મ્યુનિ.કમિશનરના બજેટનો ઝૂકાવ પચ્છિમ તરફ, પૂર્વ ઝોનને ઠેંગો

  • March 15, 2021 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રતિ વર્ષ મ્યુનિ.કમિશનર કરબોજ ઝીંકે અને શાસકો ફગાવીને જશ મેળવતા હતા: હવે કમિશનરે કરબોજ વિહોણું અને તદ્ન વાસ્તવિક કહી શકાય તેવું સ્માર્ટ બજેટ રજૂ કરતાં શાસકોની બુધ્ધિની પરીક્ષા થશે: કમિશનરના ‘બ્લેક એન્ડ વ્હાઇટ’ બજેટમાં શાસકો કેવા રાજ રંગ પુરશે તે જોવું રહ્યું

 


રાજકોટ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે આજે રજૂ કરેલા આગામી નાણાકિય વર્ષ 2021-22ના બજેટને જોતાં પ્રથમ દર્શનિય રીતે જ સુવિધાલક્ષી પ્રોજેકટ્સનો ઝૂકાવ પશ્ર્ચિમ રાજકોટ તરફ જોવા મળ્યો છે. સ્માર્ટ સિટિ પ્રોજેકટ તો પશ્ર્ચિમ રાજકોટમાં જ છે, તદ્ઉપરાંત નવા ભળેલા પાંચ ગામો પણ પચ્છિમ રાજકોટમાં છે, આથી વિશેષ સુવિધાઓ પશ્ર્ચિમ રાજકોટ વિસ્તારને મળી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. બીજી બાજુ પૂર્વ ઝોન તરફના વિસ્તારોને તેમજ દક્ષિણ રાજકોટ હેઠળના વિસ્તારોને પશ્ર્ચિમ રાજકોટની તુલનાએ ઓછી સુવિધાની ફાળવણી થઇ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. તાજેતરમાં જ મહાપાલિકાના નવા પદાધિકારીઓની વરણીમાં પણ પૂર્વ રાજકોટને એકપણ પદ આપવામાં આવ્યું ન હતું. જયારે આજે રજૂ થયેલા બજેટમાં પણ સુવિધાલક્ષી ઝૂકાવ મુખ્યમંત્રીના મત વિસ્તાર પશ્ર્ચિમ રાજકોટ તરફ જ રહ્યો હોય તેવું સ્પષ્ટ થયું છે.

 


તદ્ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ બાબત એવી પણ છે કે, દર વર્ષે મ્યુનિ. કમિશનર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજૂ કરે તેમાં નવા કરવેરા તેમજ હૈયાત કરવેરા દરમાં વધારો સૂચવી કરબોજ સાથેનું બજેટ આપતા હોય છે, પરંતુ આ વખતે મ્યુનિ. કમિશનરે નથી તો કરવેરાના દરમાં વધારો કર્યો કે નથી તો નવા કરવેરા નાખ્યા આથી શાસકોને કરવેરા ઘટાડીને કે દૂર કરીને જશ ખાટવાની તક મળે તેમ નથી. એકંદરે તદ્ન વાસ્તવિક અને કરબોજ વિહોણું તેમજ કાલ્પનિક યોજનાઓ વિહોણું બજેટ કમિશનરે આપ્યું છે. મ્યુનિ. કમિશનરે સાકાર થઇ શકે તેવી અને ખૂબજ માઇક્રો લેવલની તેમજ કોમનમેનને સ્પર્શે તેવી નાની નાની યોજનાઓ મુકી છે જે ખરેખર લોકભોગ્ય બને તેવી છે. કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીને બ્લેક એન્ડ વ્હાઇટ બજેટ સુપરત કરી દીધું છે ત્યારે હવે શાસકો તેમાં યોજનાઓના કેવા રાજકિય રંગ પૂરે છે તે જોવાનું રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS