ગુજરાતમાં એન્ટીજન નહીં, RTPCR ટેસ્ટ કરો: કેન્દ્ર

  • March 30, 2021 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના પાર્ટ-2માં જો ધ્યાન રાખવામાં નહીં આવે તો મહારાષ્ટ્ર જેવી હાલત થવાની દહેશત, એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુટ પર વધતું જોખમ



ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યાં છે ત્યારે આરોગ્યની ગાઇડલાઇન પર ધ્યાન નહીં આપવામાં આવે તો રાજ્ય બીજું મહારાષ્ટ્ર બની જશે તેવી દહેશત આરોગ્યના ઉચ્ચ અધિકારીએ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે સોશ્યલ ડિસ્ટન્સીંગ તેમજ માસ્કનું પાલન ગુજરાતમાં બરાબર થતું નથી. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે પણ રાજ્ય સરકારને આડે હાથ લીધી છે. કેન્દ્રએ કોરોના ટેસ્ટ બાબતે ગુજરાતને ટકોર કરી નવો આદેશ કર્યો છે.

 


કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્ય સરકારને પત્ર લખી એવું કહ્યું છે કે રેપિડ ટેસ્ટની જગ્યાએ આરટી પીસીઆર ટેસ્ટ થવા જોઇએ. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત સૌધી વધુ રેપિડ ટેસ્ટ કરે છે જે અયોગ્ય છે. કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે આરટી પીસીઆર ટેસ્ટ થવા જોઇએ. હાલના સંક્રમણને ધ્યાને લઇને સરકારે 70 ટકાથી વધારે આરટી પીસીઆર ટેસ્ટ કરવા જોઇએ.

 


કેન્દ્રએ પત્રમાં નોંધ્યું છે કે કોરોના માટે એન્ટીજન ટેસ્ટ સંપૂર્ણ અકસીર નથી. લક્ષણો હોવા છતાં મોટાભાગના કિસ્સામાં એન્ટીજન ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ આવે છે. કેન્દ્રની આ સૂચના પછી આરોગ્ય વિભાગમાં તપાસ કરતાં જોવામાં આવ્યું છે કે રાજ્યમાં ખાસ કરીને નાના અને મોટા શહેરોમાં એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે અને તેના આધારે દર્દીને સારવાર અપાય છે પરંતુ આરટી પીસીઆર ટેસ્ટ કરવો જરૂરી છે.

 


મહત્વની બાબત એવી છે કે એન્ટીજન ટેસ્ટનો ડેટા કેન્દ્રના પોર્ટલમાં અપલોડ થતો નથી તેથી સંક્રમણના ચોક્કસ આંકડા સામે આવતા નથી. ગુજરાતના આરોગ્ય પોર્ટલ પર ટેસ્ટના આંકડા આપવામાં આવે છે પરંતુ આરટી પીસીઆર તેમજ એન્ટીજન ટેસ્ટનું પ્રમાણ કેટલું છે તેની વિગતો આપવામાં આવતી નથી. અમદાવાદમાં જ્યારે એઇમ્સના ડાયરેક્ટર આવ્યા હતા ત્યારે પણ તેમણે સૂચન કર્યું હતું કે રાજ્યમાં વધુને વધુ ટેસ્ટ આરટી પીસીઆર થવા જોઇએ પરંતુ તે સૂચનાનું પાલન થયું નથી.

 


ગુજરાતમાં પ્રતિદિન કોરોના કેસ વધતા જાય છે. એક્ટિવ કેસનો આંકડો 10 હજાર કરતાં પણ વધી ગયો છે. રોજના એવરેજ 2100 થી 2200 કેસો સામે આવી રહ્યાં છે અને આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજી પણ કેસોનું પ્રમાણ વધી શકે છે ત્યારે નાગરિકોના આરટી પીસીઆર ટેસ્ટ થવા હિતાવહ છે. ગુજરાતમાં અત્યારે એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુટમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યાં છે જેમાં આઇઆઇએમ અને આઇઆઇટી પણ બાકાત નથી ત્યારે શિક્ષણ વિભાગે પણ સાવચેતી રાખવાની જરૂર ઉભી થઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS