અમદાવાદના 78 વર્ષના વૃદ્ધાનું બલિદાન, વેન્ટીલેટર બેડ ખાલી કરી આપ્યો

  • May 11, 2021 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરિવારના મોભી જીવી શકે તેમ ન હોવાથી તેમને બેડ આપીને આ મહિલાએ દેહનો ત્યાગ કર્યો, તેણીની સારવાર થઇ શકી નહીં

 



અમદાવાદના વાસણામાં રહેતા 78 વર્ષના વૃદ્ધાએ પોતાનો જીવ ખોઇને પરિવારના એક મુખ્ય વ્યક્તિને વેન્ટીલેટર બેડ આપીને તેમનો જીવ બચાવ્યો છે. માનવતાનું આવું ઉદાહરણ ભાગ્યેજ જોવા મળે છે. આ વૃદ્ધાને વેન્ટીલેટરની જરૂર હતી પરંતુ તેણીએ બીજાને આપી દીધું અને પોતે મોતને ભેટ્યાં હતા. હોસ્પિટલમાં વેન્ટીલેટર બેડની અછતના કારણે એક દર્દીએ મોતને વહાલું કર્યું છે.

 


મૂળ સાણંદના પરંતુ અમદાવાદના વાસણાની નંદન સોસાયટીમં રહેતા રાજેન્દ્રભાઇના માતા ભાનુમતીબેન પ્રવિણચંદ્ર ત્રિવેદી કોરોનાની સારવાર માટે 5મી મે ના રોજ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયાં હતા. આ પરિવાર 1998માં અમદાવાદમાં સ્થાયી થયું છે.

 


સિવિલના તબીબે રાજેન્દ્રભાઇને  જણાવ્યું હતું કે ભાનુમતીબેનના ફેફસાંમાં નુકશાન વધારે છે તેથી તેમને વેન્ટીલેટર બેડની જરૂરિયાત છે. આ સમયે હોસ્પિટલમાં બેડ ખાલી હોવાથી તેમને ફાળવવામાં આવ્યો હતો. આ સમયે 55 વર્ષના એક પુરૂષ પણ કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા.

 


આ પુરૂષ એ પરિવારનો મુખ્ય વ્યક્તિ હતો. તેમના પરિવારજનોએ રાજેન્દ્રભાઇને વાત કરી કે અમારા આ સ્નેહીને વેન્ટીલેટર નહીં મળે તો તેઓ મૃત્યુ પામશે. જો તમારા માતા વેન્ટીલેટર છોડવા તૈયાર થાય તો ઘરના મોભીનો જીવ બચી શકે તેમ છે.

 


પુત્રએ તેની જનેતાને વેન્ટીલેટર બેડ માટે વાત કરતાં તેઓ તૈયાર થઇ ગયા હતા. તેમણે કહ્યું કે જો આ બેડ પરિવારના મોભીને આપવામાં આવે અને તેમનો જીવ બચી જાય તો મારે વેન્ટીલેટર જોઇતું નથી. તેમણે વેન્ટીલેટર બેડ અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દેવા હોસ્પિટલને ઓફર કરી હતી.

 


ભાનુમતીબેનને વેન્ટીલેટર નહીં મળતાં તેણીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેઓનું થોડાં દિવસમાં હોસ્પિટલમાં અવસાન થયું છે પરંતુ જેમને વેન્ટીલેટર બેડ મળ્યો હતો તેમની તબિયત હાલ તો સુધારા પર હોવાનું હોસ્પિટલના તબીબો કરી રહ્યાં છે. હાલના સમયમાં જીવ બચાવવા માટેનો હોસ્પિટલનો બેડ બીજી વ્યક્તિને આપવાની હિંમત કોઇપણ દર્દી કરી શકે નહીં તેવા સંજોગોમાં ભાનુમતીબેન અને તેમના પરિવારજનોએ મોટું રિસ્ક લઇને અન્ય વ્યક્તિની સહાયતા કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS