રાજકોટમાં એક વર્ષમાં ૧૬૦૦૦ કેસ પછી બે માસમાં ૧૪૦૦૦ કેસ

  • April 25, 2021 03:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા હદ વિસ્તારમાં આજે બપોરની સ્થિતિએ કોરોનાના કુલ કેસની સંખ્યા ૩૦,૧૬૭ થઈ છે. કોરોનાની બીજી લહેર વધુ તીવ્ર અને ઘાતક સાબીત થઈ છે. મહાપાલિકા તત્રં કોરોનાની બીજી લહેરને રોકવામાં સદંતર ટૂંકું પડયું છે.

 

 

રાજકોટ મહાનગરમાં ગત તા.૧૯ માર્ચના રોજ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૬માં કોઠારિયા રોડ પર આવેલા જંગલેશ્ર્વર વિસ્તારમાંથી કોરોનાનો પ્રથમ કેસ મળ્યો હતો. માર્ચ–૨૦૨૦થી માર્ચ–૨૦૨૧ સુધી શહેરમાં કોરોનાના કેસની કુલ સંખ્યા ૧૬૦૦૦ થઈ હતી મતલબ કે ૧૨ મહિનામાં ૧૬૦૦૦ કેસ મળ્યા હતા. યારે મહાપાલિકાની ફેબ્રુઆરી–૨૦૨૧માં યોજાયેલી ચૂંટણી બાદ કોરોનાની બીજી લહેર શરૂ થઈ હતી જેમાં માર્ચ અને એપ્રિલ એમ બે મહિનામાં જ ૧૪૦૦૦ કેસ મળ્યા છે ! જો કે, કેસના આ આંકડા તંત્રવાહકોએ સત્તાવાર જાહેર કરેલા આંકડા છે જેની સરખામણીએ વાસ્તવિક કેસોની સંખ્યા પાંચગણી વધુ હોવાનું ખાનગી તબીબી વર્તુળો જણાવી રહ્યા છે.

 

 


રાજકોટ શહેરમાં કોરોના દિવસે દિવસે બિહામણો બની રહ્યો છે અને નાગરિકો દિવસે દિવસે દયામણા બની રહ્યા છે. ટેસ્ટ કરાવવા માટે લાઈનો છે, પોઝિટિવ આવે તો દવાખાનામાં દાખલ થવા માટે લાઈનો છે, આરટીપીસીઆ ટેસ્ટ કરાવવો હોય તો ૪૮થી ૭૨ કલાકનું વેઈટિંગ છે. એન્ટિજન ટેસ્ટ કરાવવો હોય તો ૩થી ૪ કલાક ઉભા રહેવું પડે છે. રેમડેસિવીર ઈન્જેકશન જોઈતું હોય તો દર્દીના પરિવારજનોને ધોળા દિવસે તારા દેખાઈ જાય છે.

 

 

ખાનગી હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલ હાઉસફલ છે. ભૂતકાળમાં કયારેય ન જોયું હોય તેવું મોતનું તાંડવ રાજકોટવાસીઓ નિહાળી રહ્યા છે. સ્મશાનો અને શબવાહિનીઓ ઓછી પડતાં આજુબાજુના ગામોના સ્મશાનનો કબજો મહાપાલિકાએ સંભાળ્યો છે. હાલમાં રાજકોટમાં મૃત્યુ પામતા નાગરિકો માટે ૧૮ સ્મશાનો અને ૧૮ શબવાહિનીઓ કાર્યરત કરવી પડી છે. કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓને અંતિમવિધિ માટે મૃતદેહ મેળવવામાં પણ ૨૪થી ૪૮ કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે. મૃતદેહ મળ્યા બાદ સ્મશાનમાં પણ વેઈટિંગમાં રહેવું પડે છે ! એકંદરે કોરોનાની બીજી લહેર એ રાજકોટ મહાપાલિકા તંત્રને હચમચાવીને રાખી દીધું છે.

 

 

સમગ્ર શહેર શોકના મોજામાં ગરકાવ થઈ ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી છે. સર્વત્ર એક જ સવાલ ઉઠી રહ્યો છે કે હવે કોરોના કયારે જશે ? પરંતુ આ સવાલનો જવાબ કોઈ પાસે નથી. મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં હવે વારંવાર દવાઓ ખૂટી જવાના બનાવો બનવા લાગ્યા છે. એન્ટિજન ટેસ્ટ કિટ પણ વારંવાર ખલાસ થઈ જાય છે. આ એક અભૂતપૂર્વ સ્થિતિ છે અને શહેરીજનો તેની પીડા વેઠી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
<