કોરોનાના ઓછાયા વચ્ચે મોરવાહડફની બેઠક પર મતદાન શરૂ

  • April 17, 2021 08:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ: 2જી મે મતગણતરી હાથ ધરવામાં આવશેકોરોનાના કહેર વચ્ચે આજે તા.17મી એપ્રિલના રોજ ગુજરાત વિધાનસભાની મોરવાહડફ બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે.આ પેટાચૂંટણી માટે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. આ વખતે કોરોનાના કારણે પ્રત્યેક મતદાન બુથ પર મહત્તમ 1500 મતદારોના બદલે 1000 મતદારો જ મતદાન કરી શકશે. આ ચૂંટણીમાં માત્ર બે મહિલા સહિત કુલ ત્રણ ઉમેદવાર વચ્ચે જ જંગ ખેલાશે. તેમાંય વળી એક તો અપક્ષ ઉમેદવાર છે. કોંગ્રેસના સુરેશ કટારા, ભાજપ્ના નિમિષાબેન સુથાર તથા અપક્ષ ઉમેદવાર સુશીલાબેન મૈડા વચ્ચે જંગ ખેલાશે. આ ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમા  સીલબંધ થશે. તા.2જી મેના રોજ સવારે 8 વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે.

 


મોરવાહડફની પેટાચૂંટણી માટે 2,19,185 મતદારો છે. તેમાં 1,11,286 પુરુષ તથા 1,07,899 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. 169 મતદાન મથક સ્થળોમાં સમાવિષ્ટ કુલ 329 મતદાન મથકો ખાતે મતદાન યોજાશે. પ્રવર્તમાન કોવિડ 19ની સંક્રમણની મહામારી અન્વયે ભારતના ચૂંટણી પંચની ગાઇડલાઇન અનુસાર એક મતદાન મથક દીઠ મહત્તમ 1500 મતદારોના બદલે આ પેટાચૂંટણીમાં મહત્તમ 1000 મતદારો જ મતદાન કરી શકશે. મતદાનના દિવસે 60 જેટલા મતદાન મથકો ખાતેથી લાઇવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે. આ મતદાન મથકો પર 124 માઇક્રો ઓર્બ્ઝવર નિયુક્ત કરવામાં આવ્યા છે. જયારે કુલ 45 સેકટર રૂટ પર 45 ઓફીસરોની નિમણૂંક કરવામાં આવી છે. ઉમેદવારના ચુંટણી ખર્ચના રજિસ્ટરની ત્રણવાર ચકાસણી કરવામાં આવી છે. પ્રત્યેક ચકાસણી બાદ ઉમેદવારના ખર્ચ રજિસ્ટર મુખ્ય નિવર્ચિીન અધિકારીને વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.

 


ગુજરાતના મુખ્ય નિવર્ચિન અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ તરફથી જણાવ્યા મુજબ કોવિડ 19 મહામારીને ધ્યાને લઇને સામાજિક અંતર જળવાઇ રહે તે રીતે ડીસ્પેચીંગ કેન્દ્રો ઉપર 31 કાઉન્ટર તથા રીસીવીંગ કેન્દ્રો ઉપર પણ 31 કાઉન્ટર રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ હેઠળના અધિક નિયામક કક્ષાના અધિકારીને રાજય નોડલ અધિકારી તરીકે અને જિલ્લા કક્ષાએ પણ નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. કોવિડ 19ની માર્ગદર્શિકા અનુસરીને આશરે 400 થર્મલ ગન, 3650 એન-95 ફેસ માસ્ક તથા 39600 ડીસ્પોઝેબલ માસ્ક, 3610 ફેસ શિલ્ડ, 3550 રબર હેન્ડ ગ્લોવ્સ અને મતદારો માટે આશરે 2.25 લાખ પોલીથીન હેન્ડ ગ્લોવ્સ ( મતદાર દીઠ એક નંગ આરોગ્ય વિભાગ તરફથી ચુંટણી અધિકારીઓને આપવામાં આવ્યા છે.

 


આ ઉપરાંત કોવિડ પોઝિટિવ અને શંકાસ્પદ મતદારો માટે અને પોલીંગ પાર્ટી માટે 1260 પી.પી.ઇ. કીટ્સ પુરી પાડવામાં આવી છે. મતદાનના દિવસ પહેલાં તમામ મતદાન મથકો સેનિટાઇઝ કરવામાં આવશે. ઉપરાંત મતદાન એજન્ટો, અધિકારીઓ, સુરક્ષા વ્યક્તિઓ અને મતદારોના ઉપયોગ માટે મતદાન મથકો પર પુરતાં પ્રમાણમાં સેનિટાઇઝર અને સાબુ અને પાણી ઉપલબ્ધ રાખવામાં આવશે. તેમ જ મતદાન સ્થળો પર કોવિડ હેલ્પ ડેસ્ક ગોઠવવામાં આવશે.

 


વધુમાં જણાવ્યું છે કે, તા.27 માર્ચના સવારના 7 વાગ્યાથી 29-4-2021 સાંજના 7-30ના સમયગાળા દરમિયાન મતદાન અંગે સર્વેક્ષણ ( એકઝીટ પોલ ) કરાવવા કે તેનું પ્રિન્ટ કે અન્ય ઇલેકટ્રોનિક માધ્યમો પરથી પ્રસારણ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 126 ( એ) ( 1) હેઠળ પ્રતિબંધ ફરમાવ્યો છે. એટલુ જ નહી પરંતુ મતદાનનો સમય પુરો થવાના કલાકની સાથે પુરા થતાં 48 કલાકના સમય દરમિયાન મતદાન અંગેના અનુમાનો કે અન્ય પોલ સર્વે કે પેટાચૂંટણી સંબંધિત કોઇપણ બાબતને કોઇપણ ઇલેકટ્રોનિક માધ્યમો પરથી પ્રસારિત કરવા પર પણ પ્રતિબંધ હોવાનું મુખ્ય નિવર્ચિન અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS