ગાંધીજી પહેલા અંધારાથી ડરતા હતા પરંતુ તેમના જીવનમાં બનેલા એક જ બનાવના કારણે તેમનામાં અંધારાનો ડર દૂર થઈ ગયો હતો. આ પુસ્તકના વાંચનથી મને મહાત્મા ગાંધીજીના જીવન વિશે ઘણુ બધુ જાણવા મળ્યું છે. 
  
નોંધનીય છે કે, શાળાના આચાર્ય દ્વારા અત્યાર સુધીમાં ૨૫૦ થી વધુ બાળકોને તેમજ ૨૦ જેટલા વાલીઓને પુસ્તકો વિતરણ કરી તેમને વાંચવા માટે પ્રેરીત કર્યા છે. 
કોરોના કારણે બાળકોની મનોસ્થિતિ પર ગંભીર અસરો પડી છે. લાંબુ લોકડાઉન રહેતા બાળકો ઘરની બહાર નીકળી ન શકવાના કારણે અને સ્કૂલ બંધ હોવાથી આવા બાળકોમાં એકલતાની સાથે તેમના મૂડમા બદલાવ જોવા મળ્યો છે. કોરોનાના આ કપરા સમયમાં સૌથી વધુ નકારાત્મક અસર વિદ્યાર્થીઓ પર પડી છે. મહત્વની વાત છે કે બાળક ઘરની અંદર જકડાઈ ગયું છે, તેને ભણવાનું હોય કે રમવાનું હોય, એ બધુ જ આજના સમયમાં મોબાઈલ ઉપર જ શક્ય બન્યુ હોવાથી બાળકને ટચ સ્ક્રીનની આ દુનિયામાંથી બહાર કાઢવા મોટી ગુંદાળા ગામની સરકારી શાળાના HTAT આચાર્ય સંજય વેકરીયાએ હાથ ધરેલો આ નવતર પ્રયોગ ગામના વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓને પણ પુસ્તક વાંચન તરફ પ્રેરીત કર્યા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS