યુનિ. રોડ પર જમીન વેચાણ મંજૂર: કતલખાનાની દરખાસ્ત પરત

  • May 08, 2021 05:19 AM 

રાજકોટ મહાનગરપાલિકામાં એક મહિનાના લાંબા સમયગાળા બાદ આજરોજ બપોરે ૧૨ કલાકે ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં યુનિવર્સિટી રોડ પર નટરાજનગર પાસેની જમીનનું વેચાણ સહિતની કુલ ૩૫ દરખાસ્તો સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવી હતી. યારે સદર કતલખાનાનું રિનોવેશન કરવાની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનરને પરત મોકલી દેવામાં આવી હતી. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ ૩૮ દરખાસ્તો મંજૂર કરી રૂા.૧૧ કરોડ ૯૬ લાખ ૪૭ હજાર ૩૦૭ના વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા હતા.

 

 

વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજરોજ મળેલી મીટિંગમાં મંજૂર કરાયેલી વિવિધ દરખાસ્તોમાં યુનિવર્સિટી રોડ પર નટરાજનગર પાસેના પોશ વિસ્તારમાં આવેલી જમીનનું લીઝથી વેચાણ મંજૂર કરવામાં આવ્યું હતું જેમાં આખરી નગર રચના યોજના નં.૪ રૈયાના આખરી ખડં નં.૪૫૭ની કુલ જમીન ૧૬૯૮ ચો.મી. પૈકી ૫૯૦ ચો.મી. જમીન નેશનલ સેમ્પલ સર્વે ઓફિસને લીઝથી વેચાણ આપવા નિર્ણય કરાયો હતો. આ જમીન પ્રતિ ચો.મી. દીઠ રૂા.૮૦,૮૦૦ના ભાવથી વેચાણ કરવાનું મંજૂર કરાયું હતું અને આ ભાવ મુજબ આ જમીનની કુલ કિંમત ૫ કરોડ, ૬૩ લાખ ૧૪ હજાર ૯૧૦ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં આવેલા સદરના કતલખાનાનું રિનોવેશન કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્રારા દરખાસ્ત મોકલવામાં આવી હતી અને રૂા.૨૪,૯૨,૧૮૪ના ખર્ચે રિનોવેશન કરવાનું હતું પરંતુ રિનોવેશનની કોઈ જરૂરિયાત નહીં જણાતા સ્ટેન્ડિંગ કમિટીએ આ દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનરને પરત મોકલી દીધી હતી.

 


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઉપરોકત દરખાસ્ત ઉપરાંત મહાપાલિકાની તમામ હાઈસ્કૂલોના વિધાર્થીઓ માટે રૂા.૨૫.૯૦ લાખના ખર્ચે સ્કૂલ ગણવેશ તથા બૂટ–મોજા ખરીદવા, ઓડિટોરિયમ અને કોમ્યુનિટી હોલ સહિતના એસ્ટેટ વિભાગ હસ્તકની મિલકતોનું હાઉસ કિપિંગ કરવા માટે રૂા.૧૭.૯૫ લાખમાં કોન્ટ્રાકટ આપવા, કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવા (અગાઉ મંજૂરીની અપેક્ષાએ નિર્ણય લઈ હોસ્પિટલ શરૂ કરી દેવાઈ હતી, દરખાસ્ત હવે આવી છે), મહાપાલિકાના વિવિધ સંકૂલોમાં ફાયર સેફટીના સાધનો મુકવા માટેની ખરીદી રેટ કોન્ટ્રાકટથી કરવા, આમ્રપાલી અન્ડરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમનો ખર્ચ રૂા.૧.૫૪ લાખ મંજૂર કરવા, સ્માર્ટ સિટી વિસ્તારમાં પ્રધાનમંત્રીના હસ્તે લાઈટ હાઉસ પ્રોજેકટ આવાસ યોજનાનું ઈ–ખાતમુહર્ત તેમજ મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહર્તના કાર્યક્રમનો ખર્ચ રૂા.૫૪૬૨૧ મંજૂર કરવા, મહાપાલિકાના જૂના સ્ક્રેપ વાહનોનું રૂા.૧.૨૭ લાખમાં વેચાણ કરવા, સેન્ટ્રલ વર્કશોપ શાખા હસ્તકની કામગીરી માટે મેન પાવર કોન્ટ્રાકટ પધ્ધતિથી રાખવા માટેનો વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ રૂા.૮,૮૬,૯૫૦ના ખર્ચે કરવા, કાલાવડ રોડ સ્વિમિંગ પુલની બાજુમાં આવેલા જિમ્નેશિયમના સંચાલનની મુદતમાં વધારો કરવા, ઈસ્ટ ઝોનના વોર્ડ નં.૬–બમાં સમાવિષ્ટ્ર વિસ્તારોની પાર્ટ ટાઈમ સફાઈ કામદારો મારફતે સફાઈ કરાવવા તેમજ કચરો ઉપાડવા માટેનો ત્રિ–વાર્ષિક કોન્ટ્રાકટ રૂા.૧.૦૮ કરોડમાં આપવા નિર્ણય કરાયો હતો.

 

 

આ ઉપરાંત વોર્ડ નં.૧૫માં સફાઈ અને કચરો ઉપાડવાની કામગીરીનો કોન્ટ્રાકટ રૂા.૩૫.૨૯ લાખમાં આપવા, વોર્ડ નં.૫માં સફાઈ અને કચરો ઉપાડવાનો કોન્ટ્રાકટ રૂા.૧.૦૩ કરોડમાં આપવા, વોર્ડ નં.૧માં સફાઈ અને કચરો ઉપાડવાનો કોન્ટ્રાકટ રૂા.૫૧.૧૯ લાખમાં આપવાનું મંજૂર કરાયું હતું. ખાનગી મિલકતો પરના હોડિગ બોર્ડ માટેની ૪૩ નિયમો સાથેની નવી પોલિસી મંજૂર કરાઈ હતી. વોર્ડ નં.૧૫માં ૮૦ ફટ રોડ પર અમૂલ સર્કલ પાસે આવેલા જગ્યા રોકાણ શાખા હસ્તકના ખુલ્લા પ્લોટમાં સી.સી. કરવા રૂા.૪૪,૧૫,૮૪૧નો ખર્ચ, વોર્ડ નં.૪માં વિનાયક ફલેટથી જયનંદન વન સોસાયટી સુધી પાણીની લાઈન નાખવા રૂા.૭૦.૬૩ લાખનો ખર્ચ, વોર્ડ નં.૧૮માં કોઠારિયામાં રામ રણુજા સોસાયટી, રામ પાર્ક, ભોમેશ્ર્વરી તથા શિવમ પાર્કમાં રૂા.૨૩.૫૦ લાખના ખર્ચે મેટલિંગ કરવા, ડ્રેનેજ વિભાગની મશીનરી ભાડે આપવાનું ભાડું અને નિયમો નકકી કરવા, વોર્ડ નં.૧૧માં અંબિકા ટાઉનશિપ અને કસ્તુરી રેસિડેન્સી વિસ્તારમાં ૨૯.૧૮ લાખના ખર્ચે પાણીની લાઈન નાખવા, વોર્ડ નં.૧૪માં ગુકુળ પમ્પિંગ સ્ટેશન ખાતે બાંધકામ મટિરિયલ્સની ચકાસણી માટે રૂા.૭૪.૧૦ લાખના ખર્ચે કવોલિટી કન્ટ્રોલ સેલ બનાવવા તેમજ રાજકોટ શહેર તેમજ આજુબાજુના ગામોના સ્મશાનોને મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે આર્થિક સહાય આપવા, વોર્ડ નં.૧૨માં પુનિતનગર ૨૪ મીટરના ડીપી રોડને રિ–ડેવલપ કરવા રૂા.૫.૦૨ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો આ મુજબની ૩૮ દરખાસ્તો મંજૂર કરાઈ હતી.

 

 


સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દર સાહે શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક યોજવામાં આવતી હોય છે, પરંતુ હાલમાં કોરોના મહામારીના સમયમાં અત્યતં જરૂરી ન હોય ત્યાં સુધી બેઠક યોજવાનું ટાળવામાં આવે છે. નિયમાનુસાર દર ૩૦ દિવસે એક વખત સ્ટેન્ડિંગ બેઠક યોજવી ફરજીયાત હોય છે જે અંતર્ગત આજે બેઠક યોજવામાં આવી હતી. અત્યતં જરૂરી અને તાકીદના કામો હોય તે સ્ટેન્ડિંગ કમિટિની પૂર્વ મંજુરીની અપેક્ષાએ જાણ કરીને શરૂ કરી દેવા પરવાનગી અપાઇ છે. ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં તમામ શાખા અધિકારીઓ, ૬ આસી. કમિશનર, ૩ ડેપ્યુટી કમિશનર, ટાઉન પ્લાનિંગ ઓફિસર અને સીટી ઇજનેરો સહિત અંદાજે ૪૦ જેટલા અધિકારીઓ અને ઇજનેરોએ ઉપસ્થિત રહેવાનું હોય છે પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાને લઇને જે અધિકારીના કાર્યક્ષેત્રને લગતી દરખાસ્ત હોય તેમને જ ઉપસ્થિત રહેવા જણાવાય છે, અન્યને બેઠકમાં ઉપસ્થિત રહેવામાંથી મુકિત અપાય છે.

 

 


કોવિડ હોસ્પિટલ માટે રૂા.૪૦.૭૬ લાખ મંજૂર
વોર્ડ નં.૧૦માં કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલમાં કોવિડ–૧૯ના દર્દીઓને સારવાર માટે ૨૦૦ બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે તે હોસ્પિટલ બનાવવાના કામે રૂા.૪૦.૭૬ લાખનો ખર્ચ આજરોજ મળેલી સ્ટેન્ડિંગ બેઠકમાં મંજૂર કરાઈ હતી.

 


કોવિડ હોસ્પિટલ માટે બેડ અને મેટ્રેસીસની ખરીદી માટે રૂપિયા ૨૬.૮૦ લાખ મંજૂર
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કોવિડ–૧૯ વૈશ્ર્વિક મહામારી અંતર્ગત શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટર અને કોવિડ હોસ્પિટલો માટે બેડ તેમજ મેટ્રેસીસની ખરીદી માટે રૂા.૨૬.૮૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો જેને આજે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યેા હતો.

 

 

રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવા મંજૂરી
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના પૂ.રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ ખાતે કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માટે મ્યુનિ.કમિશનરે કરેલી દરખાસ્તને આજે સ્ટે.કમિટીએ મંજૂરી આપી હતી. જો કે સ્ટે.કમિટીની પૂર્વ મંજૂરીની અપેક્ષાએ અગાઉથી જ આ અંગેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

 


સ્મશાનોને વિશેષ આર્થિક સહાય કરવાનું મંજૂર
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના વિવિધ સ્મશાનો તેમજ કોરોનાકાળમાં આજુબાજુના ગામોના સ્મશાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરમિયાન હવે વિવિધ ગ્રામ પંચાયતો તેમજ સંસ્થાઓ કે ટ્રસ્ટ દ્રારા સંચાલિત સ્મશાનોને કોવિડ મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે વિશેષ આર્થિક સહાય આપવાનું સ્ટે.કમિટીએ મંજૂર કર્યું હતું. એપ્રિલ મહિનામાં ૧૮ સ્મશાનો કાર્યરત કરાયા ત્યારે મૃતદેહોનો નિકાલ થઈ શકયો હતો તે ઉલ્લેખનીય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application