શનિ-રવિ ભાવનગર શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન

  • April 16, 2021 11:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શુક્રવાર રાત્રે આઠથી સોમવાર સવારના આઠ -સાંઈઠ કલાક કોરોના કરીએ પ્રવેશબંધી

ચાલીસ જેટલા એસોસિએશને આપ્યો ટેકો: વેપારીઓએ જ નહીં લોકોએ પણ સહકાર આપવા ચેમ્બરે કરી અપીલ

 


ભાવનગર શહેરમાં ચૂંટણી અને હોળી-ધૂળેટીના પર્વ બાદ કોરોના સંક્રમણ રોકેટ ગતીએ વધ્યુ છે. ગઈકાલે પ્રથમવાર શહેરમાં નવા કેસનો આંકડો સદીને વટાવી ગયો છે અને સંક્રમણની આ ચેઈન તોડવી છે. આ પગલાના ભાગપે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શહેરનાં વિવિધ એસોસીએશનનાં સહયોગથી શનિ-રવિ બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે.

 


સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગરનાં વિવિધ વેપારી એસોસિએશન સાથે ચેમ્બર હોલ ખાતે એક મીટીંગનુ આયોજન કરવામાં આવેલ. જેમાં શહેરના વિવિધ વેપારી એસોસીએશનનાં 40 જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ. આ મીટીંગમાં ઉપસ્થિત વિવિધ એસોસિએશનનાં પ્રતિનિધિઓએ કોરોના સંક્રમણ ઘટાડવા બાબત પોતાના મંતવ્યો રજુ કરેલ. આ તમામ મંતવ્યોનો નિષ્કર્ષ એક જ હતો કે હાલમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે બે દિવસ વેપાર-ધંધા બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉન રાખવું જોઈએ. તા.30.04 પછી પરિસ્થિતિની સમીક્ષા કરી આગળનો નિર્ણય લેવામાં આવશે.

 


સૌરાષ્ટ્ર ચેમ્બરનાં પ્રમુખ કિરીટભાઈ સોનીએ જણાવેલ કે કોરોના સંક્રમણની ચેઈન તૂટે તે માટે આપણે સૌએ સજાગ પણ રહેવું પડશે. માત્ર બે દિવસ ધંધા-રોજગાર બંધ રાખવા તે પૂરતું નથી પરંતુ આ બે દિવસ દરમિયાન અત્યંત જરી હોય તો જ લોકોએ ઘરની બહાર નીકળવું જોઈએ અન્યથા ઘરમાં જ રહેવું જોઈએ. શુક્રવારે રાત્રીના 8 કલાકથી સોમવારે સવારનાં 8 કલાકનો સમય ગણીએ તો ફક્ત 60 કલાક પોતાના ઘરમાં જ રહેવાનું છે. આ રીતે સ્વયંશિસ્તનું પાલન કરવામાં આવશે તો જ કોરોના સંક્રમણની ચેઈન તૂટી શકે છે.

 


આ ઉપરાંત બે દિવસનું લોકડાઉન સફળ થાય તે માટે દરેક એસોસિએશનની કારોબારીનાં પાંચ સભ્યોએ તેમના એસોસિએશનનાં દરેક સભ્યો લોકડાઉનનું ચુસ્તરીતે પાલન કરે તેની તકેદારી રાખવી જોઈએ. બે દિવસ વેપાર ધંધા બંધ રાખી આપણે માત્ર આપણું જ હિત જોતા નથી પરંતુ આપણે એક દિવસની નફાની આવક સ્વૈચ્છિક ડોનેશન અને સમાજસેવામાં આપીએ છીએ તે હકીકતને પણ સૌએ ધ્યાનમાં લેવી જોઈએ તેમ પ્રમુખ કિરીટભાઈએ જણાવ્યું હતું. મીટીંગમાં ચેમ્બરનાં માનદ્દ મંત્રી કેતનભાઈ મહેતા, ચેમ્બરની રીટેઈલ ટ્રેડ કમિટીનાં ચેરમેન નીતિનભાઈ પટેલ અને ચેમ્બરની મેનેજીંગ કમિટીનાં સભ્યો ઉપસ્થિત રહેલ.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS