રાજકોટમાં સુપર સ્પ્રેડર્સ માટે આજથી વેકિસનેશન ડ્રાઈવ

  • June 08, 2021 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્રારા આજથી કોરોના સુપર સ્પ્રેડર્સની વ્યાખ્યામાં આવતા ધંધાર્થીઓને યેનકેન પ્રકારે સમજાવીને કોરોના સામેની રસી લેવા માટે તૈયાર કરવા વેકિસનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આરોગ્ય શાખાના એમબીબીએસ અને એમડી કક્ષાના ડોકટરો રસ્તા પર ઉતરીને બકાલીઓને વેકિસન લેવા માટે સમજાવટ કરી રહ્યા છે. વિવિધ પ્રકારની ગેરમાન્યતાઓ અને અંધશ્રધ્ધાના કારણે બકાલીઓ તેમજ અન્ય લારી–ગલ્લાધારકો અને પાથરણાવાળાઓ વેકિસન લેતા નથી. વેકિસન લેવા આવનાર નાગરિકોની સંખ્યામાં ૭૦ ટકાનો તોતીંગ ઘટાડો નોંધાતા હવે તંત્રવાહકોને ગ્રાઉન્ડ ઝીરો પર જવા માટે ફરજ પડી છે.

 


વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના તબીબી વર્તુળોએ જણાવ્યું હતું કે, પ્રથમ ડોઝ લીધો હોય ત્યારબાદ બીજો ડોઝ આવ્યા હોય તેવા નાગરિકોની સંખ્યા વધુ હોય છે પરંતુ જેમણે વેકિસન લીધી જ ન હોય તેવા નાગરિકો આવતા નથી. ખાસ કરીને શાકમાર્કેટના ફેરિયાઓ, હોકર્સ ઝોનના ફેરિયાઓ, ફટપાથ પર ચીજવસ્તુઓ વેચતા પાથરણાવાળાઓ વિગેરેને સમજાવટ કરીને વેકિસન આપવા માટે આજથી પ્રયાસો કરાયા છે. આજે ચીફ હેલ્થ ઓફિસર ડો.લલિત વાઝા, ડે.ચીફ હેલ્થ ઓફિસર ડો.પી.પી. રાઠોડ, ડે.ચીફ હેલ્થ ઓફિસર ડો.મનિષ ચુનારા તેમજ મહાપાલિકાના વિવિધ ૨૧ આરોગ્ય કેન્દ્રોના તબીબો સુપર સ્પ્રેડર્સને સમજાવટ કરી વેકિસન લેવા માટેની અપીલ કરવા નીકળ્યા હતા. તેમના મનમાં રહેલી ગેરમાન્યતાઓ, વહેમ અને અંધશ્રધ્ધા દૂર કરીને વેકિસન લેવા માટે તેમને અપીલ કરવામાં આવી હતી.

 

 

રાજકોટમાં બપોર સુધીમાં ૫૦૦૦ નાગરિકોને વેકિસનેશન
રાજકોટ શહેરમાં આજે બપોર સુધીમાં ૫૦૦૦ નાગરિકોને કોવિશિલ્ડ રસીનું વેકિસનેશન કરવામાં આવ્યું છે. દિવસેને દિવસે વેકિસન લેવા આવતા નાગરિકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના કેસ ઘટી જતા હવે રસી લેવામાં કોઈને રસ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વારંવાર અપીલો અને અનુરોધ કરવા છતાં નાગરિકો વેકિસન લેવા આવતા નથી. આગામી ઓકટોબર મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આગાહી છે ત્યારે નાગરિકો વહેલીતકે વેકિસન લઈ લે તે તેમના અને શહેરના હિતમાં છે.

 

 

કોરોના ફેલાયો ત્યારે સર્વે ન કર્યેા, હવે વેકિસનેશન ડ્રાઈવ કરવી પડી
રાજકોટ શહેરમાં સપ્ટેમ્બર–૨૦૨૦માં કોરોનાની પ્રથમ લહેર અને એપ્રિલ–૨૦૨૦માં બીજી લહેર આવી ત્યારે મહાપાલિકા તંત્રએ સુપર સ્પ્રેડર્સનો સર્વે કર્યેા ન હતો જેના પરિણામો હવે ભોગવવાના આવ્યા છે. હાલમાં વેકિસનેશન ચાલી રહ્યું છે ત્યારે અનેક પ્રકારની ગેરમાન્યતાઓ અને અંધશ્રધ્ધાના કારણે સુપર સ્પ્રેડર્સ કે જેમાં મુખ્યત્વે શાકભાજીના ફેરિયાઓ તેમજ લારી–ગલ્લાધારકો અને પાથરણાવાળાઓ સમાવિષ્ટ્ર છે. તેઓને વેકિસન લેવાનું વારંવાર કહેવા છતા તેઓ ટાળી રહ્યા છે. આથી હવે આરોગ્ય શાખાના સ્ટાફને ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને ફેરિયાઓને આગવી ભાષામાં સમજાવવા ફરજ પડી છે.

 

 

કોવેકિસનના બીજા ડોઝ માટે રજિસ્ટ્રેશન શરૂ કર્યું
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આજથી ૧૮થી ૪૪ વર્ષની વયના નાગરિકો કે જેમણે કોવેકિસનનો પ્રથમ ડોઝ લીધો હોય અને તેના ૨૮ દિવસ પૂર્ણ થઈ ગયા હોય તેવા નાગરિકો માટે આજે તા.૮ જૂનથી બીજા ડોઝ માટેનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. આ માટેનો સ્લોટ બૂક કરાવવા .ભજ્ઞશક્ષ.લજ્ઞદ.શક્ષ ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કોવેકિસન આપવા માટે અલગ–અલગ પાંચ સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટવાસીઓને કોવેકિસનનો બીજો ડોઝ આપવા માટેની વેકિસનનો પુરતો જથ્થો આગામી તા.૧૨ જૂન સુધીમાં મહાપાલિકાને મળી જશે. યારે કોવિશિલ્ડનો પુરતો જથ્થો હાલમાં ઉપલબ્ધ છે.

 

 

રાજકોટમાં આજે કોરોનાના ફકત ૧૧ કેસ: કુલ કેસ ૪૨,૩૮૩
મહાપાલિકાના કોવિડ બૂલેટિન અનુસાર રાજકોટ શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાના ફકત ૧૧ પોઝિટિવ કેસ મળ્યા છે અને આ સાથે હાલ સુધીના કુલ કેસ ૪૨,૩૮૩ થયા છે. ગઈકાલે તા.૭ના રોજ ૧૪૪૯ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામા આવ્યા હતા જેમાંથી ફકત ૨૪ પોઝિટિવ મળ્યા હતા. આજ સુધીમાં કુલ ૧૧,૫૬,૭૨૧ નાગરિકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી ૪૨,૩૮૩ નાગરિકો પોઝિટિવ મળ્યા છે. યારે તેની સામે આજ સુધીમાં ૪૧,૫૪૯ નાગરિકો સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. પોઝિટિવિટી રેઈટ ૩.૬૬ ટકા અને રિકવરી રેઈટ ૯૮.૦૫ ટકા રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS