સુરેન્દ્રનગરના પોલીસ કર્મયોગી ખરા અર્થમાં પ્રજાના મિત્ર બન્યા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને ફેલાતી અટકાવવાના ભાગરૂપે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવા સમયે લોકોની સુરક્ષાને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ તેમની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૦ પોલીસ સ્ટેશન, ૧૭ આઉટકોસ્ટ અને ૯ કાયમી ચેકપોસ્ટ આવેલી છે. ત્યારે નોવેલ કોરોના વાયરસને ફેલાતો અટકાવવાના જાહેર કરાયેલા લોકડાઉનના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ દ્વારા આંતર જિલ્લામાંથી આવતા વાહનોના ચેકીંગની સાથે  લોકડાઉનનો પણ સ્વેચ્છાએ અમલ થઈ શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ નવા ૭૬ ચેક પોઈન્ટ ઉભા કરી વાહનોના સઘન ચકીંગની સાથે  સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આ મહામારીની કપરી પરિસ્થિતિનો સામનો કરી લોકોને કોરોના વાયરસનો ભોગ બનતા અટકાવી શકાય માટે સુરેન્દ્રનગર જિલ્લામાં ૫ ડિ.વાય.એસ.પી, ૮ પીઆઈ, ૩૦ પીએસઆઈ અને ૬૮૨ પોલીસકર્મીઓ તથા ૭૫ જીઆરડી હોમગાર્ડના જવાનો સતત કાર્યરત છે. આ પોલીસ ટીમ દ્વારા પોલીસ સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા સમયાંતરે  લોકજાગૃતિ સાથે જરૂરી સૂચનાઓની પોસ્ટ કરી લોકોને જાગૃત કરવામાં આવી રહયા  છે, તેમજ જાહેર જનતાને રિક્ષા અને લાઉડ સ્પીકરના માધ્યમ થકી સોશિયલ ડિસ્ટન્સીંગ એટલે કે, સામાજિક અંતર જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બિનજરૂરી લોકોના ટોળા કે ભીડ એકઠી ન થાય અને આવી કપરી પરિસ્થિતિમાં કોઈ પણ જાતનો ભય  ન ફેલાય માટે જિલ્લાની પોલીસ ટીમ દ્વારા સીસીટીવી કમાન્ડ કંટ્રોલ રૂમ (નેત્રમ) દ્વારા ૨૪ કલાક નજર રાખવામાં આવી રહી છે. જેના ફળસ્વરૂપે  જિલ્લામાં અત્યાર સુધીમાં અલગ-અલગ જાહેરનામાંના ભંગ બદલ કુલ ૩૦ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.


આ કપરા સમયમાં જિલ્લાના ગરીબ પરિવારો-ભિક્ષુકો ભૂખ્યા ન સૂવે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ-અલગ સ્થળોએ પોલીસ દ્વારા સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ભિક્ષુકો અને ગરીબો માટે ફુડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જિલ્લા આરોગ્ય વિભાગ સાથે મળીને જિલ્લાના પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા હોમ ક્વોરેન્ટાઈન લોકોની વિઝીટ કરી તેમને જરૂરી તકેદારીની સૂચનાઓ આપવાની સહરાનીય કામગીરી પણ કરવામાં આવી રહી છે, તેમજ લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તો મળી રહે તે માટે આવી મહામારીના સમયે પણ પોતાની દૂકાનો ખુલ્લી રાખી લોકોને સગવડ પુરી પાડતા વેપારીઓને પણ જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા પોતાનું સ્વાસ્થ્ય જાળવાય માટે દુકાને આવતા ગ્રાહકો સાથે પણ સામાજિક અંતર જળવાય તેનું ધ્યાન રાખવા સમજણ આપવામાં આવી છે. આ ઉપરાંત શાક માર્કેટમાં પણ લોકોની ભીડને ધ્યાને લઈ પોલીસ વિભાગ દ્વારા શાક માર્કેટમાં શાક વેચવા બેસતા લોકોને સોસાયટીમાં જઈ શાક વેચવા સમજૂત  કરવામાં આવ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં  પણ દેશ, રાજ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ ૨૪ કલાક સતત ખડેપગે રહી લોકોના આરોગ્યની  ચિંતા કરી  કટીબધ્ધતા સાથે કામ કરી રહી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS