ગુણવત્તાયુકત ઉત્પાદનોની નિકાસ દ્વારા  ખેડૂતને ડોલર કમાતો કરવો છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

  • March 18, 2021 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ એગ્રીકલ્ચર,ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેકટર એમ ત્રણેય સેકટરમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટને સુદ્રઢ બનાવી ગુણવતાયુકત ખેતપેદાશો, નાના-મધ્યમ ઊદ્યોગોના ઉત્પાદનો-વેપાર-વણજના એકસપોર્ટ પર વિશેષ ધ્યાન આપી આત્મનિર્ભર ભારત સાકાર કરવામાં બેન્કીંગ સેકટરના સક્રિય સહયોગ માટે આહવાન કર્યુ છે. આપણે ખેડૂતને ડોલર કમાતો થાય એ દિશામાં આવા વેલ્યુએડીશનથી આગળ વધવું છે એમ પણ તેમણે કહ્યું હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રી એ જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે આપણી આઝાદીના શિલ્પીઓ એવા સ્વાતંત્ર્યવીરોની કલ્પનાનું સુજલામ-સુફલામ અને વિશ્વગુરૂ ભારત સુખી સમૃદ્ધ ભારત બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણ યોજનાઓમાં નાબાર્ડ જેવી ગ્રામીણ ક્ષેત્રની બેંકો સહિત રાષ્ટ્રિયકૃત બેંકો ‘‘બઢ ચઢ કર હિસ્સા લે’’તે હવેના સમયની માંગ છે. 

 


 મુખ્યમંત્રી   વિજયભાઇ રૂપાણીએ નાબાર્ડની ગુજરાત પ્રાદેશિક કચેરી આયોજિત સ્ટેટ ક્રેડીટ સેમિનારનું ગાંધીનગરમાં ઉદ્ઘાટન કર્યુ હતું. તેમણે આ અવસરે વર્ષ ર૦ર૧-રરના સ્ટેટ ફોકસ પેપરનું વિમોચન તેમજ સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડામાં શરૂ થનારા ગુજરાતના પ્રથમ નાબાર્ડ સ્પોન્સર્ડ રૂરલ બિઝનેસ ઇન્કયુબેશન સેન્ટર માટેના મંજૂરી પત્રોનું પણ વિતરણ કર્યુ હતું. મુખ્યમંત્રી એ આ અવસરે સ્પષ્ટ મત વ્યકત કર્યો કે આત્મનિર્ભર ભારત અને આર્થિક મહાસત્તા ભારતની લક્ષ્ય પૂર્તિ માટે ભારતે કમર કસી છે ત્યારે વિકાસના રોલ મોડેલ તરીકે ગુજરાતની વિશેષ જિમ્મેદારી છે. 
‘‘આપણે કૃષિ સમૃદ્ધ તો ગામડું સમૃદ્ધ, ગામડું સમૃદ્ધ તો શહેર સમૃદ્ધ, અને શહેર સમૃદ્ધ તો રોજગારી, આર્થિક ગતિવિધિઓ સમૃદ્ધ એવા ધ્યેય સાથે પારદર્શી, નિર્ણાયક અને ઝડપી નિર્ણયો સાથે યોજનાઓ બનાવી રહ્યા છીએ તેમાં બેંકો માત્ર ક્રિયાકર્મ તરીકેની ઔપચારિકતાથી જોડાય તે પર્યાપ્ત નથી’’ એમ તેમણે બેંકોને ખેડૂતો, MSME, નાના વેપારીઓને સરળતાએ ધિરાણ-સહાય મંજૂર કરવાની તાકીદ કરતાં ઉમેર્યુ હતું. 

 


તેમણે ખાસ કરીને કૃષિ ક્ષેત્ર મહત્તમ ગ્રામીણ રોજગારી આપતું ક્ષેત્ર છે ત્યારે વધુ ને વધુ રોજગાર સર્જન આ ક્ષેત્રમાં થાય તે દિશામાં ધિરાણ-સહાય માટેની પણ તાકિદ કરી હતી.  મુખ્યમંત્રી એ આવનારા દિવસોમાં ભારતના ગ્રોથ એન્જીન તરીકે ગુજરાતના મહત્વપૂર્ણ પ્રદાનને વ્યાપક બનાવવા કૃષિ, ઊદ્યોગ, સેવા સેકટરમાં બેલેન્સથી ૩૬૦ ડિગ્રી ચેન્જ દ્વારા બેંકોના સરકારને સક્રિય યોગદાન-સહયોગથી સાથે મળીને કાર્યરત થવા પણ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી એ કહ્યું કે, પ્રધાનમંત્રી   નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસનો જે સુદ્રઢ પાયો નાંખ્યો છે તેને હવે આ સરકાર ત્વરિત-ફટાફટ અને વ્યાપક જનહિત નિર્ણયોથી ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવા પ્રતિબદ્ધ છે. 

 


વિજયભાઇ રૂપાણીએ રાજ્યના કૃષિ, ઊદ્યોગ, સેવા સહિતના ક્ષેત્રોના સર્વગ્રાહી અને સાતત્યપૂર્ણ-સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ મજબુત થાય તેની આવશ્યકતા પર ભાર મુકયો હતો.  આ અંગે તેમણે કહ્યું કે, રિન્યુએબલ એનર્જી, સાત પગલાં ખેડૂત કલ્યાણના, કિસાન સૂર્યોદય યોજના, સૌની યોજના, ડ્રીપ ઇરીગેશન, પ્રાકૃતિક અને જૈવિક એવી ઝિરો બજેટ ખેતી તેમજ પાણીદાર ગુજરાત, પાણીના દુ:કાળથી મુકત વોટર સરપ્લસ ગુજરાત બનાવવાની સરકારની સફળત્તમ અનેક યોજનાઓ, ઇન્ડસ્ટ્રીયલ પોલીસી, મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના જેવી મહત્વપૂર્ણ યોજનામાં બેંકો સરકાર સાથે તાલ મિલાવીને ચાલે, ઝડપથી નિર્ણય લે તે સમયની માંગ છે.  મુખ્યમંત્રી એ ઉમેર્યુ કે, લોકોની અપેક્ષા-આકાંક્ષા પૂર્ણ કરવા ત્વરિત-ફટાફટ જનહિત નિર્ણયો લઇને આ સરકાર કાર્યરત છે. 
  

 

 મુખ્યમંત્રી એ રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતી પછી સર્જાયેલા આર્થિક માહોલમાં લોન-ધિરાણ સહાય માટે સહકારી બેંકોએ જે ઉત્સાહ દાખવ્યો છે તેવી જ રીતે રાષ્ટ્રિયકૃત બેંકો પણ જોડાય અને સમયની માંગને અનુસરે તેવું દાયિત્વ અદા કરવા અપિલ કરી હતી. વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આ સરકાર પોલીસી ડ્રિવન સ્ટેટના આધાર પર ખેડૂત, ગામડું, MSME, ઊદ્યોગ સેવા સેકટરના વિકાસ માટે આગળ વધી છે. જરૂર જણાય ત્યાં કાયદા-પોલિસીમાં રિફોર્મ્સ  કર્યા છે.  મુખ્યમંત્રી એ ખેડૂતોની વધુ સમૃદ્ધિ માટે રાજ્યમાં ૧ હજાર FPO ઊભા કરવામાં તેમજ પ્રત્યેક જિલ્લાની આગવી ઓળખ થાય, આર્થિક પછાત જિલ્લા સમૃદ્ધ બને તે માટેની યોજનાઓમાં નાબાર્ડ અને બેંકોના સહયોગની અપેક્ષા વ્યકત કરી હતી. 

 


  કૃષિ મંત્રી   આર. સી. ફળદુએ રાજ્યમાં પાક વીમા સહાય, શૂન્ય ટકા વ્યાજે ધિરાણ, ગોડાઉન સહાય ઉપરાંત ટેકાના ભાવે ખરીદી વગેરેમાં મુખ્યમંત્રી   વિજયભાઇ રૂપાણીના સંવેદનશીલ અભિગમથી ખેડૂતોની આવક ર૦રર સુધીમાં બમણી કરવાનો નિર્ધાર પાર પડશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. કૃષિ મંત્રી એ નાબાર્ડના સ્ટેટ ફોકસ પેપરમાં પ્રાયોરિટી સેકટર માટે ર લાખ ર૪ હજાર કરોડના પોટેન્શીયલ પ્રોજેકટશન માટે આભાર વ્યકત કર્યો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાના પ્રાદેશિક નિયામક   પાણિગ્રહી, નાબાર્ડના ચીફ જનરલ મેનેજર   મિશ્રાએ ગુજરાતમાં કૃષિ, MSME, સૌની યોજનામાં ધિરાણ-સહાય અને ૩૮,પ૦૦ કરોડનું કુલ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું થયું છે તે અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ છે તેનો આનંદ પ્રાસંગિક સંબોધનમાં વ્યકત કર્યો હતો. આ સેમિનારમાં કૃષિ રાજ્યમંત્રી   જયદ્રથસિંહ પરમાર, નાણાંના અધિક મુખ્ય સચિવ   પંકજ જોષી, વિવિધ રાષ્ટ્રિયકૃત બેંકોના મહાપ્રબંધકો તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સચિવો પણ સહભાગી થયા હતા.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS