રાજકોટમાં મહિલાઓમાં કોરોનાનું પ્રમાણ વધ્યું

  • April 11, 2021 02:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કોરોનાના દર્દીઓમાં મહિલાઓનું પ્રમાણ વધ્યું હોવાનું જાણવા મળે છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની સરખામણીએ શહેર વિસ્તારમાં મહિલાઓ વધુ સંક્રમિત થઈ રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજકોટમાં ગત વર્ષમાં જ્યારે કોરોનાની પ્રથમ લહેર આવી હતી તેમાં મહિલા દર્દીઓની સંખ્યા ઓછી હતી પરંતુ તાજેતરમાં માર્ચ-2021ના પ્રારંભથી શ થયેલી બીજી લહેરમાં મહિલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો હોવાનો ખાનગી તબીબી વર્તુળોનો મત છે. જો કે મહિલા દર્દીઓની સંખ્યા વધવાનું એક કારણ એ પણ છે કે, મહાનગરપાલિકાએ ટેસ્ટનું પ્રમાણ ખુબ વધાર્યું છે જેના લીધે હવે મહિલાઓ અને યુવતીઓ પણ ટેસ્ટ કરાવવા માટે આવવા લાગી છે.

 


વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ શહેરમાં ગ્રામ્ય વિસ્તારોની સરખામણીએ વર્કિંગ વિમેનની સંખ્યા વધુ હોય સ્વાભાવિક રીતે જ ગ્રામ્ય કરતાં શહેરી વિસ્તારોમાં મહિલા દર્દીઓની સંખ્યા વધુ જોવા મળે છે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં ઘરના શાકભાજી, અનાજ-કિરાણા, ફળફળાદી વિગેરેની ખરીદી માટે પણ મહિલાઓને જ બજારમાં જવાનું વધુ થતું હોય તે બાબત પણ મહિલા દર્દીઓની સંખ્યા વધવા માટેનું એક મહત્વનું પરિબળ ગણી શકાય. જો કે મહિલાઓના જ વધુ કેસ આવે છે તેવું પણ નથી. અનેક કિસ્સાઓમાં પતિ-પત્ની બન્ને સંક્રમિત હોય છે તો અનેક કિસ્સાઓમાં પુરેપુરો પરિવાર સંક્રમિત હોય છે. જો શકય હોય ત્યાં સુધી ઘર બહાર નીકળવાનું ટાળવામાં આવે તો સંક્રમિત થતા બચી શકાય છે.

 

 

મહિલાઓમાં વધુ કે પુરુષોમાં વધુ તેનું વિશ્ર્લેષણ કર્યું નથી !
મહાપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર ડો.લલિત વાંઝાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં મહિલાઓ વધુ છે કે પુરુષો વધુ છે અથવા તો કયા વયજૂથના દર્દીઓ વધુ છે તેવું વિશ્ર્લેષણ હજુ સુધી કર્યું નથી. દરેક પ્રકારના દર્દીઓ આવી રહ્યા છે અને આબાલ વૃધ્ધ સહિત સૌ કોઈ સંક્રમિત હોઈ શકે છે. હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું હોય હાલમાં ફકત ટેસ્ટ વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી વખતો વખત મળતી ગાઈડલાઈનનું પાલન કરાવવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત છે. ટેસ્ટ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. માસ્ક પહેરી રાખવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને સાબુ કે સેનેટાઈઝરથી હાથ સાફ કરતા રહેવાથી સંક્રમણથી બચી શકાય છે.

 


મહિલાઓ પરિવારના જ પુરુષ સભ્યોથી સંક્રમિત થતી હોય શકે
મહાપાલિકાના ડેપ્યુટી ચીફ હેલ્થ ઓફિસર ડો.પંકજ રાઠોડનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, અમુક અંશે મહિલાઓમાં કોરોનાનું પ્રમાણ વધ્યું છે પરંતુ તે પ્રમાણ વધવાનું કોઈ ચોકકસ કારણ ન હોઈ શકે. મોટાભાગે મહિલાઓ પરિવારના જ પુરુષ સભ્યોથી સંક્રમિત થતી હોય તેવું બને છે. સૌપ્રથમ પતિને પોઝિટિવ આવે તેના થોડા દિવસોમાં પત્નીને પણ કોરોના પોઝિટિવ આવે તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. કયારેક પતિ-પત્ની બન્ને એકસાથે પોઝિટિવ આવે તેવું બને છે. કયારેક પરિવારના વડિલ મહિલા સભ્યો કે જે કયાંય બહાર જતા ન હોય છતા સંક્રમિત થાય છે.

 

 

સંક્રમિતોમાં ગૃહિણીઓ તેમજ વકિર્ંગ વિમેનનો રેશિયો સમાન
મહાપાલિકાની આરોગ્ય શાખાના ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરતાં આરોગ્ય શાખાના કર્મચારીઓમાંથી પ્રાપ્ત માહિતી મુજબ જે મહિલા દર્દીઓ પોઝિટિવ આવી રહ્યા છે તેમાં હવે ગૃહિણીઓ તેમજ વર્કિંગ વિમેનનો રેશિયો લગભગ સમાન જોવા મળી રહ્યો છે. વર્કિંગ વિમેનને ઘર ઉપરાંત ઓફિસની કામગીરી પણ કરવાની રહેતી હોય અને બહાર આવવા-જવાનું વધુ રહેતું હોય તેથી તેને સંક્રમિત થવાના ચાન્સ વધી જતાં હોય છે પરંતુ હવે એવું પણ રહ્યું નથી કે ગૃહિણીઓ પણ સમાંતર રીતે કોરોના પોઝિટિવ આવી રહી છે.

 


મહાનગરપાલિકા મહિલાઓ માટે અલાયદા ટેસ્ટ બૂથ શરૂ કરાવે
મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના ત્રણ ઝોન અને 18 વોર્ડના તમામ આરોગ્ય કેન્દ્રોમાં વિનામૂલ્યે કોરોના એન્ટિજન ટેસ્ટ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. તદ્ ઉપરાંત શહેરમાં 9 સ્થળોએ જાહેર ટેસ્ટ બૂથ શ કરવામાં આવ્યા છે આશ્ર્ચર્યજનક બાબત એ છે કે દરેક સ્થળોએ મહિલાઓ અને યુવતીઓએ પુરુષો સાથે લાઈનમાં ઉભા રહીને કોરોના ટેસ્ટ કરાવવો પડે છે. યુવતીઓ, ગૃહિણીઓ, પરિવારના વડિલ-વયોવૃધ્ધ મહિલાઓને પણ લાઈનમાં ઉભા રહેવા ફરજ પડે છે. કોરોના ટેસ્ટ માટે મહિલાઓ માટે અલાયદા બૂથ બનાવવા જરી છે અથવા તો દરેક બૂથ પર મહિલાઓ અને પુરુષોની અલગ લાઈન થવી જોઈએ. ખાસ કરીને વયોવૃધ્ધ મહિલાઓને ટેસ્ટમાં પ્રાયોરિટી આપવી જોઈએ. આવી બાબતોની તંત્ર તકેદારી લે તે સમયની માગ છે. ટેસ્ટ કિટ કે સ્ટાફની અછત નથી પરંતુ આવી સામાન્ય બાબતોની કાળજીની ઉણપ ઉડીને આંખે વળગે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS