પુરવઠા મંત્રી જયેશ રાદડિયાનો લૂલો બચાવ તેલના ભાવ કોરોનાના કારણે વધ્યાં

  • March 04, 2021 04:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કપાસ અને મગફળીની મબલખ આવક છતાં સિંગતેલ સહિતના તમામ પ્રકારના ખાદ્યતેલોના ભાવમાં એક વર્ષમાં 600 થી 700 રૂપિયાનો વધારો થયો છે છતાં રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ એવો લૂલો બચાવ કર્યો છે કે કોરોના સંક્રમણના કારણે ખાદ્યતેલના ભાવ વધી રહ્યાં છે. હકીકતમાં વેપારીઓની સંગ્રહાખોરીના કારણે જનતા મોંઘવારીના ખપ્પરમાં હોમાઇ છે.

 

 

રાજ્ય વિધાનસભામાં કપાસિયા અને સિંગતેલના આપવામાં આવેલા આંકડા પ્રમાણે જાન્યુઆરી 2020માં કપાસિયા તેલનો ભાવ પ્રતિ કિલોગ્રામ 87 અને સિંગતેલનો ભાવ 107 રૂપિયા હતો. વર્ષના આખરે એટલે કે ડિસેમ્બર 2020માં કપાસિયા તેલનો પ્રતિ કિલોગ્રામ 104 અને સિંગતેલનો ભાવ 149 રૂપિયા થયો છે. એવી જ રીતે જાન્યુઆરી 2020માં કપાસિયા તેલનો 15 કિલોગ્રામનો ડબ્બો 1263 રૂપિયે મળતો હતો અને સિંગતેલનો ડબ્બો 1555 રૂપિયે મળતો હતો જેનો ભાવ ડિસેમ્બર 2020માં અનુક્રમે 1512 અને 2171 રૂપિયા થયો છે. આજે આ તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે છતાં પુરવઠા વિભાગ કોઇ પગલાં લેતું નથી.

 

 

પુરવઠા વિભાગ કહે છે કે સિંગતેલ અને કપાસિયા તેવના ભાવોને અંકુશમાં લેવા માટે ભારત સરકાર દ્વારા જરૂરી પરિપત્રો કરવામાં આવે છે. એટલે કે સરકાર માત્ર પરિપત્રો કરે છે પરંતુ સંગ્રહાખોરોને છાવરી રહી છે. પુરવઠા મંત્રી એવું કહે છે કે રાજ્યમાં 2020માં વૈશ્વિક ગંભીર મહામારી કોરોનાની અસરોના કારણે એપ્રિલ 2020થી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો જોવા મળે છે.

 

 

બીજી તરફ રાજ્યના કૃષિ વિભાગના આંકડા છે કે ગયા વર્ષ કરતાં 2020ના વર્ષમાં રાજ્યમાં મગફળી અને કપાસિયાનું વિક્રમસર્જક ઉત્પાદન થયું છે. મગફળી અને કપાસનો પુરતો જથ્થો હોવા છતાં ખાદ્યતેલોના ભાવમાં વધારો એ સાબિત કરે છે કે વેપારીઓ ખાદ્યતેલની સંગ્રહાખોરી કરી રહ્યાં છે છતાં સરકાર તેમની સામે કોઇ પગલાં લઇ શકતી નથી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS