રૂ. 2000ની ચલણી નોટ છાપવાનું બે વર્ષથી બંધ કરાયું: સરકાર

  • March 16, 2021 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લાં બે વર્ષથી રૂ. 2000ના મૂલ્યની ચલણી નોટ છાપવાનું બંધ કરી દેવામાં આવ્યું હોવાની માહિતી સરકારે લોકસભામાં આપી હતી. લોકસભામાં આપેલા લેખિત ઉત્તરમાં રાજ્યકક્ષાના નાણાં ખાતાના પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે કહ્યું હતું કે 30 માર્ચ 2018ના રોજ સુધી રૂ. 2000ના મૂલ્યની 336.2 કરોડ ચલણી નોટ સર્ક્યૂલેશનમાં હતી જે બેંકના ચલણી નોટના કુલ જથ્થાના 3.27 ટકા અને વેપારના 37.26 ટકા જેટલી હતી.

 


26 ફેબ્રુઆરી 2021ના રોજ રૂ. 2000ના મૂલ્યની 249.9 કરોડ ચલણી નોટ સર્ક્યૂલેશનમાં હતી જે બેંકના ચલણી નોટના કુલ જથ્થાના 2.01 ટકા અને વેપારના 17.78 ટકા જેટલી હતી, એમ તેમણે કહ્યું હતું.

 


જનતા દ્વારા કરાતી રૂપિયાની લેવડદેવડને ધ્યાનમાં રાખીને સરકાર અને આરબીઆઈ સલાહમસલત કયર્િ બાદ ચોક્કસ મૂલ્યની ચલણી નોટનું પ્રમાણ જાળવી રાખવા જરૂરિયાત પ્રમાણે ચલણી નોટ પ્રિન્ટ કરવાનો નિર્ણય લે છે.

 


વર્ષ 2019-20 અને વર્ષ 2020-21 દરમિયાન રૂ. 2000ના મૂલ્યની ચલણી નોટ છાપવાની કોઈ યાદી મોકલવામાં ન આવી હોવાનું તેમણે કહ્યું હતું. નાણાંકીય વર્ષ 2016-17 દરમિયાન રૂ. 2000ના મૂલ્યની 354.2991 કરોડ ચલણી નોટ છાપવામાં આવી હોવાનું આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
જોકે નાણાંકીય વર્ષ 2017-18માં રૂ. 2000ના મૂલ્યની માત્ર 11.1507 કરોડ ચલણી નોટ છાપવામાં આવી હતી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે નાણાંકીય વર્ષ 2018-19માં આ પ્રમાણ ઘટીને 4.6690 કરોડ જેટલું થઈ ગયું હતું.

 


એપ્રિલ 2019થી રૂ. 2000ના મૂલ્યની એકપણ ચલણી નોટ છાપવામાં ન આવી હોવાનું તેમણે કહ્યું હતું. રૂ. 2000ની ચલણી નોટની સંગ્રહખોરી અને કાળાનાણાંને અંકુશમાં લેવાના પ્રયાસના ભાગરૂપ આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

 


કાળાનાણાં અને બનાવટી ચલણી નોટો પર અંકુશ લાદવાના પ્રયાસના ભાગરૂપ સરકારે રૂ. 500 અને રૂ. 1000ના મૂલ્યની ચલણી નોટ અર્થતંત્રમાંથી પાછી ખેંચી લીધા બાદ નવેમ્બર 2016માં રૂ. 2000ના મૂલ્યની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી. જોકે, બાદમાં રૂ. 500ની નવી ચલણી નોટ અર્થતંત્રમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ રૂ. 1000ના મૂલ્યની ચલણી નોટ કાયમ માટે રદ કરવામાં આવી હતી.

 


હાલ રૂ. 2000ના મૂલ્યની ચલણી નોટ ઉપરાંત રૂ. 10, રૂ. 20, રૂ. 50, રૂ. 100, રૂ. 200 અને રૂ. 500ની ચલણી નોટ દેશના અર્થતંત્રમાં સર્ક્યૂલેશનમાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS