વીંછિયા તાલુકો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે કોંગ્રેસ દ્વારા રેલી-આંદોલન

  • September 07, 2021 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ કલેકટર દ્વારા રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં ચાલુ ચોમાસાની સીઝન દરમિયાન ૧૦ ઈંચ વરસાદ પડ્યો હોવાની બે દિવસ પહેલા પ્રેસ અને મીડિયાના માધ્યમથી જાહેરાત કરવામાં આવી હતી. જોકે વિંછીયા પંથકમાં આજદિન સુધીમાં માત્ર ૫ ઈંચ જેટલો જ વરસાદ પડ્યો હોવાથી જિલ્લા કલેકટરે વિંછીયા તાલુકાના ખેડૂતો અને લોકો સાથે અન્યાય કર્યો હોવાના આક્ષેપો સાથે રોષે ભરાયા હતા અને વિંછીયા તાલુકાને વહેલી તકે અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલની આગેવાની હેઠળ વિંછીયાના મોઢુકા રોડ પરથી આંબલીચોક સુધી પગપાળા રેલી યોજવામાં આવી હતી. બાદમાં કોંગ્રેસ સમિતિના આગેવાનો અને ખેડૂત આગેવાનો દ્વારા વિંછીયાના આંબલીચોક ખાતે ઉપવાસ આંદોલન છેડવામાં આવ્યું હતું. આ ઉપવાસ આંદોલનમાં જસદણ-વિંછીયાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલ, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઈ નાકીયા સહિતના જસદણ-વિંછીયા તાલુકાના કોંગ્રેસ સમિતિના આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ ઉપવાસ આંદોલન દરમિયાન વિંછીયા મામલતદાર પી.એમ.ભેસાણીયાએ વિંછીયામાં પડેલા ૫ ઈંચ વરસાદના આંકડા જાહેર કરી સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય ન્યાય આપવામાં આવશે તેવો વિશ્વાસ આપતા આંદોલન સમેટાયું હતું.

રાજકોટ કલેકટરે બે દિવસ પહેલાં એક પણ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તેવી જાહેરાત કરી હતી-ભોળાભાઈ ગોહેલ
પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલના જણાવ્યા મુજબ રાજકોટ કલેકટરે બે દિવસ પહેલાં પ્રેસ અને મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી કે, રાજકોટ જિલ્લાની અંદર એક પણ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે. તેમણે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ૮થી ૧૦ ઇંચ વરસાદ નોંધાયેલો છે. જો કે વીંછિયામાં માત્ર ૫ ઇંચ વરસાદ જ નોંધાયેલો છે જેથી આ વાત અમારા ધ્યાને આવતા જસદણ-વીંછિયા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ખેડૂતોને સાથે રાખી ધરણાંનો કાર્યક્રમ રાખ્યો હતો. જો કે અમને વીંછિયા મામલતદારે વરસાદનો સાચો આંકડો કલેકટરને આપી આ વિસ્તારનો અછતમાં સમાવેશ થશે તેવો વિશ્ર્વાસ અને ખાતરી આપતા અમે અમારું આંદોલન સમેટી લીધું છે.


સરકાર તરફથી જે પરિપત્ર અને સૂચના મળશે તેની અમલવારી થશે: ઈન્ચાર્જ મામલતદાર
વીંછિયા તાલુકામાં આ મોસમનો કુલ વરસાદ ૫ ઇંચ નોંધાયેલો છે. હવે સરકાર તરફથી અછત અંગે અમને જે પરિપત્ર અને સૂચના મળશે તેની અમલવારી સામે અમે ચોકકસપણે કરીશું. હવે જે પાણીનો પ્રશ્ર્ન છે તે અંગે હું સંબંધિત વિભાગના અધિકારીઓને પણ જાણ કરીશ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS