પિત્ઝા હટ પાસેથી 12 લાખની રિકવરી: 16 મિલકતો સીલ

  • March 10, 2021 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

150 ફૂટ રિંગરોડ, કાલાવડ રોડ, રૈયારોડ, ઢેબર રોડ, સદર બજાર, જામનગર રોડ, સાધુ વાસવાણી રોડ, કોઠારિયા રોડ સહિતના વિસ્તારોમાં મહાપાલિકાની ટૂકડીઓ ત્રાટકી: ત્રણ કલાકમાં 63 લાખની રિકવરી

 


મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા હવે મિલકત વેરાના બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવી છે અને દરરોજ સિલિંગ ઝુંબેશ હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે. આજે સવારે 10 કલાકે કચેરી ખૂલતાની સાથે ટેકસ બ્રાન્ચ સિલિંગ ઝુંબેશ માટે નીકળી પડયો હતો અને બપોરે એક વાગ્યા સુધીની ત્રણ કલાકમાં જ 16 મિલકતો સીલ કરીને રૂ.63 લાખની વેરા વસુલાત કરી હતી.

 


વિશેષમાં ટેકસ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે વોર્ડ નં.2માં જામનગર રોડ પર આવેલ સરદાર કોમ્પ્લેકસમાં 2 કોમર્શિયલ યુનિટ સીલ કરાયા હતા. સદર બજારમાં 2 કોમર્શિયલ યુનિટ સીલ કરાતા રૂ.9.72 લાખની રિકવરી થઈ હતી. છોટુનગર વિસ્તારમાં કોમર્શિયલ યુનિટ સીલ કરતાં રૂ.84 હજારની વસુલાત થઈ હતી. જ્યારે વોર્ડ નં.5માં પેડક રોડ પર બાકી માંગણા સામે 1.20 લાખની વસુલાત થઈ હતી. અન્ય એક કોમર્શિયલ યુનિટનો રૂ.1.80 લાખનો વેરો સ્થળ પર વસુલવામાં આવ્યો હતો. આરટીઓ રોડ પર આવેલ અંબિકા હાર્ડવેર નામની પેઢીને સીલ કરતાં સ્થળ પર જ રૂ.1.15 લાખની રિકવરી થઈ હતી. વોર્ડ નં.7માં ઢેબર રોડ પર આવેલ સરીતા કોમ્પ્લેકસમાં 3 કોમર્શિયલ યુનિટ સીલ કરી દેવામાં આવ્યા હતા.

 


મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના સૂત્રોએ સત્તાવાર વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, ઉપરોકત ઉપરાંત વોર્ડ નં.8માં 150 ફૂટ રિંગરોડ પર પિત્ત્ઝા હટના કોમર્શિયલ યુનિટના બાકી માંગણા સામે રૂ.12.04 લાખની રિકવરી કરવામાં આવી હતી. સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, વોર્ડ નં.9માં સાધુ વાસવાણી રોડ પર આવેલ અતૂલ્યમ એવન્યુના રેસિડેન્સિયલ યુનિટના પાણી વેરાના બાકી માંગણા સામે રૂ.66280ની વસુલાત કરાઈ હતી. જ્યારે વોર્ડ નં.10માં વાત્સલ્ય હોસ્ટેલના બાકી માંગણા સામે 1.73 લાખ વસુલવામાં આવ્યા હતા. કાલાવડ રોડ પર કિંગ્સ કોમ્પ્લેકસમાં આવેલ બે કોમર્શિયલ યુનિટ સીલ કરવામાં આવ્યા હતા.

 

 

વોર્ડ નં.12માં બજરંગ ફર્નિચરના યુનિટના બાકી વેરા પેટે રૂ.9.64 લાખની વસુલાત કરાઈ હતી. એસબીએમ ચેયર પ્રા.લિ.ના યુનિટના બાકી માંગણા સામે 7.43 લાખની વસુલાત, કીર્તી ફોર્જિંગના ઈન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે દોઢ લાખની વસુલાત કરાઈ હતી. વોર્ડ નં.14માં કોમર્શિયલ યુનિટના વેરા પેટે 1.36 લાખની વસુલાત તેમજ અન્ય એક યુનિટ પેટે 1 લાખની વસુલાત અને એક રહેણાંક મિલકતનો બાકી વેરો રૂ.68879 વસુલવામાં આવ્યો હતો. વોર્ડ નં.15માં જય સીયારામ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 1.67 લાખની રિકવરી, વોર્ડ નં.17માં 50 હજારની રિકવરી, વોર્ડ નં.18માં પ્રમુખ વે બ્રિજ યુનિટના બાકી માંગણા સામે 6.31 લાખની વસુલાત, કોઠારિયા સોલવન્ટ મેઈન રોડ પર આવેલ ઈન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે 1.59 લાખની વસુલાત કરવામાં આવી હતી. શહેરના તમામ ત્રણ ઝોન હેઠળના 18 વોર્ડમાં આજે કુલ 16 મિલકતો સીલ કરી 62.34 લાખની રિકવરી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS