કોરોનાના નવા કેસમાં ઘટાડો, પણ મૃત્યુનો આંકડો ચિંતાજનક

  • April 27, 2021 09:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં 24 કલાકમાં 3.23 લાખ નવા દર્દી અને 2771નાં મોતદેશમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. રોજેરોજ 3 લાખથી ઉપર કેસ નોંધાઈ રહ્યા છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. જો કે આજે દૈનિક કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. જે રાહતની વાત કહી શકાય. આમ છતાં કેસ 3 લાખની ઉપર નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 3.23 લાખથી વધુ દર્દીઓ નોંધાયા છે. એક જ દિવસમાં 2770થી વધુ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં કોરોનાની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે.

 


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,23,144 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,76,36,307 પર પહોંચ્યો છે. જેમાંથી 1,45,56,209 દર્દીઓ રિકવર થયા છે. જ્યારે દેશમાં હજુ પણ 28,82,204 દર્દીઓ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 2771 દર્દીઓનો ભોગ લીધો. આ સાથે કુલ મૃત્યુઆંક 1,97,894 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કુલ 14,52,71,186 લોકોને રસી આપવામાં આવી છે.

 


આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 14340 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 7727 દર્દીઓ રિકવર થયા છે. એક જ દિવસમાં નવા 158 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ 5679 અમદાવાદમાં નોંધાયા છે જ્યારે સુરતમાં 1876 દર્દીઓ નોંધાયા છે.

 


કોરોનાની બીજી લહેરમાં દેશની રાજધાની દિલ્હીની હાલત ગંભીર છે. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોના વાયરસના નવા 20201 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં 380 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 92358 છે. જ્યારે કુલ કેસનો આંકડો 10,47,916 પર પહોંચ્યો છે. નવા કેસનો આંકડો ભલે ઓછો જોવા મળ્યો હોય પરંતુ તેની પાછળ રવિવારે થયેલા ઓછા ટેસ્ટિંગની અસર પણ હોઈ શકે છે. આમ છતાં મોતની સંખ્યા અને પોઝિટિવિટી રેટ ચિંતાજનક છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 35 ટકાથી વધુ રહ્યો છે.

 

 

મહારાષ્ટ્રમાં કોરોનાની ગતિ પર લાગી બ્રેક, કેસમાં થયો ઘટાડો
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ઓછા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 48700 જ્યારે મુંબઈમાં માત્ર 3792 કેસ સામે આવ્યા છે. પરંતુ મૃત્યુઆંકમાં ઘટાડો થઈ રહ્યો નથી. રાજ્યમાં એક દિવસમાં 524 લોકોના મોત થયા છે. આ વચ્ચે એક વરિષ્ઠ સ્વાસ્થ્ય નિષ્ણાંતે કહ્યુ કે, બની શકે કે મુંબઈમાં કોરોના મહામારીની સ્થિતિમાં સુધાર થઈ રહ્યો છે. સોમવારે સંક્રમણના 41,000 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં 3792 લોકો પોઝિટિવ મળ્યા છે.

 


મહારાષ્ટ્ર કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. શશાંક જોશીએ કહ્યુ કે, મુંબઈમાં કોવિડ-19ની સ્થિતિમાં સુધાર આકારણી, તપાસ અને સંચાલનની જે રણનીતિ અપ્નાવવામાં આવી છે, તેના કારણે આવ્યો છે. તેમણે ટ્વીટ કરી કહ્યુ- મુંબઈમાં 41 હજાર ટેસ્ટ પર 3792 કેસ સામે આવ્યા, સ્પષ્ટ રૂપથી અમને આકરણી, તપાસ અને મેનેજમેન્ટની રણનીતિથી સફળતા મળી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS