રાજકોટમાં અષાઢી અઢી ઈંચ મોસમનો કુલ વરસાદ ૧૧.૫ ઈંચ

  • July 12, 2021 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં અસહ્ય બફારા વચ્ચે અષાઢી મેઘસવારી આવી પહોંચી હતી અને અઢી ઈંચ પાણી વરસી જતાં રંગીલા રાજકોટવાસીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. અઢી ઈંચ વરસાદ વરસતા આ સાથે શહેરનો મોસમનો કુલ વરસાદ ૧૧.૫ ઈંચ થયો છે. ગત સાંજે ૨ કલાકમાં ધોધમાર ૨ ઈંચ પાણી વરસતા શહેરમાં ચોમેર પાણી–પાણી થઈ ગયું હતું અને નિર્મલા રોડ તેમજ ટાગોર રોડ સહિતના બે વિસ્તારમાં બે વૃક્ષો ધરાશાયી થયા હતા.

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઝોન હેઠળના જૂના રાજકોટ વિસ્તારમાં ૬૧ મીમી વરસાદ વરસ્યો હતો અને આ સાથે જ મોસમનો કુલ વરસાદ ૨૯૯ મીમી થયો હતો. વેસ્ટ ઝોન હેઠળના ન્યુ રાજકોટ વિસ્તારમાં ૫૦ મીમી વરસાદ વરસ્યો હતો અને મોસમનો કુલ વરસાદ ૨૭૦ મીમી થયો હતો. યારે ઈસ્ટ ઝોન હેઠળના ઉપલાકાંઠા વિસ્તારમાં ૩૩ મીમી વરસાદ વરસ્યો હતો અને મોસમનો કુલ વરસાદ ૨૧૬ મીમી થયો હતો. શહેરમાં ધોધમાર વરસાદ વરસતા ટાગોર માર્ગ પર એસ્ટ્રોન ચોકના બગીચા પાસે તેમજ નિર્મલા રોડ પર વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા જે દૂર કરાવવા ગાર્ડન શાખાએ કાર્યવાહી હાથ ધરી હતી. બીજીબાજુ મહાપાલિકાએ ચોમાસાના પ્રારંભે પાણી ભરાયાની ફરિયાદોના નિકાલ માટે યુબિલી કન્ટ્રોલરૂમના જે ફોન નંબર જાહેર કર્યા હતા તે ઠપ્પ થઈ જતાં દેકારો બોલી ગયો હતો અને ફાયરબ્રિગેડમાં પાણી ભરાયાની ફરિયાદોનો મારો ચાલ્યો હતો.

 

કન્ટ્રોલરૂમના ફોન બધં થઈ ગયાની ફરિયાદો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ પાસે પહોંચતા તેમણે આ મામલે ઈજનેરોનો ઉધડો લીધો હતો અને હવે સમગ્ર ચોમાસા દરમિયાન કયારેય ફોન બધં ન થવા જોઈએ તેવી તાકિદ કરી હતી તેમજ લેન્ડલાઈન ફોન ઉપરાંત કન્ટ્રોલરૂમમાં મોબાઈલ ફોન પણ રાખવા સૂચના આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS