રસીકરણ ઝડપી નહીં બને તો દેશમાં રોજ 6 લાખ કેસ આવશે, જો ઝડપથી રસી અપાશે તો ફક્ત બે લાખ કેસ રોજ આવશે

  • August 24, 2021 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ચાલી રહી છે અને કેટલાંક રાજયોમાં હજુ પણ ચિંતાજનક પરિસ્થિતિ છે ત્યારે નિષ્ણાંતોએ એવી આગાહી કરી છે કે જો હવે આગામી દિવસોમાં દેશમાં રસીકરણ ઝડપી બનાવવા માં નહીં આવે તો દરરોજ 6 લાખ કેસ આવી શકે છે અને મોટા પડકાર નો ફરિવાર સામનો કરવો પડશે.

 

પંડિત દીનદયાળ ઉપાધ્યાય એનર્જી યુનિવર્સિટી અને નિરમા યુનિવર્સિટી ના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવેલા અભ્યાસ બાદ આ પ્રકારનો ભય દર્શાવવામાં આવ્યો છે. સાથોસાથ એવી આગાહી પણ કરવામાં આવી છે કે જો ઝડપી રસીકરણ થશે તો દરરોજ બે લાખ કેસ આવી શકે છે. એટલે કે દરરોજના કેસમાં મોટો ઘટાડો થઈ શકે છે. જો દરરોજ એક કરોડ લોકોને રસી અપાશે તો કેસમાં ઘટાડો થશે.

 

આરોગ્ય નિષ્ણાંતો દ્વારા એવી આગાહી પણ કરવામાં આવી છે કે આગામી કેટલાક સપ્તાહો દરમિયાન કોરોનાવાયરસ મહામારીની ત્રીજી લહેર દેશમાં મોટા પાયે ફેલાઇ શકે છે તો કેટલાંક નિષ્ણાંતોએ એમ કહ્યું છે કે આ લહેર બીજી લહેર જેટલી ચિંતાજનક નહીં હોય.

 

આવા વિસંવાદી અહેવાલો વચ્ચે દેશની બે યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવેલ અભ્યાસથી નવેસરથી ચિંતા જાગી છે કારણ કે ઝડપી રસીકરણ દેશમાં કરવામાં નહીં આવે તો ફરીથી દેશની હાલત બગડી શકે છે. દેશમાં બીજી લહેર વખતે ભારે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને હોસ્પિટલોમાં જગ્યા રહી ન હતી તેમજ ઓક્સિજનનો ભયંકર અભાવ રહ્યો હતો.

 

જોકે નિષ્ણાંતો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવું પણ જાહેર કરવામાં આવ્યું છે કે કોરોનાવાયરસ મહામારીની ત્રીજી લહેરમાં બાળકો મોટા પ્રમાણમાં તેનો શિકાર બનશે તેવી વાત ના સાયન્ટિફિક પુરાવા હજુ સુધી મળ્યા નથી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS