ગુજરાતનું વિઝીલન્સ કમિશન માત્ર ભલામણ કરી શકે છે, ભ્રષ્ટાચારીને સજા કરાવી શકતું નથી

  • April 03, 2021 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કમિશને ગંભીર પ્રકારની ગેરરીતિના ગુનામાં મોટી શિક્ષા, ફોજદારી કેસ અને પેન્શન કાપ સહિતના પગલાં લેવા ભલામણ કરી છે તેવા કેસમાં અધિકારી-કર્મચારી છૂટી ગયા છેગુજરાત વિઝીલન્સ કમિશનને હકીકતમાં નખ અને દાંત વિનાનો સિંહ છે. આ કમિશનમાં આવેલી ફરિયાદોના આધારે સરકારી અધિકારી તેમજ કર્મચારીને ગેરરીતિ કે ભ્રષ્ટાચાર બદલ દંડીત કરીને સજાની જોગવાઇ કરવામાં આવે છે પરંતુ સરકારના ઉચ્ચ અમલદારો ખાતાકીય તપાસના બહાને કેસને લૂલો કરીને આક્ષેપિત અધિકારી કે કર્મચારીને યોગ્ય સજા થવા દેતા નથી. સરકારમાં ખાતાકીય તપાસના નાટકો ચાલે છે કે જેમાં મોટાભાગે નિવૃત્ત અધિકારીઓને કામ સોંપવામાં આવ્યું હોય છે.

 


સરકારી નોકરીમાં ગેરરીતિનું પ્રમાણ વધી રહ્યું હોવાનો ચોખ્ખો રિપોર્ટ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય વિઝીલન્સ કમિશને આપ્યો છે. આ કમિશને એક વર્ષમાં 2533 જેટલા સરકારી અધિકારી તેમજ કર્મચારીઓ સામે પગલાં લેવા સરકારને ભલામણ કરી છે. એટલું જ નહીં ગંભીર પ્રકારના 29 કેસમાં ફોજદારી કેસો કરવાની પણ ભલામણ કરી છે.

 


ગુજરાત વિઝીલન્સ કમિશનના આખરી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સરકારી કચેરીઓ ખાસ કરીને સચિવાલયના વિભાગો તેમજ બોર્ડ-નિગમમાં ગેરરીતિઓનું પ્રમાણ વધ્યું છે. આ રિપોર્ટમાં એવી પણ નોંધ લેવામાં આવી છે કે કમિશન સમક્ષ આવેલા બીજા તબક્કાના પરામર્શના કેસમાં પ્રતિવર્ષ સચિવાલયના વિભાગો અને બોર્ડ-નિગમ તરફથી શિક્ષાના હુકમ કે દોષમુક્તિના આદેશ મળ્યા છે.

 


અનેક કેસમાં ખાતાકીય તપાસમાં આક્ષેપિત અધિકારી કે કર્મચારી સામે ગંભીર આરોપ પૂરવાર થયો હોય તેમ છતાં તેને નાની શિક્ષા કરવામાં આવી છે અથવા તો તેનું પ્રકરણ બંધ કરવામાં આવ્યું છે. કસૂરવાલ અધિકારી કે કર્મચારીને પુરતી શિક્ષા થઇ શકતી નથી. રાજ્ય વિઝીલન્સ કમિશનની વર્ષોથી આવી ફરિયાદ રહી છે. ભૂતકાળમાં પણ કમિશનના રિપોર્ટમાં સરકારના વિભાગો અને તેના વડાનો ઉઘડો લેવામાં આવ્યો છે અને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભલામણોનો અમલ થતો નથી.  

 


2019ના વર્ષમાં કમિશને 709 અધિકારી તેમજ કર્મચારીઓ સામે શિક્ષાની વિવિધ ભલામણો કરી છે. 726 કેસ હજી ચકાસણી માટે પડી રહ્યાં છે. આયોગે ફોજદારી કાર્યવાહી કરવા માટે 2017માં 22, 2018માં 24 અને 2019માં 29 કિસ્સામાં ભલામણ કરી હતી. શિસ્ત વિષયક શિક્ષા માટે ત્રણ વર્ષ દરમ્યાન અંદાજે 950 કેસોમાં ભલામણ કરવામાં આવી હતી.

 


સચિવાલયના વિભાગો સાથે બોર્ડ-નિગમના કુલ 66 અધિકારી સામે કમિશને શિક્ષાની ભલાણમ કરી છે જે પૈકી 62 કેસમાં ભારે શિક્ષાની જોગવાઇ છે. એક કેસમાં પેન્શન કાપ મૂકવાની સલાહ આપવામાં આવી છે. મોટાભાગના કેસો નર્મદા નિગમ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપ્નીના છે. સચિવાલયના વિભાગોમાં સૌથી વધુ કેસ માર્ગ મકાન વિભાગ તેમજ વન અને પયર્વિરણ વિભાગના છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS