કલેકટર તરીકેની લાંબી ઈનિંગ બાદ રેમ્યા મોહન બુધવારે ચાર્જ છોડશે

  • June 21, 2021 06:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ અગાઉ નવસારી, વલસાડ અને કચ્છમાં કલેકટર હતા: સોશિયલ સેકટરમાં કામ કરવાનું ગમે છે અને અર્બન હેલ્થ મિશનમાં તે તક મળી છે: રેમ્યા મોહન

 


રાજકોટના કલેકટર રેમ્યા મોહનની ગાંધીનગર ખાતે અર્બન હેલ્થ મિશનમાં બદલી થતા તે બુધવારે સાંજે ચાર્જ છોડશે અને નવા કલેકટર ચાર્જ સંભાળશે. ચાર્જ છોડતા પહેલાં રાજકોટ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કલેકટરે જણાવ્યું હતું કે, કચ્છ, નવસારી, વલસાડ અને રાજકોટમાં એમ સતત ચાર ટર્મ સુધી કલેકટર તરીકે કામ કરવાનો મોકો મળ્યો છે. લાંબો સમય સુધી ફિલ્ડવર્ક કર્યા બાદ હવે નેશનલ અર્બન હેલ્થ મિશનમાં બદલી થઈ છે અને ગુરુવારે ચાર્જ સંભાળશે.

 


પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, વલસાડમાં ફાઈલ ટ્રેકિંગ સીસ્ટમ દાખલ કરી હતી અને બાદમાં તે સમગ્ર રાયમાં સ્વીકારવામાં આવી હતી. આવી જ રીતે કચ્છમાં સરકારી જમીન પર ઘાસ ઉગાડીને મોટી કામગીરી કરવામાં આવી હતી. સોશિયલ સેન્ટરમાં કામ કરવાનું મને ગમે છે અને અર્બન હેલ્થ મિશનમાં મને વધુ એક તક મળી છે. રાજકોટના અનુભવ બાબતે તેમણે જણાવ્યું હતું કે, મોટાભાગનો સમયગાળો કોરોનામાં કામ કરવાનો ગયો છે અને તેમાંથી ઘણું શીખવાનું મળ્યું છે. હવે આ જ વસ્તુ અર્બન હેલ્થ મિશનમાં રાયસ્તરે કરવાનું છે અને સોશિયલ વર્કનો મને વધુ એક ચાન્સ મળશે. સમગ્ર દેશમાં મ્યુકરના સૌથી વધુ કેસ રાજકોટમાં હતા ત્યારે કાયદાનો કોઈ પ્રકારે ઉપયોગ કર્યા વગર ડોકટરો સાથે સમજાવટથી વાત કરી હતી અને તેના સારા પરિણામો મળ્યા છે. ડોકટરો સાથે બોસીઝમથી કામ ન થઈ શકે તે લોકો રિસ્પેકટ માગતા હોય છે અને જો તે મુજબ કામ થાય તો તેના પરિણામો પણ સારા મળતા હોય છે. રાજકોટના નવા કલેકટર તરીકે અરૂણ મહેશ બાબુ બુધવારે સાંજે રાજકોટ આવી જશે અને વિધિવત રીતે ચાર્જ સંભાળી લેશે. અગાઉ નવા કલેકટર શનિવારે આવવાના હતા પરંતુ રેમ્યા મોહનને વેકિસનેશન અને કોરોનાને લગતી જે કામગીરી કરવાની છે તે જોતા સરકારે તેને તાત્કાલીક છૂટા થઈને નવી જગ્યાએ હાજર થવા જણાવ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application